સુપ્રીમ કોર્ટના ફોર્મર ચીફ જસ્ટિસ શ્રી ભૂષણજી ગવઈ, મુંબઈના મેયર શ્રી રિતુજી તાવડે અને હજારો ભક્તોની ઉપસ્થિતિ
‘ગુરુ તો હંમેશાં માથે, સાથે અને સંગાથે જ હોય છે’ “ચાતુર્માસ મનોરંજન માટે નહીં, મનોશુદ્ધિ માટે છે” – નમ્રમુનિ
ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ગુરુવાણી, જીવદયા, લોકકલ્યાણ અને આત્મપરિવર્તનનો દિવ્ય સંગમ
મુંબઈ અને ખાસ કરીને ઘાટકોપરની પાવન નગરીનું સૌભાગ્ય છે કે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આ વર્ષે ચાતુર્માસ પારસધામ ખાતે કરવાના છે. પરમ ગુરુદેવના પાવન અને ઉષ્માભર્યા સાનિધ્યમાં શનિવાર, તા. ૨૫ જુલાઈ અને રવિવાર તા. ૨૬ જુલાઈ એમ બે દિવસ માટે “આત્મ આરાધ્ય ચાતુર્માસ ૨૦૨૬” નો ભવ્ય દિવ્ય શુભારંભ કરવામાં આવ્યો.
ઘાટકોપર ખાતે યોજાયેલા ચાતુર્માસ મહોત્સવના પ્રથમ દિવસે શનિવારે સાંજે ‘The Unseen Hands (અદૃશ્ય હાથ)’ થીમ આધારિત ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજાયો હતો. પરમ ગુરુદેવના આગમન સમયે સમગ્ર પરિસર જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. ત્યારબાદ પરમ ગુરુદેવના શ્રીમુખેથી થયેલા પવિત્ર નવકાર મહામંત્રના ગુંજારવે સમગ્ર વાતાવરણને ધર્મમય બનાવી દીધું હતું.

“ગુરુ ક્યારેય શિષ્યથી દૂર નથી થતા. ગુરુ તો હંમેશાં માથે, સાથે અને સંગાથે જ હોય છે. તેમને પોતાની પાસે રાખનાર પણ શિષ્ય જ હોય છે અને પોતાનાથી દૂર કરનાર પણ શિષ્ય જ હોય છે.” રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે આ હૃદયસ્પર્શી સંદેશ આપતાં હજારો શ્રાવક-શ્રાવિકાઓને ગુરુભક્તિના ભાવમાં તરબોળ કરી દીધા હતા.
કાર્યક્રમની શરૂઆત ગુરુ-શિષ્ય પરંપરાની મહિમાને ઉજાગર કરતી સંગીતમય દૃશ્યરચના ‘હોજો જય જયકાર’ થી થઈ હતી. આ રજૂઆત દરમિયાન અનેક ભાવિકો ગુરુભક્તિના ભાવથી ગદગદિત બની ગયા હતા. ત્યારબાદ જાણીતા ગાયક શ્રી ઐશ્વર્યજી નિગમે પોતાના સુમધુર સ્વરમાં ગુરુભક્તિ અને આધ્યાત્મિકતાથી ઓતપ્રોત રચનાઓ રજૂ કરી સમગ્ર સભાને ભક્તિરસમાં તરબોળ કરી હતી.
કાર્યક્રમમાં મીરાંબાઈના અખંડ સમર્પણને સંગીતમય નાટ્યરૂપે રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે રાજા પરદેશીના હૃદયપરિવર્તનની પ્રેરક કથાએ ધર્મની પ્રભાવનાનો જીવંત અનુભવ કરાવ્યો હતો. આ પ્રસંગે આપવામાં આવેલો સંદેશ “જે ક્ષણે મનુષ્ય પોતાની અયોગ્યતાનો સ્વીકાર કરે છે, તે જ ક્ષણથી તેના યોગ્ય બનવાની શરૂઆત થાય છે.” ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી ગયો હતો.

પરમ ગુરુદેવના જીવનપ્રેરક વિચારો પર આધારિત અન્ય એક નાટ્યપ્રસ્તુતિએ સમજાવ્યું કે ગુરુઆજ્ઞા જીવનના કઠિનમાં કઠિન સંજોગોને પણ સહજ બનાવી શકે છે. જાણે આપત્તિના પહાડને બરફની જેમ પીગળાવી દેવાની શક્તિ ગુરુકૃપામાં સમાયેલી હોય તેવો સંદેશ આ રજૂઆત દ્વારા આપવામાં આવ્યો હતો.
આશીર્વચન આપતાં પરમ ગુરુદેવે ગુરુપૂર્ણિમાના આધ્યાત્મિક મહત્ત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, “ગુરુપૂર્ણિમા એ એવો સંકલ્પ લેવાનો અવસર છે કે હું મારા ગુરુદેવને ક્યારેય મારાથી અલગ ન થવા દઉં.” તેમના આ શબ્દો સમગ્ર સભા માટે આત્મચિંતન અને ગુરુસમર્પણની પ્રેરણા બની રહ્યા હતા. કાર્યક્રમના અંતે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પરમ ગુરુદેવની ભાવપૂર્ણ ગુરુવંદના અર્પણ કરવામાં આવી હતી.
જ્યારે રવિવાર, તા. ૨૬ જુલાઈના રોજ ઘાટકોપરના પારસધામ ખાતે યોજાયેલા ચાતુર્માસ મંગલ અવસરે પરમ ગુરુદેવની અમૃતવાણીએ હજારો શ્રાવક-શ્રાવિકાઓને આત્મચિંતન, આત્મપરિવર્તન અને લોકકલ્યાણનો મંગલ સંદેશ આપ્યો હતો.

આ અવસરે સંઘો, સુપ્રીમ કોર્ટના ફોર્મર ચીફ જસ્ટિસ શ્રી ભૂષણજી ગવઈ, મુંબઈના મેયર શ્રી રિતુજી તાવડે, એમ. એલ. એ શ્રી અમિતજી સાટમ, એમ. એલ. એ શ્રી પંકજજી ભોંયર, નગર સેવક શ્રી ધર્મેશભાઈ ગિરી, શ્રીમતી રાખીબેન જાધવ,શ્રી શ્રદ્ધા તાઈ સહિત રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રની અગ્રણી હસ્તિઓ તેમજ દેશ-વિદેશના હજારો ભાવિકો પ્રત્યક્ષ અને લાઈવ પ્રસારણ દ્વારા જોડાયા હતા.
સવારે લાભાર્થી પરિવાર અને ગુરુભક્તોના જયઘોષ વચ્ચે પરમ ગુરુદેવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરમ ગુરુદેવના શ્રીમુખેથી મંગળકારી નવકાર મહામંત્રના પઠન સાથે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું.
અમૃતવાણી વરસાવતા પરમ ગુરુદેવે ચાતુર્માસનો સાચો અર્થ સમજાવતાં જણાવ્યું કે, “ચાતુર્માસ એટલે પ્રભુના ગુણોના દર્શન, ગુરુના ગુણોના દર્શન અને પોતાના અવગુણોના દર્શન કરવાનો અવસર.” તેમણે ઉપસ્થિત સૌને સંકલ્પ કરાવતાં કહ્યું કે, “આ ચાતુર્માસ મનોરંજનનો નહીં, પરંતુ મનોશુદ્ધિનો ચાતુર્માસ બને.” આ સાથે તેમણે આગામી 9 રવિવાર સુધી યોજાનારી ‘સંકલ્પ સિદ્ધ સાધના’ની જાહેરાત કરતાં દરેક ભાવિકને આત્મસાધના સાથે જોડાવા પ્રેરણા આપી હતી.

જિનવાણીના મહિમાનો ઉલ્લેખ કરતાં પરમ ગુરુદેવે જણાવ્યું કે બાળપણમાં તેમણે અનેક જૈન સૂત્રો કંઠસ્થ કર્યા હતા અને આજે પણ પોતાની એવી અભિલાષા છે કે તેમના શિષ્યોમાંથી કોઈ સંપૂર્ણ જિનવાણી કંઠસ્થ કરે. તેમણે દરેક ભાવિકને ગુરુ સમક્ષ ત્રણ પ્રાર્થના કરવાની પ્રેરણા આપી કે “મારા અવગુણો દૂર કરો, મારી ભૂલો બતાવી મને સાચો શિષ્ય બનાવો અને ફરી તે જ ભૂલ ન થાય તેવી શક્તિ આપો.” તેમણે એ પણ શીખ આપી કે પોતાના શબ્દો કે વર્તનથી કોઈના હૃદયને ઠેસ પહોંચે તો તરત જ “મિચ્છામિ દુક્કડમ” કહી ક્ષમા માંગવાનો સંસ્કાર જીવનમાં ઉતારવો જોઈએ.
ચાતુર્માસના લાભાર્થી ધર્મવત્સલા શ્રી માનસીબેન પરાગભાઈ શાહ અને તેમના પરિવાર સાથેના પોતાના આત્મીય સંબંધોને યાદ કરતાં પરમ ગુરુદેવે પરાગભાઈના માતુશ્રીની અંતિમ ક્ષણોમાં તેમને જૈન સૂત્રોના પાઠ સંભળાવ્યાની વાત કરી હતી. જ્યારે પરમ ગુરુભક્ત પરાગભાઈ શાહે જણાવ્યું કે કોરોનાની શરૂઆતના દિવસોમાં અમદાવાદ ચાતુર્માસ દરમિયાન પરમ ગુરુદેવે તેમને અચાનક જ તાત્કાલિક મુંબઈ પરત ફરવાની આજ્ઞા આપી હતી. ગુરુઆજ્ઞાનું પાલન કરીને તેઓ બીજા જ દિવસે મુંબઈ પહોંચ્યા અને ત્યારબાદ દેશવ્યાપી લોકડાઉન જાહેર થયું. તેમણે જણાવ્યું કે ગુરુદેવની દિવ્ય દૃષ્ટિના કારણે તેઓ સમયસર મુંબઈ પહોંચી શક્યા અને લોકડાઉન દરમિયાન ગુરુપ્રેરણાથી અનેક લોકકલ્યાણના સેવા કાર્યો કરવાનો લાભ મળ્યો. પરાગભાઈના પુત્ર મનન શાહે ગુરુઆજ્ઞાથી પોતાના લગ્ન અત્યંત સાદાઈથી કરીને બચાવેલી રકમ લોકકલ્યાણમાં સમર્પિત કર્યાનો પ્રસંગ યાદ કર્યો હતો, જ્યારે બીજા પુત્ર વત્સલ શાહે બાળપણમાં ગુરુકૃપાથી પોતાની આંખોની દૃષ્ટિ બચી હોવાનો ભાવુક અનુભવ વ્યક્ત કરતાં સમગ્ર સભાને ગુરુપ્રત્યેની અડગ શ્રદ્ધાનો સંદેશ આપ્યો હતો.

મહોત્સવ દરમિયાન ધર્મને સમાજસેવા સાથે જોડતી અનેક સેવાપ્રવૃત્તિઓનું પણ લોકાર્પણ અને સન્માન કરવામાં આવ્યું હતું. છેવાડાના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણ સુધી સરળતાથી પહોંચી શકે તે માટે અમેરિકાના શ્રી રિકાબેન મનુભાઈ શાહના સહયોગથી સેંકડો સાઇકલોનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા માટે 50 ઈ-બાઇક અર્પણ કરવામાં આવી હતી. કરુણાની ભાવનાને વધુ સજીવ બનાવતી પાંચ નવી ‘અર્હમ’ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જણાવવામાં આવ્યું કે પરમ ગુરુદેવની પ્રેરણાથી દેશભરમાં કાર્યરત ૪૦ અર્હમ એનિમલ એમ્બ્યુલન્સે છેલ્લા બે વર્ષમાં અંદાજે અઢી લાખ અબોલ પશુ-પક્ષીઓનો જીવ બચાવ્યો છે. અમેરિકાથી ઉપસ્થિત એક મહિલા ભાવિકનો પરિચય કરાવતાં પરમ ગુરુદેવે જણાવ્યું કે કેન્સર સામેની લડાઈ જીત્યા બાદ તેમણે પોતાનું જીવન અબોલ પ્રાણીઓની સેવાને સમર્પિત કર્યું છે.

‘ગુરુપ્રસાદ’ અન્નસેવાના મહાયજ્ઞનો ઉલ્લેખ કરતાં પરમ ગુરુદેવે જણાવ્યું કે ૧૫ જૂન, ૨૦૨૪ના રોજ શરૂ થયેલી આ સેવા દ્વારા આજે દરરોજ આશરે ૨,૫૦૦ જરૂરિયાતમંદોને ભોજન મળી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૧૬ લાખથી વધુ લોકો તેનો લાભ મેળવી ચૂક્યા છે. આ સેવા કાર્યમાં નોંધપાત્ર યોગદાન બદલ વિરલભાઈ શાહનું પરમ ગુરુદેવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
પોતાની અમૃતવાણીમાં સંત અને ભાવિકોના સંબંધને હૃદયસ્પર્શી શબ્દોમાં વ્યક્ત કરતાં પરમ ગુરુદેવે કહ્યું, “સંતોનો પોતાનો કોઈ પરિવાર નથી હોતો; આપ સહુ જ સંતોનો પરિવાર છો. તમારા જીવનમાં સંતો માટે કદાચ થોડું સ્થાન હશે, પરંતુ સંતોના જીવનમાં ભાવિકો માટે સો ટકા સ્થાન હોય છે.” તેમણે ભાવુક સ્વરે જણાવ્યું કે મુંબઈમાં આ તેમનું અંતિમ ચાતુર્માસ છે. આગામી સમયમાં તેઓ શહેરની બહાર ચાતુર્માસ કરશે અને ત્યારબાદ ધીમે ધીમે મૌન તરફ આગળ વધશે. તેથી જ્યાં સુધી અવસર મળે ત્યાં સુધી ગુરુવાણીનો લાભ લેવાનું તેમણે સૌને ભાવપૂર્વક આહ્વાન કર્યું હતું.

મહોત્સવ દરમિયાન તા. ૮ થી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનાર પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ભવ્ય ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત ‘ચાર ગતિ – આત્માની અનંત યાત્રા’ સહિત ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જાહેરાત કરવામાં આવી હતી કે પરમ ગુરુદેવનું આ ચાતુર્માસ ૨૪ નવેમ્બર સુધી ચાલશે, જ્યારે ૨૫ નવેમ્બરથી મુમુક્ષુ શ્રી યશ્વીબેન મહેતા અને જાહ્નવીબેન શાહના દીક્ષા મહોત્સવનો પ્રારંભ થશે અને ૨૯ નવેમ્બરે તેઓ સંયમજીવન અંગીકાર કરશે.
પરમ ગુરુદેવની પાવન નિશ્રામાં ઉજવાયેલા આ ગુરુપૂર્ણિમા મહોત્સવે એ સંદેશ વધુ એક વખત પ્રબળ કર્યો હતો કે ગુરુવાણી માત્ર સાંભળવાની નથી, પરંતુ જીવનમાં ઉતારવાની છે; અને ચાતુર્માસ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ આત્મપરિવર્તન, જીવદયા અને લોકકલ્યાણની જીવંત સાધના છે.
https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
For more details… Contact 9322529232 / 9324483455
