મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મુંબઈના વિક્રોલી ખાતે ટનલ બોરિંગ મશીન (TBM) ના પ્રથમ વિશાળકાય કટરહેડને સફળતાપૂર્વક શાફ્ટમાં ઉતારવામાં આવ્યો છે. 13.6 મીટરનો વ્યાસ અને આશરે 350 ટન વજન ધરાવતો આ કટરહેડ શાફ્ટમાં ઉતારવાની સાથે જ, TBMના મુખ્ય શીલ્ડની પ્રાથમિક એસેમ્બલીનો અંતિમ તબક્કો પૂર્ણ થયો છે.
પ્રોજેક્ટની વિગતો મુજબ, 21 કિલોમીટર લાંબા મુંબઈ ટનલ વિભાગમાંથી 16 કિલોમીટર ભાગના ભૂગર્ભ નિર્માણ માટે બે મહાકાય TBM મશીનો એસેમ્બલ કરવામાં આવી રહ્યા છે. આ રૂટમાં ઠાણે ક્રીક (ખાડી)ની નીચે બનનારી 7 કિલોમીટર લાંબી ટનલનો પણ સમાવેશ થાય છે, જે ભારતની સૌપ્રથમ સમુદ્રની નીચેથી પસાર થતી રેલ ટનલ બનશે. આ કામગીરીમાં વપરાનાર દરેક TBM મશીનનું વજન 3,000 ટનથી વધુ છે, જે રેલ ટનલ નિર્માણ માટે ભારતમાં અત્યાર સુધી ઉપયોગમાં લેવાયેલા સૌથી મોટા મશીનો છે.

ઇજનેરી (એન્જિનિયરિંગ) ના અદ્ભુત નમૂના સમાન આ કટરહેડ એટલો વિશાળ છે કે તે એવી ટનલનું ખોદકામ કરશે, જેમાં હાઈ-સ્પીડ કોરિડોરની અપ અને ડાઉન બંને લાઈનો એક જ ટનલમાંથી પસાર થઈ શકશે. આ યુનિટનું વજન (350 ટન) અંદાજે 250 મિડ-સાઇઝ SUV કારોના કુલ વજન જેટલું થાય છે. આ કટરહેડને પાંચ અલગ-અલગ શિપમેન્ટ દ્વારા સાઇટ પર લાવવામાં આવ્યો હતો અને 1,600 કિલોગ્રામ હાઈ-પ્રિસિઝન વેલ્ડિંગની મદદથી તેને જોડવામાં આવ્યો છે. આ હિસ્સામાં પથ્થરો કાપવા માટે 84 કટર ડિસ્ક, સફાઈ માટે 124 સ્ક્રેપર્સ અને કાટમાળ હટાવવા માટે 16 બકેટ લિપ લગાવવામાં આવ્યા છે.
ખોદકામ દરમિયાન કટર ડિસ્ક પથ્થરોને કાપવાનું કામ કરે છે, જ્યારે તેના પર લાગેલા સ્ક્રેપર્સ સફાઈનું કામ કરે છે અને બકેટ લિપ દ્વારા ખોદાયેલો કચરો મશીનની અંદર જાય છે, જ્યાંથી પાઇપલાઇન સિસ્ટમ દ્વારા તેને બહાર કાઢી લેવાય છે. આ મશીન વિક્રોલીથી જમીનની અંદર આશરે 6 કિલોમીટર સુધી ખોદકામ કરશે. તે મુંબઈના ગીચ શહેરી વિસ્તારો અને મીઠી નદીની નીચેથી પસાર થઈને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ એટલે કે BKC ખાતે બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચશે, જ્યાં તેને બહાર કાઢવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
