BKCમાં મંગળવારે વહેલી સવારના મેટ્રો સ્ટેશન ટૂ-બીના સ્ટેશનના બાંધકામ માટે બે ક્રેનની મદદથી પ્રીકાસ્ટ (પ્રિફેબ્રિકેટેડ કૉંક્રીટ) બીમ બેસાડવાનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક ક્રેનમાં ટૅક્નિકલ ખામી સર્જાતા તે પલટી ખાઈને પડી ગઈ હતી. આ પ્રક્રિયા દરમ્યાન જે બીમ બેસાડવામાં આવવાનો હતો તે પણ એક બાજુએ નમી પડ્યો હતો. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું પણ વહેલી સવારની આ દુર્ઘટનાને કારણે ભારે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર માટે રસ્તો પણ બંધ કરવો પડ્યો હતો.
કૉન્ટ્રેક્ટર જે. કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટ લિમિટેડ કંપની મારફત મેટ્રો – ટૂબીનું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં મંગળવારે બીકેસીમાં વહેલી સવારના મેટ્રો લાઈન ટૂ-બીના બાંધકામમાં સામેલ ૪૦૦ ટન વજનની ક્રેન પડી ગઈ હતી, તેને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા વહેલી સવારના ૪.૩૦ વાગ્યાથી એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ નજીકનો મુખ્ય રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. શહેરનો અત્યંત વ્યસ્ત કમર્શિયલ વિસ્તાર ગણાતા બીકેસીમાં આ દુર્ઘટનાને પગલે ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો હતા, તેને કારણે ઓફિસે જનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એમએમઆરડીએના જણાવ્યા મુજબ મંડાલે-ડીએનનગર (અંધેરી) મેટ્રો લાઈન ટૂ-બી કોરિડોર પર બીકેસીમાં એશિયન હાર્ટ હૉસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન માટે પ્રીકાસ્ટ બીમ બેસાડવા માટે મંગળવાર રાતથી આ કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારના ૪.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. એક ક્રેનના લિફ્ટિંગ બૂમમાં યાંત્રિક ખામીને સર્જાતા કારણે ભારે લોડને કારણે તે અચાનક ખસી ગયો હોવાનું અનુમાન છે.
એમએમઆરડીએના મેટ્રો ડાયરેકટરે જણાવ્યું હતું કે પહેલો લિફ્ટિંગ બૂમ નિષ્ફળ જતા બીમ હવામાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર લોડ (વજન) સેકેન્ડરી બૂમ પર આવી ગયો હતો. અચાનક આવી ગયેલા દબાણનો સામનો કરવામાં અસમર્થ ક્રેન સંતુલન ગુમાવી બેઠી હતી અને તે નીચે પડી ગઈ હતી.
એમએમઆરડીએના અધિકારીએ આ દુર્ઘટના માટે અહીં સાઈટ પર રહેલી જગ્યાનો અભાવને જવાબદાર ગણાવી હતી, જેમાં એક તરફ બીકેસી બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ આજુબાજુ અનેક મોટી ઈમારત આવેલી છે.

એમએમઆરડીએ દ્વારા મોડેથી આ ઘટના બાબતે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નોંધાઈ નહોતી. સાઈટ પર રહેલા કાટમાળને દૂર કરવા ટ્રાફિકને પૂર્વવત્ કરવા માટે સાઈટ પર ૬૦૦ ટનની ક્રેન મોકલવામાં આવી હતી. યુદ્ધના ધોરણે જગ્યાને પૂર્વવત્ કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા અને સાંજના મોડે સુધી તેનું કામ ચાલ્યું હતું. નોંધનીય છે કે મેટ્રો લાઈન ટૂ-બી અંધેરી પશ્ર્ચિમથી મંડાલે વચ્ચે દોડવાની છે, જેમાં પહેલા તબક્કામાં મંડાલેથી ચેમ્બુર વચ્ચે ગયા અઠવાડિયે જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુંં હતું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
