
થર્ટીફર્સ્ટે ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરાયું છે, જેનો લાભ લેતાં મોંઘી વિદેશી સ્કોચ અને વ્હિસ્કીની બોટલોમાં સસ્તો શરાબ ભરીને સસ્તામાં વેચતા કચ્છી શખસની નવી મુંબઈના એક્સાઈઝ વિભાગે ધરપકડ કરી છે. આરોપી પાસેથી મોટી સંખ્યામાં શરાબની બોટલો, સીલ, ઢાંકણા, લેબલ જપ્ત કરવામાં આવ્યાં છે. આરોપીએ આ માટે નવી મુંબઈમાં ભાડાની જગ્યા લઈ રાખી હતી, જ્યાં તે આ ભેળસેળ કરતો હતો. તેણે બજારમાં અનેકને ભેળસેળયુક્ત સ્કોચ-વ્હિસ્કી સસ્તામાં વેચી છે, જે અંગે હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે.આરોપીમાં ગુજરાતના કચ્છના સામખિયારી સ્થિત શાંતિનગરના રહેવાસી દિનેશગર રમેશગર ગુસાઈ (31) અને અંધેરીમાં રહેતા વાહનચાલક મુલાયમ કમલાશંકર યાદવ (37)નો સમાવેશ થાય છે.
થર્ટીફર્સ્ટે ઠેર ઠેર પાર્ટીઓનું મોટે પાયે આયોજન થાય છે, જેનો લાભ લેતાં શરાબના વેચાણ અને હેરફેર પર નવી મુંબઈની સ્ટેટ એકસાઈઝ વિભાગની ટીમે નજર રાખવાનું શરૂ કર્યું હતું. દરમિયાન વિશ્વસનીય માહિતીને આધારે નવી મુંબઈના કોપરખૈરણે-મહાપે પુલની નીચે, સેક્ટર-1 ખાતેથી પસાર થતા પોર્ટરના વાહન (એમએચ-02- એફએલ- 1151) પર શંકા જતાં તપાસ કરવામાં આવી હતી. વાહનમાં કાગળના બોક્સમાં પેકિંગ કરેલી નામાંકિત બ્રાન્ડના લેબલ સાથેની સ્કોચ- વ્હિસ્કીની 19 સીલબંધ બોટલો મળી આવી હતી. આ અંગે મુલાયમ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.

તેણે સેક્ટર-18 કોપરખૈરણેથી બોટલો લાવ્યો હોવાનું અને બોરીવલીમાં તે પહોંચાડવાની હતી એવું જણાવ્યું હતું. આ સર્વ બોટલોમાં ભેળસેળ હોવાની ખાતરી થતાં રૂ. 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.દરમિયાન યાદવે આપેલી માહિતી અનુસાર કોપરખૈરણે સેક્ટર-18માં સુવર્ણા સાઈકલ માર્ટની બાજુમાં ઘર નંબર એસએસ-3/ 445, ભોંયતળિયે દરોડા પાડ્યા હતા તે સમયે દિનેશગર ગુસાઈ શરાબમાં ભેળસેળ કરતી વખતે ઝડપાઈ ગયો હતો.
આ ટીમ દ્વારા વધુ તપાસ
આ બંને આરોપીઓને કબજામાં લઈને ખાલી બોટલો ક્યાંથી લાવે છે, ભેળસેળ કર્યા પછી કોને વેચે છે, તેમના હજુ કોણ સાગરીતો છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ થાણે જિલ્લાના એકસાઈઝ વિભાગના એસપી તાંબેએ જણાવ્યું હતું. તેમના માર્ગદર્શનમાં નવી મુંબઈ એફ વિભાગના ઈન્સ્પેક્ટર સંતાજી લાડ, એફ-3 વિભાગનાં ઈન્સ્પેક્ટર સાક્ષી ભોસલે અને ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
