મુલુંડ વિસ્તારમાં રસ્તા પર ગેસ-સિલિન્ડરનો ઉપયોગ કરીને ખાદ્ય પદાર્થો વેચતા ફેરિયાઓ પર પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા ૧૫ દિવસમાં કરવામાં આવેલી સઘન કાર્યવાહીમાં ખાદ્ય પદાર્થો વેચતા ૨૮થી વધુ ફેરિયાઓ સામે સીધો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે. જાહેર સ્થળો પર ગેરકાયદે ગેસ-સિલિન્ડરનો ઉપયોગ કરવા બદલ અને નાગરિકોના જીવ જોખમમાં મૂકવા બદલ આ કડક પગલાં લેવામાં આવ્યાં છે. આ ઓચિંતી કાર્યવાહીને પગલે મુલુંડના ખાણી-પીણી બજાર અને મુખ્ય રસ્તાઓ પર વ્યવસાય કરતા ફેરિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘રહેણાક વિસ્તારો અને ગીચ બજારોમાં ખુલ્લેઆમ ગેસ-સિલિન્ડરનો ઉપયોગ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. ખાસ કરીને ફુટપાથ પર સ્ટવ સળગાવીને રાંધતા ફેરિયાઓ પાસે સુરક્ષાનાં કોઈ સાધનો હોતાં નથી. તાજેતરમાં બનેલી કેટલીક આગની ઘટનાઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ઝુંબેશ હાથ ધરી છે. ખાદ્ય પદાર્થો વેચતા ફેરિયાઓનાં માત્ર સિલિન્ડર જપ્ત કરવામાં નથી આવી રહ્યાં, પરંતુ ભારતીય ન્યાય સંહિતા સંબંધિત કલમો હેઠળ ગુના દાખલ કરીને કાયદેસરની ધરપકડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.’

બીજી તરફ, ફેરિયા સંગઠનો અને નાના વેપારીઓમાં આ કાર્યવાહીને લઈને નારાજગી જોવા મળી રહી છે. કેટલાક ફેરિયાઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી આ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે અને અચાનક કરવામાં આવતી આવી કડક કાર્યવાહીથી તેમની રોજીરોટી પર સંકટ આવી ગયું છે. જોકે સ્થાનિક રહેવાસીઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે. મુલુંડના જાગૃત નાગરિકોનું માનવું છે કે રસ્તા પર બનાવવામાં આવતી ગેરકાયદે રસોઈને કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે અને ગરમીના દિવસોમાં ગૅસ લીકેજ કે બ્લાસ્ટ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
પોલીસ પ્રશાસને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. માત્ર ગૅસ-સિલિન્ડર જ નહીં, પરંતુ ગેરકાયદે રસ્તો રોકીને વ્યવસાય કરતા અન્ય કેરિયાઓ સામે પણ પગલાં લેવામાં આવશે. મુલુંડ સ્ટેશન વિસ્તાર, એમ.જી. રોડ અને નેતાજી સુભાષ રોડ જેવા ગીચ વિસ્તારોમાં વિશેષ પૅટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. પોલીસના પ્રયાસોથી મુલુંડને સુરક્ષિત અને અવરોધમુક્ત બનાવવાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
