ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી) દ્વારા 20 મેના દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને મુંબઈ અને મહારાષ્ટ્રના દવા વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે.
જોકે આ દરમિયાન મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે અને દેશભરની મુખ્ય ફાર્મસી ચેઈન, હોસ્પિટલ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર્સ, જન ઔષધિ કેન્દ્રો અને પોષણક્ષમ દવાઓ અને સારવાર માટે વિશ્વસનીય ઇમ્પ્લાન્ટ્સ (એએમઆરઆઈટી) ફાર્મસી આઉટલેટ્સ ખુલ્લા રહેશે એવી માહિતી સામે આવી છે.
એઆઈઓસીડીના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રીય દવા નિયમનકાર વચ્ચે યોજાયેલી બેઠકમાં સંગઠને ઈ- ફાર્મસી ક્ષેત્ર અંગે પોતાની ગંભીર ફરિયાદો રજૂ કરી હતી. નિયામકોએ ખાતરી આપી હતી કે રિટેઈલ ફાર્મસી હિતધારકો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની સમીક્ષા થઈ રહી છે અને કાયદાકીય માળખામાં જરૂરી સુધારાઓ અંગે વિચારણા ચાલી રહી છે.

જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રિટેલ ફાર્મસી સંસ્થાઓએ હડતાળમાં ભાગ નહીં લેવાની લેખિત ખાતરી આપી છે.
બીજી તરફ દવા વેપારીઓએ સરકાર અને ઓનલાઈન કંપનીઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે.
સંગઠનના સચિવ અનિલ નાવંદરે જણાવ્યું કે દેશમાં દવાનો વેપાર ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 અને 1945 હેઠળ ચાલે છે, પરંતુ ઓનલાઈન દવા વેચાણ માટે હજુ સુધી સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ નથી. તેમ છતાં ઈ-ફાર્મસી પ્લેટફોર્મ પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચી રહ્યા છે.
સંગઠનના મતે, એમટીપી કિટ, નશીલી દવાઓ અને પ્રિસ્ક્રિપ્શન આધારિત દવાઓ પણ ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ બની રહી છે, જે યુવાનોના સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે.
એઆઈ આધારિત નકલી પ્રિસ્ક્રિપ્શન અને નકલી દવાઓના જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દવાઓના સ્ટોરેજ અને તાપમાનના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ કોઈ ખાતરી નથી.

રાજ્યના 1.25 લાખ કેમિસ્ટોનો બંધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જગન્નાથ ઉર્ફે અપ્પા શિંદેએ જણાવ્યું કે કોરોનાકાળ દરમિયાન આપવામાં આવેલી હોમ ડિલિવરીની છૂટનો કોર્પોરેટ કંપનીઓ દુરુપયોગ કરી રહી છે. 20થી 50 ટકા સુધીના ભારે ડિસ્કાઉન્ટના કારણે મહારાષ્ટ્રના 1.25 લાખ અને દેશભરના 12.5 લાખ દવા વેપારીઓના પરિવારોની આજીવિકા જોખમમાં મુકાઈ હોવાનું તેમણે જણાવ્યું છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
