
ફિલ્મોદ્યોગમાં રામુ તરીકે ઓળખાતો ફિલ્મકાર રામ ગોપાલ વર્માની મુશ્કેલી વધી છે. ચેક બાઉન્સ કેસમાં તેને જેલની સજા થઈ હતી, જેની વિરુદ્ધ તેણે સેશન્સ કોર્ટમાં કરેલી અરજી નકારી કાઢીને તેની વિરુદ્ધ અજામીનપાત્ર ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે.
21 જાન્યુઆરીના રોજ અંધેરીમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) વાય પી પૂજારીએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ સજાપાત્ર ગુના માટે રામુને કસૂરવાર ઠરાવ્યો હતો. મેજિસ્ટ્રેટે તેને ત્રણ મહિનાની જેલ અને ત્રણ મહિનાની અંદર રૂ. 3,72,219 ફરિયાદીને ચૂકવવાનો આદેશ આપ્યો હતો. રામુએ ત્યાર પછી સજા મોકૂફ રાખવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
એડિશનલ સેશન્સ જજ એ એ કુલકર્ણીએ જોકે 4 માર્ચે તેની અરજી નકારી કાઢી છે અને કોર્ટ સમક્ષ હાજર થવા તેની વિરુદ્ધ અજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે અને જેલની સજા મોકૂફ રાખવાની તેની અરજી નકારી કાઢી છે. આ મામલો વોરન્ટની અમલબજાવણી માટે 27 જુલાઈ પર મોકૂફ રાખવામાં આવ્યો છે. આરોપી કોર્ટ સમક્ષ હાજરી આપ્યા પછી જામીન માટે અરજી કરી શકે છે, એમ જજે જણાવ્યું હતું.

રામુની કંપની વિરુદ્ધ ફરિયાદી કંપનીએ 2018માં ચેક બાઉન્સ અંગે ફરિયાદ નોંધાવી હતી. એડવોકેટ રાજેશ કુમાર પટેલ ફરિયાદીની કંપની વતી હાજર રહ્યા હતા. તેમણે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ એફિડેવિટ નોંધાવી હતી કે કંપની છેલ્લાં અનેક વર્ષથી હાર્ડ ડિસ્ક્સ પૂરી પાડવાના વેપારમાં સંકળાયેલી છે. આરોપીની વિનંતી પર તેને ફેબ્રુઆરી 2018 અને માર્ચ 2018 વચ્ચે હાર્ડ ડિસ્ક્સ પૂરી પાડવામાં આવી હતી, જેને આધારે રૂ. 2,38,220ની રકમનાં વિવિધ ટેક્સ ઈન્વાઈસ ઊભાં કરાયાં હતાં. આરોપીએ ફરિયાદીને 1 જૂન, 2018ના રોજ ચેક આપ્યો હતો, જે અપૂરતાં ભંડોળને કારણે બાઉન્સ થયો હતો, એમ વકીલે જણાવ્યું હતું.
બીજો ચેક પણ બાઉન્સ થયો
વર્માની કંપનીના ધ્યાનમાં આ વાત લવાતાં તે જ રકમનો બીજો ચેક જારી કરાયો હતો, જે પણ બાઉન્સ થયો હતો. તેમાં કારણ ‘અદાકર્તા દ્વારા પેમેન્ટ રોકવામાં આવ્યું છે’ એવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પછી ફરિયાદીએ કાનૂની લડતનો માર્ગ અપનાવ્યો હતો. રામુ સત્યા, રંગીલા, કંપની અને સરકાર વગેરે જેવી ફિલ્મો માટે પ્રસિદ્ધ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
