મુંબઈની લોકલ ટ્રેનની ગિરદીએ ડોંબિવલીમાં રહેતી વધુ એક યુવતીનો ભોગ લીધો છે. આ વખતે ડોંબિવલી નજીક ટ્રેનમાં ગિરદીને લીધે નીચે પડી જતાં કચ્છી યુવતીએ જીવ ગુમાવ્યો છે. સોમવારે સવારે ડોંબિવલીની 25 વર્ષીય યુવતી લોકલ ટ્રેનમાં ગિરદીને કારણે ટ્રેનમાંથી પાટા પર પડી અને તેનું મોત નીપજ્યું હતું. મૃતકને રિયા ઉર્ફે રિંકલ સામજી મોતા (25) તરીકે ઓળખી કાઢવામાં આવી છે.

મધ્ય રેલવેમાં દિવસે દિવસે પ્રવાસીઓની સંખ્યા વધતી જઇ રહી છે અને પીક અવર્સમાં ભીડને કારણે હાલત વધુ ગંભીર બની જતી હોય છે. અઠવાડિયાની શરૂઆતમાં જ ટ્રેનની ભીડનો ભોગ ડોંબિવલીમાં રહેતી 26 વર્ષની કચ્છી યુવતી બની હતી. સોમવારે સવારે દિવાથી કોપર રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી નીચે પડતાં યુવતીનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ રિયા સામજી મોતા તરીકે થઇ હોઇ તેના પગલે પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ડોંબિવલીવાસીઓ ઘણા સમયથી વધારાની ટ્રેનની માગણી કરી રહ્યા છે, પરંતુ રેલવે તરફથી હજી સુધી ટ્રેનો વધારવામાં આવી નથી. કલ્યાણથી આવનારી ટ્રેનો પહેલાંથી જ ભરીને આવતી હોવાથી ટે્રનમાં ચઢવું પ્રવાસીઓ માટે મુશ્કેલ બની જતું હોય છે. ગયા વર્ષે ડોંબિવલી દિવા વચ્ચે ટ્રેનમાંથી પડીને 400થી વધુ પ્રવાસીએ જીવ ગુમાવ્યા હતા.

કચ્છ માંડવીના મસ્કા ગામની વતની અને ડોંબિવલી પૂર્વમાં સંકેત ઇમારતમાં બીજા માળે માતા-પિતા સાથે રહેતી રિયા થાણેમાં ક્નસ્ટ્રકશન કંપનીમાં કામ કરતી હતી. રિયા સોમવારે સવારના ડોંબિવલી સ્ટેશન પરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી ટ્રેનો પકડી હતી. રિયાએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોચમાં ખૂબ ભીડ હોવાથી તેને અંદર જવા મળ્યું નહોતું. આથી રિયા દરવાજા પર ઊભી રહીને પ્રવાસ કરી રહી હતી.

રિયાએ દરવાજા પર ઊભા રહી હેન્ડલ પકડી રાખ્યું હતું, પણ ભીડને કારણે રિયાએ હેન્ડલ પરથી પકડ ગુમાવી હતી અને દિવા-કોપર સ્ટેશન વચ્ચે ટે્રનમાંથી ટે્રક પર પડી હતી.

ગંભીર રીતે ઘવાયેલી રિયાને સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરી તપાસ આદરી હતી, એમ ગવનર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us