
થાણે પોલીસનો પ્રાથમિક અંદાજ છે કે થાણેમાં એક હજારથી વધુ બંગલાદેશીઓ ગેરકાયદે રહી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના બનાવટી દસ્તાવેજોના આધારે આધાર કાર્ડ અને રૅશન કાર્ડ બનાવીને ગેરકાયદે રહેતા બંગલાદેશીઓને શોધીને તેમની સામે પગલાં લેવા થાણે પોલીસે બંગલાદેશીઓ વિરુદ્ધ વિશેષ અભિયાન શરૂ કર્યું છે. મોટા ભાગના બંગલાદેશીઓ કન્સ્ટ્રક્શન સાઇટ, ગેરેજ, વોશિંગ સેન્ટર, ફૅક્ટરીઓમાં વર્કર, વૉચમૅન જેવા કામ કરતા હોય છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તમારી આસપાસમાં રહેતા બંગલાદેશીઓની માહિતી તાત્કાલિક ૧૦૦ નંબર પર પોલીસને આપો જેથી થાણે વિસ્તારને બંગલાદેશી મુક્ત કરી શકાય.

બંગલાદેશીઓ સામે કાર્યવાહી કરી તેમને બંગલાદેશની બોર્ડર નજીક છોડી મૂકવામાં આવતા હોય છે. જોકે થોડા વખત બાદ ગુપ્ત રીતે પાછા તેઓ ભારતમાં આવી જતા હોય છે એથી કાર્યવાહીની કોઈ અસર થતી નથી એમ જણાવતાં થાણે પોલીસના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે થાણેમાં નવ ઑપરેશન દ્વારા પંચાવનથી વધુ બંગલાદેશીઓ પર કાર્યવાહી કરી છે. જોકે થાણેમાં અમુક વિસ્તાર એવા છે જ્યાં ઉત્તર પ્રદેશ અને બિહારનો મુસ્લિમ સમુદાય રહેતો હોવાથી બંગલાદેશીઓ સરળતાથી તેમની સાથે ભળી જાય છે એથી અમારી સામે બંગલાદેશીઓ સામે પગલાં લેવાનો પડકાર ઊભો થતો હોય છે. બંગલાદેશની સરહદે આવેલા મેઘાલય અને પશ્ચિમ બંગાળનાં રાજ્યોમાંથી ચેકપોસ્ટને બાયપાસ કરીને બંગલાદેશી સ્ત્રીઓ અને પુરુષો ભારતમાં ઘૂસી નજીકના રાજ્યમાં છ મહિનાનું રહેઠાણ કરી નકલી દસ્તાવેજોના આધારે ૪૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ આપી આધાર કાર્ડ બનાવવામાં આવે છે જેના આધારે તેઓ મુંબઈ, થાણે પહોંચતા હોય છે.

બંગલાદેશીઓ સામે કાર્યવાહી પછી તેમને છ મહિનાથી બે વર્ષ સુધીની જેલની સજા થતી હોય છે. જોકે જેલમાંથી બહાર આવેલા બંગલાદેશીઓને તેમના દેશ સુધી છોડવાની જવાબદારી ફરીથી પોલીસ પર આવી જાય છે. તેઓને એકસાથે બંગલાદેશની બૉર્ડર સુધી મૂકવામાં આવતા હોય છે. જોકે થોડા મહિનાઓ પછી છુપા માર્ગે ફરીથી ભારતમાં આવી જતા હોય છે.’
બંગલાદેશી સામે કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે એમ જણાવતાં થાણે ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) અમરસિંહ જાધવે કહ્યું હતું કે ‘અમારો એવો પ્રાથમિક અંદાજ છે કે થાણેમાં આશરે એક હજારથી વધારે બંગલાદેશી ગેરકાયદે હાલમાં રહી રહ્યા છે જેઓ સામે કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. સ્થાનિક પોલીસ પણ શોધ કરી ગેરકાયદે ભારતમાં રહેતા બંગલાદેશી સામે કાર્યવાહી કરી રહી છે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
