
ઠાકુર શ્રી રામ કૃષ્ણ પરમહંસે સત્ધર્મ, અધ્યાત્મ, સદાચરણ, ગૃહર્સ્થ, અને સંન્યાસીઓ માટે અત્યંત મહત્વના ઉપદેશો આપણને સહુને આપ્યા છે. જેનો હેતુ આપણને અંતે તો ઈશ્વરાભિમુખ કરવાનો છે. તેના દૃષ્ટાંતો સાથેના ઉપદેશો અંતે આધ્યાત્મિકતાનું પ્રેરણા બળ બને છે. સાચી શ્રદ્ધા વિષેનાં તેના ઉપદેશો જોઈએ. જે આપણા જીવનમાં એક શ્રદ્ધાનું બળ ઉત્પન કરે છે.
બાળકની આ શ્રદ્ધા : જટીલ બાળક રોજ પાઠશાળાએ જતો હતો. પાઠશાળાનો રસ્તો વચ્ચે ગાઢ જંગલમાંથી પસાર થતો હતો. ત્યાંથી જતા તેને ડર લાગતો હતો. એ તેણે તેની બા ને કહ્યું. એટલે તેની માં બોલી ‘બેટા તારે શું કામ બીવું જોઈએ ? તું તારે મધુસૂદન ને બોલાવ જે એ મધુસૂદન તારો મોટો ભાઈ છે. એ પછી રસ્તે જતા જેવી બીક લાગવા માંડી કે તરત જ તે બાળક બૂમ મારી ”ભાઈ મધુસૂદન ! મધુસૂદન!” પરંતુ ક્યાંયથી કોઈ આવતું નથી. એટલે ઉચેથી રડીને કહેવા લાગ્યો. ”ક્યાં છો ભાઈ મધુસુદન ? તમે આવોને, મને બહુ બીક લાગે છે !” નાના છોકરાનાં રુદન સાંભળીને ભગવાન રહી શક્યા નહિ.’ તેમણે પોતે જાતે આવીને કહ્યું, આ રહ્યો હું, તૂં ડરે છે શા માટે ? એમ કહીને સાથે જઈને પાઠશાળાનાં રસ્તા સુધી પહોંચાડી દીધો. અને કહ્યું કે ‘તારે બીવું નહિં, તું જ્યારે બોલાવીશ ત્યારે હું આવીશ !’ આવી બાળકની શ્રદ્ધા અને આવી વ્યાકુળતા !

એક બાળકે ખરેખર ઈશ્વરને ખવરાવ્યું : એક બ્રાહ્મણને ઘરે દેવ સેવા હતી. એક દિવસ કંઈક કામે તેને બહાર ગામ જવાનું થયું. તે વખતે પોતાના નાના દિકરાને કહી ગયો કે ‘આજે તું ઠાકોરજીને ભોગ ઘરીને જમાડજે.’ સમય જતાં છોકરાએ ઠાકોરજીને ભોગ ધરાવ્યો. પણ ઠાકોરજી તો મૂંગા બેઠા છે બોલે નહીં કે ચાલે નહીં, ને ખાય નહિ ? છોકરાએ ધણીવાર સુધી બેઠાં બેઠાં જોયું કે ઠાકોરજી તો ઉઠત્તા નથી. એટલે જોઈને વારેવારે કહેવા લાગ્યો કે ”ભગવાન ! આવો અને જમી લો… બહુવાર થઈ, હવે તો મારાથી બેસાતું નથી.” તોય ભગવાન તો બોલતા નથી. છોકરાએ રડવાનું શરૂ કર્યું ને કહેવા લાગ્યો કે ‘ભગવાન, બાપુ તમને ખવરાવવાનું કહી ગયા છે. તો તમે આવતા કેમ નથી ? મારા હાથે કેમ ખાતા નથી ?’ ત્યાં વ્યાકુળ થઈને જેવો રડયો કે તેવાજ ભગવાન હસતા હસતા આસન ઉપર બેસીને જમવા લાગ્યા. તે બધું જ જમી ગયા. ઠાકોરજીને જમાડીને જેવો મંદિરમાંથી બહાર આવ્યો એટલે ઘરના માણસો એ પૂછયું ભોગ દેવાઈ ગયો ! હવે બધું પાછું લાવ છોકરાએ જવાબ આપ્યો કે હા, ભોગ દેવાઈ ગયો, ને ઠાકોરજી બધું જ જમી ગયા… બાળકની આશ્રદ્ધાપૂર્વકનો ભોગ ઠાકોરજી જમી ગયા તે જાણી સહુને આશ્વર્ય થયું ! આ વાત શ્રદ્ધાનાં ભોગની છે.
– પાયાની શ્રદ્ધા :- કોઈ પણ કર્મ કરતા પ્રથમ તો એક પ્રકારની નક્કર શ્રદ્ધા હોવી જોઈએ. તેની સાથે વસ્તુનો ખ્યાલ આવતા આનંદ થાય. ત્યારે એ વ્યક્તિ કાર્યમાં પ્રવૃત થાય છે. જમીન અંદર સોના મહોરનો ભરેલો એક ચરુ છે. એ જ્ઞાાન, એ શ્રદ્ધા પ્રથમ જોઈએ. ચરૂનો ખ્યાલ આવતા આનંદ થાય છે. ત્યાર પછી ખોદતા ખોદતા ઠન્ન શબ્દ થયે આનંદ વધે. ત્યાર પછી ચરૂનો કાંઠો દેખાતા દેખાતા આનંદ એથીય વધુ થાય. એમ ક્રમે ક્રમે આનંદ વધ્યા કરે. આ શ્રદ્ધાનો આનંદ છે. ઉત્સાહ, જીજ્ઞાાશા અને ફળ પ્રાપ્તિની શ્રદ્ધાનો આનંદ છે.

સાચા ભક્તની શ્રદ્ધા : સાચા ભક્તને બધામાં ભગવાન દેખાય છે તે તેની સાચી શ્રદ્ધા છે. શ્રદ્ધા માટે કશું અશક્ય નથી. અરૂપબ્રહ્મામાં કે સરૂપ ઈશ્વરમાં, રામમાં, કૃષ્ણમાં, જગદંબામાં, કે પત્થરમાં પણ ભગવાન દેખાય છે. ચાણક્ય કહેતા કે ઈશ્વર મંદિર કે મૂર્તિમાં નથી પરંતુ શ્રદ્ધામાં છે. સિયારામ મય સબ જગજાની કર હું પ્રણામ – શ્રદ્ધાવાન સાચા ભક્તને દરેકમાં ઈશ્વરનાં દર્શન થાય છે.
સંપૂર્ણ શ્રદ્ધા : એક છોકરો – સંન્યાસી કોઈને ઘરે ભિક્ષા માંગવા ગયો. એ આ જન્મ સંન્યાસી હતો. સંસારની કોઈ બાબતોની તેને કોઈ ખબર ન હતી.
એને એક ગૃહસ્થની જુવાન દીકરીએ ભિક્ષા ભિક્ષા આપી તે છોકરીને ખુલ્લા શરીરે જોઈને એ બાલ-સન્યાસી બોલ્યો કે ”માતાજી, આ છાતીએ શું ગુમડા થયા છે ??” તે દીકરીની માએ કહ્યું, બાપની ‘ના’, એને બાળક અવતરશે. તેના પોષણ માટે ભગવાને દૂધના બે પ્યાલા આપ્યા છે. દૂધ એમાંથી આવશે તે દૂધ એ બાળક પીશે.
આ સાંભળી બાળ-સંન્યાસી વિચારમાં પડી ગયો. અને બોલી ઉઠયો કે ”આવનાર બાળક ને માટે જો ઈશ્વર પહેલાથી જ તૈયારી કરી રાખે છે. તો મારા માટે પણ રાખેલું હશે જ, પછી મારે શા માટે ઘેર ઘેર ભીખ માંગવી ? જેણે મને જન્મ દીધો છે તેમને ખાવાનું પણ દેશે જ… આવી સંપૂર્ણ શ્રદ્ધા આપણામાં ઉત્પન્ન થાય તેવી પ્રાર્થના કરીએ.”
આમેય શ્રદ્ધા : ગુરૂના વચનોમાં, પ્રાર્થનામાં, મા-બાપના આર્શિવાદમાં, સંતોના વચનોમાં, ધાર્મિક શાસ્ત્રોમાં શ્રમ હોય તો સિદ્ધિ મળે, ગુરુભક્તિની શ્રદ્ધા હોય તો તેના વચનોમાં સિદ્ધિ મળે અર્જુનની એવી જાતની ભક્તિ હતી.

એક દિવસ શ્રી કૃષ્ણ અર્જુનની સાથે રથમાં બેસીને ફરવા નીકળેલા. આકાશ તરફ જોઈને શ્રીકૃષ્ણ બોલ્યા કે ”જો સખા ! કેવા રૂપાળાં પારેવા છે ? જોઈને અર્જુને કહ્યું હા સખા કેવા રૂપાળા પારેવાં !”
બીજી જ ક્ષણે શ્રી કૃષ્ણે ફરીવાર જોતા કહ્યું ‘ના દોસ્ત ! એતો પારેવા નથી.’ અર્જુને પણ જોઈને કહ્યું, ‘ખરીવાત તમારી, એ પારેવા નથી.’
હવે આ વાત સમજીએ તો – અર્જુન મહાસત્યવાદી. એણે કંઈ કૃષ્ણની ખુશામત કરવા થોડું કહેલું??
પણ એણે કૃષ્ણા પ્રત્યે એટલી તો ભક્તિ અને તેના વચનમાં એટલી શ્રદ્ધા, અને એટલો વિશ્વાસ કે શ્રી કૃષ્ણ જે જે બોલે તેજ પ્રમાણે તે જ પ્રમાણે બરાબર અર્જુનને પણ તેતે દેખાયું….
અસાધારણ શ્રદ્ધા : ”આજ મારા ઈષ્ટ છે” એવી સોળે સોળ આના શ્રદ્ધા જ્યારે આવે ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય તેના દર્શન થાય. સાચા ભક્તોની શ્રદ્ધા આવી હોય છે.
એક વખતે હલધારીનાં બાપુ પોતાની દીકરીને ઘેર જતા હતા. રસ્તામાં મોગરાનાં ફૂલ અને બીલીનાં પાન મજાના ઉગેલા જોયા. ખૂબ જ સુંદર હતા.
એટલે દેવ સેવા માટે તે બધા ચૂંટીને લઈને બે ત્રણ ગાઉનો ફેરો કરીને પાછા ઘેર આવ્યા. તેને એવી અસાધારણ ભગવાન ઉપર શ્રદ્ધા હતી કે તે આ ફૂલો અને બીલીપત્રોથી ભગવાન રાજી થશે. એની શ્રદ્ધાથી અર્પણ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા.
શ્રદ્ધાની શક્તિ : શ્રદ્ધાનું અસાધારણ રૂપે સામર્થ્ય પુરુ પાડે છે. નિર્ગુણ અવતાર હતા. તે રામને લંકા જવા માટે સેતુ બાંધવો પડયો. પણ રામ નામ માં શ્રદ્ધા ધરાવતા હનુમાન એક કૂદકે સાગર પાર કરી ગયા હતા. ને સામી બાજુએ પહોંચી ગયા હતા. એમને પુલની પણ જરૂર પડી ન હતી.

શ્રદ્ધા ચમત્કાર સર્જે છે : સાત્વિક અને આત્માથી ઉત્પન્ન થયેલ શ્રદ્ધા જ ધાર્યુ ફળ આપે છે. જેને આપણે અભૂતપૂર્વકની શ્રદ્ધા કહીએ છીએ. શ્રદ્ધા વિનાના સંશર્યાત્મા નાશ પામે છે.
અમુક કર્મોથી સિદ્ધિ પામી શકાય અને અમુક કર્મોથી નહિં. એવું ભક્તિ-શ્રદ્ધામાં નથી. ઈશ્વરની કૃપા ઉપર બધો આધાર છે. અને તેની કૃપા તેની શ્રધ્ધા રાખ્યા વિના મળતી નથી. ઈશ્વર માટે બધુ જ સંભવ છે.
જો ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો ભલે પાપ કરે કે મહાપાતક કરે પણ તેને કશાયથીયે ભય નહિ.
”વિવેક વિનાનો, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિત પણે ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે. નતો પરલોકે સુખ નથી.”
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
