અગત્યનું કામ ન હોય તો બપોરના સમયમાં ઘરની બહાર નીકળવાનું ટાળજો એવી ચેતવણી મહારાષ્ટ્ર સરકારે આપી છે. હવામાન વિભાગે બુધવાર અને ગુરુવાર બે દિવસ માટે યલો અલર્ટ જારી કર્યું છે, જેમાં મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેશે અને બપોરના સમયે આકરી ગરમી પડશે એવી ચેતવણી આપી છે.
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળવાની ચેતવણી આપી છે, જેમાં મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડમાં ૧૫ એપ્રિલ અને ગુરુવાર ૧૬ એપ્રિલ માટે યલો અલર્ટ જારી કર્યું છે. થાણે અને રાયગડમાં ૧૪ એપ્રિલથી તાપમાન વધવાનું શરૂ થઈ ગયું છે. તેથી મહત્ત્વનું કામ ન હોય તો બપોરના આકરા તડકામાં નીકળવુંં નહીં અને નીકળો તો તકેદારીના પગલાં લેવા એવી સૂચના પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૧.૬ ડિગ્રી વધુ હતું. હજી એક દિવસ પહેલા લગભગ ૩૪.૫ ડિગ્રી તાપમાન હતું, જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૭ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા લગભગ ૦.૯ ડિગ્રી વધુ હતું. એક દિવસ પહેલા કોલાબામાં ૩૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો કોલાબામાં ૮૯ ટકા અને સાંતાક્રુઝમાં ૭૩ ટકા ભેજ નોંધાયો હતો.
હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ હાલના વાતાવરણને એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થઈ રહી છે. ઉત્તર તરફથી સૂકા પવનો ફૂંકાય તેવી શક્યતા છે. તેમાં પણ જો દરિયાઈ પવન મોડેથી ફૂંકાય તો આ અઠવાડિયાના કેટલાક દિવસોમાં ૧૯ એપ્રિલ સુધી દરિયાકાંઠાના તાપમાનને ૩૬થી ૩૮ ડિગ્રી સુધી લઈ જઈ શકે છે. આ જ સમય દરમ્યાન કોંકણ વિસ્તારમાં તાપમાનનો પારો ૪૧થી ૪૩ ડિગ્રી સુધી વધવાની શકયતા છે.

આ અગાઉ માર્ચ મહિનામાં મુંબઈગરાએ પાંચ વખત હીટવેવનો અનુભવ કર્યો હતો, જેમાં ચારમાંથી ત્રણ અઠવાડિયા દરમ્યાન મુંબઈ, થાણે સહિતના વિસ્તારમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું.મુંબઈ, થાણે અને પાલઘરમાં સીઝનની પહેલી હીટવેવ પાંચ માર્ચે જારી કરવામાં આવી હતી અને શહેરમાં વર્ષનું સૌથી ઊંચું મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી નોંધાયું હતું. સતત બે દિવસ સુધી તાપમાન ૩૭ ડિગ્રી કે તેનાથી ઊંચું નોંધાય ત્યારે હીટવેવ જાહેર કરવામાં આવે છે. ચાર માર્ચે શહેરમાં ૩૮.૭ ડિગ્રી અને પાંચ માર્ચના સામાન્ય કરતા ૫.૯ ડિગ્રી વધુ તાપમાન રહ્યું હતું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
