
મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રોએ શુક્રવારે ઐતિહાસિક તબક્કો પાર કર્યો. એક્વા લાઈન તરીકે ઓળખાતી મેટ્રો-3 ટ્રેને કફ પરેડના અંતિમ સ્ટેશન સુધીની દોડ સફળતાથી પૂર્ણ કરી છે. આથી મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) માટે આ દિવસ અત્યંત મહત્ત્વપૂર્ણ નીવડ્યો હોઈ મુંબઈગરાના રોજિંદા પ્રવાસમાં મોટી સમસ્યાનો ટૂંક સમયમાં જ ઉકેલ આવશે. આચાર્ય અત્રેથી કફ પરેડ મેટ્રો માર્ગ પ્રવાસીઓ માટે શરૂ કરવાની દિશામાં આ એક મોટું પગલું છે.એક્વા લાઈનની કુલ 33.5 કિમી લંબાઈનો માર્ગ 12.69 કિમીનો પ્રથમ તબક્કો (આરે- જોગેશ્વરી- વિક્રોલી લિંક રોડથી બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ- બીકેસી) 7 ઓક્ટોબર, 2024થી પ્રવાસીઓ માટે શરૂ કરાયો. આ પછી બીજો તબક્કો 9.77 કિમી (ધારાવીથી આચાર્ય અત્રે ચોક) ઝડપથી પૂર્ણતાની દિશામાં જઈ રહ્યો હોઈ આ સ્ટેશન દરમિયાન નિયમિત ટ્રાયલ ચાલુ છે. આ તબક્કો સાત મહત્ત્વના સ્ટેશનને જોડશે.શુક્રવારના સફળ ટ્રાયલને કારણે 10.99 કિમી લાંબો તબક્કો 2 બી (આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ)ના કામમાં ગતિ મળી છે. ઓવરગેડ કેટેનેરી સિસ્ટમ (ઓસીએસ) અને ટ્રેક ગોઠવવાનું કામ પૂર્ણ થયું હોઈ હવે બાકી પ્રણાલી, એટલે કે, આર્કિટેક્ચરલ ફિનિશિંગ અને રસ્તા પુનઃબાંધણીનાં કામો પ્રગતિને પંથે છે.

એમએમઆરસીનાં એમડી અશ્વિની ભિડે સહિત ઉચ્ચ અધિકારીઓ, એન્જિનિયરિંગ, કર્મચારીઓએ ટ્રાયલમાં ટ્રેન પ્રવાસ કર્યો. આ પછી ભિડેએ જણાવ્યું કે ધારાવીથી આચાર્ય અત્રે ચોકનું પરીક્ષણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. હવે આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ તબક્કામાં પણ મેટ્રો પહોંચી ગઈ છે. જુલાઈ 2025 સુધી આખો માર્ગ શરૂ કરવાનો નિર્ધાર છે.
એમએમઆરસીના સંચાલક (પ્રકલ્પ) એસ કે ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘‘મુંબઈગરાને ઉત્કૃષ્ટ અને સક્ષમ પરિવહન સેવા આપવાના ઉદ્દેશથી આખરી તબક્કાનાં કામો તેજ ગતિથી પૂર્ણ કરવામાં આવી રહ્યાં છે. સફળ પરીક્ષણો અમારી પ્રગતિનો સ્પષ્ટ પુરાવો છે. ટૂંક સમયમાં જ એક્વા લાઈન દ્વારા મુંબઈગરાને વૈશ્વિક દરજ્જાની જાહેર પરિવહન સુવિધા મળશે.’’

મુંબઈના ટ્રાફિકને નવી ગતિ
શુક્રવારના સફળ પરીક્ષણને લીધે મેટ્રો-3 કાર્યાન્વિત કરવાના કામમાં વધુ ગતિ મળશે. મેટ્રો-3 પૂર્ણ ક્ષમતાથી કાર્યાન્વિત થયા પછી પશ્ચિમ ઉપનગર, બીકેસી અને દક્ષિણ મુંબઈને ઝડપી અને પર્યાવરણ અનુકૂળ અવરજવર કરવાની સુવિધા મળશે. આથી મુંબઈગરાના પ્રવાસનો અનુભવ સુખદ થવાનો હોઈ આ પ્રકલ્પ તેમના રોજિંદા જીવનનું અવિભાજ્ય અંગ બની જશે એવી અપેક્ષા છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
