મુલુન્ડ પૂર્વ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવતી કુખ્યાત ‘બોલબચ્ચન ગેંગ’ ફરી એકવાર સક્રિય થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાને પોલીસ કે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ઓળખાવીને વાતોમાં ભોળવી કિંમતી દાગીના સેરવી લેતી આ ગેંગે આ વખતે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના એક નિવૃત્ત કર્મચારીને પોતાનો શિકાર બનાવ્યા છે. આ મામલે નવઘર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સાંજના સમયે વોક પર નીકળ્યા અને બન્યો બનાવ
મળતી માહિતી મુજબ, મુલુન્ડ (ઈસ્ટ)માં રહેતા ૬૪ વર્ષીય ગણેશ સાવંત મુંબઈ મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી છે. ગત ૮ જુલાઈના રોજ સાંજના સમયે તેઓ હંમેશની જેમ સ્વામી સમર્થ મઠ અને સરદાર તારાસિંહ તળાવ વિસ્તારમાં વોકિંગ કરવા માટે નીકળ્યા હતા. તેઓ વોક કરી રહ્યા હતા ત્યારે જ મોટરસાયકલ પર સવાર થઈને આવેલા અજાણ્યા શખ્સોએ તેમને રસ્તામાં રોક્યા હતા.

નકલી પોલીસ બનીને ડરાવ્યા
બાઇક સવારોએ ગણેશ સાવંત સામે પોતાને ‘ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી’ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે સાવંતને વિશ્વાસમાં લેવા માટે મોટરસાયકલની પાછળની સીટ પર બેઠેલા શખ્સ તરફ ઈશારો કરીને કહ્યું કે, “આ પાછળ બેઠો છે તે પકડાયેલો ચોર છે. આ વિસ્તારમાં હાલમાં ચોરીની ઘણી ઘટનાઓ બની રહી છે અને સોનાના દાગીના પહેરીને ફરવું સુરક્ષિત નથી.”
નકલી અધિકારીઓએ સાવંતને ડરાવ્યા બાદ સલાહ આપી કે, તેઓ પોતાના કિંમતી દાગીના ઉતારીને સુરક્ષિત રીતે રૂમાલમાં બાંધી દે.
હાથચાલાકીથી દાગીના ગાયબ કર્યા
સામે ઉભેલા શખ્સો ખરેખર પોલીસ અધિકારીઓ છે તેમ માનીને ડરી ગયેલા સાવંતે પોતાના ગળામાંથી ૧૫ ગ્રામની સોનાની ચેઈન, ૫ ગ્રામની સોનાની વીંટી તેમજ પોતાનો મોબાઈલ અને ચશ્મા ઉતારીને પેલા શખ્સોએ આપેલા રૂમાલમાં મૂકી દીધા હતા.
આરોપીઓએ ખૂબ જ ચાલાકીપૂર્વક દાગીના રૂમાલમાં રાખવાનો ઢોંગ કર્યો અને નજર ચૂકવીને સોનાના દાગીના સેરવી લીધા હતા. ત્યારબાદ રૂમાલ સાવંતના હાથમાં આપીને તેઓ બાઇક પર ઝડપથી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

નવઘર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
બાઇક સવારો ગયા બાદ શંકા જતાં ગણેશ સાવંતે તાત્કાલિક રૂમાલ ખોલીને ચેક કર્યો હતો. રૂમાલ ખોલતા જ તેમના હોશ ઊડી ગયા હતા, કારણ કે તેમાં માત્ર ચશ્મા અને મોબાઈલ જ હતા, જ્યારે અંદાજે ૨૦ ગ્રામ સોનાના દાગીના ગાયબ હતા. પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ સાવંતે વિલંબ કર્યા વિના નવઘર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને અજાણ્યા ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની અપીલ: નવઘર પોલીસે આ મામલે ગુનો નોંધીને ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ પોલીસે વરિષ્ઠ નાગરિકોને અપીલ કરી છે કે રસ્તા પર કોઈ અજાણ્યો વ્યક્તિ પોલીસ હોવાનો દાવો કરીને દાગીના ઉતારવાનું કહે, તો સહેજ પણ ડર્યા વગર તાત્કાલિક નજીકના લોકોને બોલાવવા અથવા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455
