
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર રચાયાના ત્રણ જ માસમાં અજિત પવારની એનસીપીના નેતા તથા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપવું પડયું છે. બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની અતિશય પાશવી રીતે થયેેલી હત્યામાં મુંડેના દાયકાઓ જૂના નિકટના સાથે વાલ્મિક કરાડની સંડોવણી બહાર આવ્યા બાદ મુંડેના રાજીનામાંની માગણી લાંબા સમયથી પ્રબળ બની હતી. જોકે આ કેસમાં સીઆઈડીએ રજૂ કરેલાં ચાર્જશીટ સાથે પુરાવા તરીકે મૂકાયેલા અતિશય પાશવી અને રાક્ષસી રીતે દેશમુખની હત્યા થયાના ફોટા વાયરલ થયા બાદ સરકાર પર દબાણ વધ્યું હતું. આખરે મુંડેને પદ છોડવા કહી દેવાયું હતું અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંડેના રાજીનામાંની જાહેરાત કરી હતી. જોકે, સીઆઈડીએ રજૂ કરેલા ફોટા પહેલથી જ સરકારના ટોચના પદાધિકારીઓ પાસેથી મોજુદ હતા પરંતુ તેમ છતાં પણ આટલા સમય સુધી મુંડેેને કેમ બચાવવામાં આવ્યા તેવા સવાલો ઉઠાવાતાં સરકાર બચાવની મુદ્રામાં મૂકાઈ ગઈ છે.

મુંડેના રાજીનામાંની માગણી કેટલાય દિવસોથી ગાજતી હતી. પરંતુ, મુંડે અને અજિત પવારે વ્યક્તિગત રીતે મુંડે સામે કોઈ પુરાવા નથી તેવું ગાણું ગાયે રાખ્યું હતું. જ્યારે ભાજપે આ મુદ્દે અજિત પવાર જ આખરી નિર્ણય કરે તેવું વલણ અત્યાર સુધી અપનાવ્યું હતું. જોકે, ગઈ રાતે હત્યા બહુ પાશવી રીતે કરાઈ હોવાના ફોટા વાયરલ થયા તે સાથે જ મુંડેના રાજીનામાંનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું હતું.સરકારે અત્યાર સુધી આ ફોટા પ્રગટ થવા દીધા ન હતા. પરંતુ સીઆઈડીએ કોર્ટમાં ચાર્જશીટ સાથે પુરાવા તરીકે આ ફોટા મૂકતાં તે જાહેરમાં આવી ગયા હતા. એ પછી હવે મુંડેના સાથીદારોનાં અપકૃત્યોનો બોજ સરકાર વધારે સમય માટે વેઠી નહિ શકે તેવું સ્પષ્ટ થઈ ગયું હતું. સીએમ દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે મોડી રાતે અજિત પવારના બંગલે ગયા હતા. મુંડેને પણ ત્યાં બોલાવાયા હતા. ત્યાં ફડણવીસે મુંડેને હવે રાજીનામું આપી દેવા જણાવ્યું હોવાનું કહેવાય છે.
હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જોકે, મુખ્યપ્રધાને વિધાનસભા ગૃહમાં નહિ પરંતુ બહાર મીડિયાને બોલાવી મુંડેના રાજીનામાંની જાહેરાત કરી હતી. રાજ્યપાલે મુંડેનું રાજીનામું સ્વીકારી લીધું છે તેવું પણ તેમણે કહ્યું હતું.
બાદમાં મુંડેએ એવો બચાવ કર્યો હતો કે મેં આરોગ્યના કારણોસર રાજીનમું આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે પોતે પહેલેથી જ સંતોષ દેશમુખ હત્યા કેસના આરોપીઓને આકરી સજા આપવામાં આવે તેના પક્ષમાં છે. અજિત પવારે કહ્યું હતું કે મુંડેએ નૈતિક કારણોસર રાજીનામું આપ્યું છે.
જોકે, મુંડેના રાજીનામાંથી જોશમાં આવી ગયેલા વિપક્ષોએ આ બચાવ સ્વીકાર્યો નથી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ મુંડેને આ કેસમાં સહ આરોપી તરીકે જોડવાની માગણી કરી છે.

દેવેન્દ્ર ફડણવીસને મહાયુતિમાં પ્રથમ વિકેટ પડી છે. હજુ તો એનસીપી ક્વોટાના જ અન્ય પ્રધાન માણિકરાવ કોકાટેને બનાવટી દસ્તાવેજો દ્વારા સરકારી ફલેટ મેળવવાના કેસમાં દોષિત ઠેરવાઈ ચૂક્યા હોવાથી તેમનાં રાજીનામાની માગણી પણ વિપક્ષ બુલંદ બનાવશે તે નકકી છે.
બીડ જિલ્લામાં એક વિંડમીલ કંપની પાસેથી ખંડણી માગવામાં આવી હતી. મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખે આ ખંડણી માગવાનો વિરોધ કર્યો હતો. બાદમાં ગત ડિસેમ્બર માસમાં સંતોષ દેશમુખની હત્યા કરી દેવામાં આવી હતી. વાયરલ થયેલા ફોટાઓ અનુસાર દેશમુખને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. તેને પુષ્કળ યાતનાઓ અપાઈ હતી. હત્યારાએ દેશમુખના મૃતદેહ પર પેશાબ પણ કર્યો હતો. હત્યારાઓએ આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ બનાવ્યો હતો.
આ કેસમાં મુંડેના નિકટના સાથીદાર વાલ્મિક કરાડની ધરપકડ કરાઈ હતી. વાલ્મિક કરાડ મુંડેનો રાઈટ હેન્ડ મનાય છે અને તે જ મુંડે વતી તમામ કામગીરી સંભાળતો હોવાનુું કહેવાય છે. ભાજપના જ ધારાસભ્ય સુરેશ ધસે તો એવો પણ આરોપ મૂક્યો હતો કે મુંડેના બંગલામાં જ ખંડણી માટે બેઠકો થતી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
