ગુગલ પરથી કસ્ટમર કેરનો નંબર શોધવાની ભૂલ મુંબઈના એક સિનિયર સિટિઝનને ભારે પડી છે. મુલુંડ (ઈસ્ટ)માં રહેતા ૭૬ વર્ષના નિવૃત્ત મેનેજર વાસુદેવ ઠાકુરદેસાઈ સાથે સાયબર ગઠિયાએ રૂા.૧.૫૯ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી છે. આ મામલે નવઘર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઠગ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઓનલાઈન નંબર શોધતા જ શિકારીનો ફોન આવ્યો
પોલીસ ફરિયાદ અનુસાર, નિવૃત્ત મેનેજર વાસુદેવભાઈ પોતાની પાસે રહેલા ડાયસન (Dyson) કંપનીના વેક્યૂમ ક્લીનર માટે નવું ચાર્જિંગ સ્ટેશન ખરીદવા માંગતા હતા. આ માટે તેઓ ગુગલ પર સર્ચ કરીને કંપનીનો કસ્ટમર કેર નંબર શોધી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમના પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેવાળા શખ્સે પોતે ડાયસન કંપનીનો પ્રતિનિધિ હોવાની ખોટી ઓળખ આપીને વાસુદેવભાઈને પોતાની જાળમાં ફસાવ્યા હતા.

APK ફાઈલ મોકલી મોબાઈલનો કંટ્રોલ મેળવ્યો
ઠગે સરનામું નોંધવાના બહાને વાસુદેવભાઈના મોબાઈલ પર એક લિંક દ્વારા ‘APK ફાઈલ’ મોકલી હતી. તેણે વાસુદેવભાઈને ફોનના સેટિંગ્સમાં જઈને આ એપને તમામ પરમિશન ચાલુ કરવા કહ્યું. જેવી વાસુદેવભાઈએ પરમિશન આપી, કે તરત જ તેમના આખા મોબાઈલ ફોનનો રિમોટ એક્સેસ (કંટ્રોલ) સાયબર ગઠિયાના હાથમાં ચાલ્યો ગયો હતો.
માત્ર ૫૭ રૂપિયાના બહાને બંને બેંક ખાતા સાફ કર્યા
ઠગે ત્યારબાદ સરનામું બદલવાના ચાર્જ તરીકે માત્ર રૂા.૫૭ ઓનલાઈન ચૂકવવાનું કહ્યું. વાસુદેવભાઈએ પોતાના એક બેંક ખાતામાંથી આ રકમ ટ્રાન્સફર કરી, પરંતુ ઠગે ‘પૈસા મળ્યા નથી’ તેવું જૂઠું બોલીને બીજી બેંકના ખાતામાંથી પ્રયાસ કરાવ્યો જે નિષ્ફળ રહ્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે વાસુદેવભાઈએ પોતાના બેંક એકાઉન્ટ ચેક કર્યા ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા. સાયબર ગઠિયાએ ઈન્ટરનેટ બેંકિંગ અને ફોનના એક્સેસનો દુરુપયોગ કરીને તેમના બંને બેંક ખાતામાંથી કુલ રૂા.૧,૫૯,૫૦૦ ઉપાડી લીધા હતા.

પીડિતે તુરંત લીધા કાયદાકીય પગલાં
પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ વાસુદેવભાઈએ વિલંબ કર્યા વિના સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી આ અંગે જાણ કરી હતી અને ત્યારબાદ નવઘર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હાલ આ મામલે ટેકનિકલ પુરાવાઓના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
