મુલુંડ સ્વપ્નનગરી વિસ્તારમાં છેલ્લાં કેટલાક દિવસથી શાકભાજી બજારનું અતિક્રમણ શરૂ થતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ આ બાબતે સીધો હસ્તક્ષેપ કરવા માટે રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને પત્ર લખીને તાકીદે દરમ્યાનગિરી કરવાની માગણી કરી છે.
સ્વપ્નનગરી વિસ્તારમાં રહેતા એક નાગરિકે કહ્યું હતું કે ફૂટપાથ દાયકાઓથી ચાલવા માટે ખુલ્લી હતી. ત્યાં હવે ગેરકાયદે રીતે બજાર ભરાઈ રહી છે. આ વિસ્તાર નો હોકિંગ ઝોન છે. જો અત્યારે કામચલાઉ ધોરણે પણ અહીં બજારને પરવાનગી આપવામાં આવશે તો આવનારા સમયમાં અહીં કાયમી અતિક્રમણ થઈ જશે અને પાછલા ત્રણ દાયકાથી જાળવી રાખેલી શિસ્ત અને નાગરિકોના પેડેસ્ટ્રિયન અધિકાર છીનવાઈ જશે. આ મુદ્દે નાગરિકોએ જિયો-ટેગ કરેલા વિડીયો પણ પુરાવા તરીકે રજૂ કર્યા છે.

એ ઉપરાંત બીએમસીના ટી વોર્ડના સીનિયર અધિકારીને ફરિયાદ કરતાં સ્થાનિક આસિસ્ટન્ટ ૨) કમિશ્નરે અતિક્રમણ વિભાગના સીનિયર ઈન્સ્પેક્ટરને તેમની હાજરીમાં આ બજાર હટાવવાની સૂચના આપી હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કાર્યવાહી થઈ નથી. ઊલટું હવે શાકભાજીની સાથે ઝાલમુરી અને સ્નેક્સના સ્ટોલ પણ શરૂ થઈ ગયા છે. શું બીએમસીના સીનિયર અધિકારીઓના આદેશની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી રહી છે કે પછી આ મૌન સંમતિ સાથેનું ઈરાદાપૂર્વકનું ઉદાસીન વલણ છે ?
હાલમાં આ મુદ્દો વધુ ગરમાયો છે કારણ કે બજાર રાતે ૯ વાગ્યા પછી પણ ધમધમતું હોય છે, જેને કારણે પદયાત્રીઓને ચાલવાની જગ્યા બચતી નથી. હિલસાઈડ રેસિડેન્ટ્સ વેલ્ફેર એસોસિએશનના સભ્યોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે આ અતિક્રમણ દૂર કરવામાં નહીં આવે અને ફૂટપાથને ફરીથી ફેરિયામુક્ત જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીશું. રહેવાસીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ કોઈ સ્થાનિક નેતાની મંજૂરી વિનાની પહેલ હોઈ શકે છે એથી રાજ્યના નેતૃત્વએ આ મોડલ રોડની ઓળખ જાળવી રાખવા માટે તરત પગલાં લેવા જોઈએ.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
