લોકલ ટ્રેનમાં પ્રવાસીઓ વચ્ચે થતી મારામારીની ઘટનાઓ સાથે જ ટીસી અને પ્રવાસીઓ વચ્ચે થતા વિવાદની ઘટનાઓ વધી છે. ઘણી વખત ટીસી પર હુમલા થાય છે. આવી ઘટનાઓ રોકવાના હેતુથી પશ્ચિમ રેલવેએ નક્કર પગલાં ભર્યા છે.
ટિકિટ તપાસની કાર્યવાહીના વીડિયો ફૂટેજ મેળવવા આગામી મહિનામાં જ ટીસીઓને બોડી કેમેરા લગાડેલા સ્પેશિયલ જેકેટ આપવામાં આવશે. જેકેટ પરના બોડી કેમેરાના લીધે ટીસી સાથે વિવાદ કરનાર પ્રવાસીની ઓળખ કરવી શક્ય થશે. એના આધારે સંબંધિત પ્રવાસી પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઉપનગરીય રેલવે માર્ગ પર ટીસીને મારપીટ કરવાની ઘટનાઓ હાલમાં બની છે. ખાસ કરીને સવારે અને સાંજે ગિરદીના સમયમાં ઝઘડા, બોલાચાલી, મારપીટની ઘટનાઓ વધારે બને છે. આવી ઘટનામાં પ્રવાસી અને ટીસીની વર્તણુકનું મૂલ્યમાપન કરવા બોડી કેમેરાના માધ્યમથી વોચ રાખવામાં આવશે.

એ અનુસાર પશ્ચિમ રેલવેના નમસ્તે અભિયાન અંતર્ગત બોડી કેમેરાની ખરીદી અંતિમ તબક્કામાં છે. પશ્ચિમ રેલવેના ઉપનગરીય માર્ગ પર 800થી વધારે ટીસી છે. સુરક્ષાના દષ્ટિકોણથી ટીસીને બોડી કેમેરાવાળા જેકેટ પૂરા પાડવામાં આવશે. 45 દિવસમાં એટલે કે ઓગસ્ટ મહિનાના અંત સુધી ટીસીઓને આ સ્પેશિયલ જેકેટ આપવામાં આવશે એમ પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ગયા વર્ષે 2 ઓગસ્ટના બોરીવલી રેલવે સ્ટેશનમાં ટિકિટ તપાસના સમયે ક્રોધિત પ્રવાસીએ ટીસી પર હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટના પછી રેલવે પ્રશાસને બોડી કેમેરાવાળા સ્પેશિયલ જેકેટ ખરીદી કરવાની કાર્યવાહી ઝડપી કરી હતી.
મોંઘા બોડી કેમેરામાં લગભગ ચારથી પાંચ ફૂટ સુધીના ફોટો અને અવાજ રેકોર્ડ થશે. ટિકિટ તપાસની કાર્યવાહીના સમયે ટીસી પ્રવાસી સાથે કેવી રીતે વર્તે છે, કાર્યવાહી કરતા પ્રવાસી કઈ રીતે જવાબ આપે છે, પ્રવાસીની હિલચાલ કેવી છે, ટીસી મારફત ગેરકાયદે રૂપિયા માગવાનો પ્રયત્ન થાય છે કે નહીં જેવી તમામ બાબત પર બોડી કેમેરાની મદદથી નજર રાખવામાં આવશે


Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
For more details… Contact 9322529232 / 9324483455
