જુનાગઢમાં દ્વૈષપૂર્ણ ભાષણ કરવાના કેસમાં મુંબઈના મુફ્તી સલમાન અઝહરીની અટકાયત બાદ ઘાટકોપર પોલીસ મથકે લઈ અવાતાં મુફ્તીના સમર્થકોએ મોડી રાત સુધી સમગ્ર ઘાટકોપર પોલીસ મથક માથે લીધું હતું. ટોળાંને વિખેરવા માટે પોલીસે એક તબક્કે લાઠીચાર્જ પણ કરવો પડયો હતો. ટોળાંમાંથી કેટલાકે પોલીસ મથક સળગાવી દેવાની ચિમકી પણ આપી હોવાનું કહેવાય છે. આખરે પોલીસ ખુદ મુફ્તીને બારીમાં લઈ આવી હતી અને ટોળાંને પાછા જતા રહેવા સમજાવવા જણાવ્યું હતું. મુફ્તીના ભાષણ બાદ ટોળાંમાંથી અડધો અડધ લોકો વિદાય થયા હતાં. ગુજરાત પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી મુફતીને લઈ રવાના થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

ઘાટકોપર પોલીસ મથકે ધયેલી ધમાલના સંદર્ભમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હેમરાજ રાજપુતે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરવાના  આરોપસર  ૧૧ લોકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

ગુજરાતના જુનાગઢમાં ભડકાઉ ભાષણ બદલ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ)ની ટીમ દ્વારા મૌલાના મુફતી સલમાન અઝહરીની વિક્રોલીના નિવાસસ્થાનેથી ધરપકડ કરાઈ હતી. ધરપકડ બાદ મુફ્તીને ઘાટકોપર પોલીસ મથકે લઈ જવાયા બાદ પોલીસ મથકની બહાર ત્રણથી ચાર હજાર લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. 

મુફ્તીને છોડી મુકવાની માગણી સાથે જુદા જુદા નારા સાથે ટોળાંએ પોલીસ મથક બહાર ધમાલ મચાવી હતી.  તેમણે અઝહરીને છોડી દેવાની માગણી કરી હતી.

 પોલીસે અઝહરીને એકઠા થયેલા ટોળાને વિખેરવા કહ્યું હતું અઝહરીએ લાઉડસ્પીકર પર જાહેરાત કર્યા પછી ભીડમાંથી કેટલાક લોકો જતા રહ્યા હતા. પરંતુ લગભગ ૧૫૦૦ લોકો પોલીસ સ્ટેશનની બહાર જ હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન સળગાવી દેવાની ધમકી આપી હોવાનું પણ કહેવાય છે. ટોળાએ રસ્તા પર બસોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.  ટ્રાફિક જામ થઇ ગયો હતો. નજીકમાંથી પસાર થતી બેસ્ટની એક બસ પરપથ્થર મારો કરતા તંગદિલી ફેલાઇ ગઇ હતી.

બીજી તરફ પરિસ્થિતિ ગંભીર બની રહી હોવાથી પોલીસની ટીમે લાઠીચાર્જ કર્યો હતો. છેવટે રિઝર્વ પોલીસ ફોર્સની મદદથી ૧૫-૨૦  મિનિટમાં રસ્તા પરથી લોકોને હટાવવામાં આવ્યા હતા.

 મોડી રાતે અઝહરીની સાયન હોસ્પિટલમાં તબીબી તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટમાં હાજર કરાતાં   કોર્ટે અઝહરીને ગુજરાત લઇ જવા ગુજરાત પોલીસને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અઝહરી આક્રમક ભાષણો માટે જાણીતા છે. તેમનાં અનેક ભાષણો ઓનલાઈન ઉપલબ્ધ છે. ભૂતકાળમાં પણ મુંબઈ સહિત અનેક સ્થળે તેમની સામે એફઆઈઆર થયેલી છે. 

૩૧મી જાન્યુઆરીના જૂનાગઢ ખાતે આયોજિત કાર્યક્રમમાં અઝહરીએ તેના ભડકાઉ ભાષણથી ટોળાને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં આ વાંધાજનક ભાષણનો વીડિયો વાયરલ થયો હતો. જૂનાગઢ   પોલીસે આ કાર્યક્રમના આયોજક મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરા અને અઝહરી સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩બી, ૫૦૫ (૨૨) હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી. ગુજરાત પોલીસે યુસુફ અને અઝીમની ધરપકડ કરી હતી. તે પછી ગુજરાત પોલીસની ટીમ અઝહરીની ધરપકડ માટે મુંબઈ આવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us