મુલુંડમાં ગેસ કનેક્શન કપાઈ જવાની ધમકી આપીને સાયબર ગઠિયાઓ હવે સીનિયર સિટિઝન્સને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. મુલુંડ (ઈસ્ટ)ના ચાફેકર બંધુ માર્ગ વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય વર્ષા તોરગલકર સાથે મહાનગર ગેસનું બિલ અપડેટ કરવાના નામે રૂ. ૨.૦૪ લાખની સાયબર છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે નવઘર પોલીસ મથક તેમજ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જોડાણ કાપી નાખવાની આપી ધમકી
ઘટનાની વિગત એવી છે કે, ગત ૧૪ એપ્રિલના રોજ વર્ષાબેનના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે તેમના ઘરનું મહાનગર ગેસનું બિલ બાકી છે અને જો સાંજ સુધીમાં બિલ અપડેટ કરવામાં નહીં આવે તો ગેસ જોડાણ કાપી નાખવામાં આવશે. ગેસ કનેક્શન બંધ થવાના ડરથી વર્ષાબેને તુરંત જ મેસેજમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો.

APK ફાઈલ મોકલીને રચ્યું ષડયંત્ર
સામેથી વાત કરનાર ઠગ ભગતે પોતાનું નામ દીપક જોશી બતાવ્યું હતું. તેણે માત્ર રૂ. ૧૦ની ચૂકવણી કરીને બિલ અપડેટ કરી દેવાની ખાતરી આપી હતી અને તે માટે એક ‘એપીકે’ (APK) ફાઈલ મોકલી હતી. વર્ષાબેને તે લિંક મારફતે રૂ. ૧૦ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાન્ઝેક્શન ફેલ ગયું હતું. ત્યારબાદ દીપક જોશીએ તેમને બિલ મેન્યુઅલી અપડેટ કરવાની પ્રક્રિયા કરવાનું કહ્યું હતું.
મિનિટોમાં ખાતું સાફ થઈ ગયું
બિલ અપડેટ થવાની રાહ જોઈ રહેલા વર્ષાબેનના હોશ ત્યારે ઊડી ગયા જ્યારે થોડી જ મિનિટોમાં તેમના બેંક ખાતામાંથી એક પછી એક વિવિધ ટ્રાન્ઝેક્શન થકી રૂ. ૨.૦૪ લાખ ઊપડી ગયા હોવાના મેસેજ આવ્યા. સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં જ તેમણે તુરંત નવઘર પોલીસ સ્ટેશન અને સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
