લોહાણા સમાજ પાસે સંસાધનોની કમી નથી, કમી છે તો માત્ર નિઃસ્વાર્થ ભાવે કામ કરનારા સંચાલકોની…
લોહાણા જ્ઞાતિ એટલે જેનો ઈતિહાસ દાન, શૌર્ય અને વેપારી સૂઝબૂઝથી ઝળહળે છે. રઘુવંશી હોવાનું ગૌરવ માત્ર વાતોમાં નહીં, પણ સમાજસેવાના કાર્યોમાં દેખાવું જોઈએ. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ અને મહાજનની ચૂંટણીઓમાં જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તે ચિંતાનો વિષય છે. લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય છે, પણ જ્યારે ‘સેવા’નું સ્થાન ‘સત્તા’ અને ‘સ્વાર્થ’ લઈ લે છે, ત્યારે સમાજનું પતન શરૂ થાય છે.
સમાજની સંસ્થાઓ એ કોઈ રાજકીય અખાડો નથી, પરંતુ વિધવા સહાય, શિક્ષણ અને મેડિકલ સહાય પહોંચાડવાનું માધ્યમ છે. દુર્ભાગ્યવશ, હવે જ્ઞાતિની ચૂંટણીઓમાં પણ કરોડોના ખર્ચ, ભપકો અને ‘વૉટ બેંક’ના સમીકરણો જોવા મળે છે. વહીવટમાં પારદર્શિતાનો અભાવ અને અંગત હિતો સાધવાની વૃત્તિને કારણે ખરેખર જરૂરિયાતમંદ જ્ઞાતિજનો હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર માત્ર આર્થિક જ નથી હોતો, નૈતિક ભ્રષ્ટાચાર એ તેનાથી પણ મોટો ખતરો છે.
કોઈપણ સમાજ ત્યારે જ પ્રગતિ કરે છે જ્યારે તેનો મતદાર જાગૃત હોય. લોહાણા સમાજના મતદારોએ હવે માત્ર ‘જ્ઞાતિવાદ’ કે ‘સંબંધો’ના આધારે નહીં, પણ ‘યોગ્યતા’ અને ‘સાફ છબી’ના આઘારે મતદાન કરવાની જરૂર છે. શું ઉમેદવાર પાસે સમાજના વિકાસનો કોઈ રોડમેપ છે?, શું તે અગાઉના વહીવટમાં પારદર્શક રહ્યો છે? માત્ર ચૂંટણી ટાણે દેખાતા આગેવાનો શું ખરેખર સમાજનું ભલું કરી શકશે? આ પ્રશ્નો જાગૃત મતદારે પૂછવા જ પડશે. લાલચ કે દબાણમાં આવીને અપાયેલો એક મત આખા સમાજને પાછળ ધકેલી શકે છે.
અહીં વિજેતાઓની જવાબદારી પણ ખૂબ મહત્વની બની રહે છે.જેઓ ચૂંટણી જીતીને આવે છે, તેમણે યાદ રાખવું જોઈએ કે તેઓ જ્ઞાતિના માલિક નથી, પણ ‘ટ્રસ્ટી’ છે. વિજેતા થયા પછી વિરોધ પક્ષને સાથે રાખીને ચાલવાની ઉદારતા એ રઘુવંશીના સંસ્કાર છે. આગેવાનોની મુખ્ય જવાબદારીઓમાં પારદર્શિતા એટલે કે સંસ્થાના એક-એક રૂપિયાનો હિસાબ સમાજ સામે હોવો જોઈએ.યુવા સશક્તિકરણ એટલે કે યુવાનો માટે રોજગાર અને ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલવા વગેરેનું અમલ કરવું આવશ્યક છે. સમાજનો મધ્યમ અને ગરીબ વર્ગ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે, તેમને સ્વાસ્થ્ય અને શિક્ષણમાં સીધી મદદ મળે તે જોવાની પ્રાથમિકતા હોવી જોઈએ.
લોહાણા સમાજ પાસે સંસાધનોની કમી નથી, કમી છે તો માત્ર નિ:સ્વાર્થ ભાવે કામ કરનારા સંચાલકોની. જો વહીવટમાં ભ્રષ્ટાચાર નાબૂદ થાય અને જાગૃત મતદારો લાયક વ્યક્તિને જ સુકાન સોંપે, તો રઘુવંશી સમાજ ફરી એકવાર સામાજિક ક્ષેત્રે દીવાદાંડી બની શકે છે.
આશા રાખીએ કે ચૂંટણી બાદ વિજયી થનારા પ્રતિનિધિઓ લોકશાહીના મૂલ્યો જાળવે અને સમાજના વિકાસ માટે કટિબદ્ધ બની સમાજ કલ્યાણના કાર્યો કરી આવનારી પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે તથા જ્ઞાતિનો આદેશ એ જ પરમ કર્તવ્ય ગણી, સમાજસેવાની નવી ઊંચાઈઓ સર કરે તેવી ઈશ્વર ચરણે પ્રાર્થના.
યાદ રાખજો, સત્તા આવે છે અને જાય છે, પણ સમાજ માટે કરેલું નિ:સ્વાર્થી કાર્ય હંમેશા અમર રહે છે.
રઘુવંશી એકતા ઝિંદાબાદ
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
