થાણે માં સામાજિક, સાંસ્કૃતિક અને મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કચ્છી સમાજના ભાઈ-બહેનો, યુવા વર્ગ, વડીલો તથા કલાપ્રેમીઓને એક મંચ પર લાવવાના હેતુથી કાર્યરત ગોલ્ડન એરા એક્ટિવિટી ગ્રુપ, થાણે દ્વારા રવિવાર, તા. 7 જૂન 2026ના રોજ “ફિલ્મી મ્યુઝિકલ હાઉઝી” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને શ્રોતાઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને 225થી વધુ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ હાઉસફુલ રહ્યો હતો.
લગભગ બે મહિના અગાઉ સ્થાપિત થયેલા આ ગ્રુપનું સંચાલન રાજેશ ધનજી ગડા અને નિલેશ ભવાનજી ગાલા દ્વારા કરવામાં આવે છે. ટૂંકા ગાળામાં જ 925થી વધુ સભ્યો જોડાતા ગ્રુપ થાણાના અગ્રણી કચ્છી વોટ્સએપ ગ્રુપોમાં સ્થાન પામ્યું છે.

કાર્યક્રમની વિશેષતા એ હતી કે થાણાના નોન-પ્રોફેશનલ તેમજ આમંત્રિત ગાયકોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે વિશાળ મંચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. ગ્રુપમાં જાહેરાત બાદ અનેક ગાયકોએ નોંધણી કરાવી હતી, જેમાંથી ઓડિશન દ્વારા 18 ગાયકોની પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા ગાયકોએ દોઢ મહિના સુધી નિયમિત પ્રેક્ટિસ અને મહેનત દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

પરંપરાગત હાઉઝીના સ્થાને ફિલ્મી ગીતો દ્વારા હાઉઝી રમાડવાનો અનોખો પ્રયોગ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. કરાઓકે ટ્રેક પર જીવંત ગાયન સાથે કુલ 90 લોકપ્રિય ફિલ્મી ગીતોને હાઉઝી ટોકન તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. સંગીત અને મનોરંજનના આ નવીન સમન્વયને પ્રેક્ષકો દ્વારા ભારે વધાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નોન-પ્રોફેશનલ ગાયકોની ઉત્તમ અને આત્મવિશ્વાસભરી રજૂઆતો જોઈને ઉપસ્થિત શ્રોતાઓ આશ્ચર્યચકિત બની ગયા હતા. અનેક લોકોએ ટિપ્પણી કરી હતી કે તેમની રજૂઆત કોઈ વ્યાવસાયિક ગાયકોથી ઓછી નહોતી.
આ પ્રસંગે સમાજના અગ્રણી આગેવાનો દીપકભાઈ ભેદા, ગિરીશભાઈ ભેદા, પ્રકાશભાઈ સાવલા, પિયુષભાઈ શાહ, કાંતિભાઈ ગડા, મહેન્દ્રભાઈ વોરા તથા જીગ્નેશભાઈ વીરા ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
દાતાશ્રીઓના સહયોગ, વોલન્ટિયર્સની તનમય સેવા, શ્રોતાઓના ઉત્સાહ, આકર્ષક ઇનામોની વણઝાર, સ્વાદિષ્ટ ભોજન અને સુમધુર સંગીતના ત્રિવેણી સંગમે સમગ્ર કાર્યક્રમને અવિસ્મરણીય બનાવી દીધો હતો.

ગ્રુપના સંચાલકોના જણાવ્યા મુજબ આવા કાર્યક્રમો દ્વારા નોન-પ્રોફેશનલ કલાકારોને યોગ્ય મંચ મળે છે, તેમનો આત્મવિશ્વાસ વધે છે અને ભવિષ્યમાં તેઓ વ્યાવસાયિક ક્ષેત્રે પણ સફળતા હાંસલ કરી શકે છે. માટે આવા કાર્યક્રમો દરેક એરિયામાં થવા જોઈએ. જેથી નોન પ્રોફેશનલ કલાકારને પણ મોટો પ્લેટફોર્મ મળે અને એ પણ પ્રોફેશનલ બને.
આ દિશામાં ગોલ્ડન એરા એક્ટિવિટી ગ્રુપ આગામી સમયમાં પણ વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરતું રહેશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455

