મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પમાં હવે પાટા બિછાવવાના કામને ઝડપી કરવામાં આવ્યું છે. વાયડક્ટ પર અત્યાધુનિક જાપાની ટેકનોલોજીની મદદથી આ પાટા બિછાવવામાં આવી રહ્યા છે. જાપાનની શિંકાન્સેન સિસ્ટમ પર આધારિત જે-સ્લેબ બેલેસ્ટલેસ ટેકનોલોજીનો ઉપયોગ દેશમાં પ્રથમ વખત કરવામાં આવશે.બુલેટ ટ્રેન પ્રકલ્પમાં ગુજરાત પછી હવે મહારાષ્ટ્રમાં પણ કામ દેખાઈ રહ્યું છે. પ્રકલ્પના કુલ 508 કિલોમીટરમાંથી 347 કિમી વાયડક્ટ અને 439 કિમી પાયાભૂત સુવિધાનું પ્રાથમિક કામ પૂરું થયું છે.
એ સાથે જ મુંબઈમાં અંડરગ્રાઉન્ડ બુલેટ સ્ટેશન માટે સ્લેબ કાસ્ટિંગનું કામ ચાલુ થયું છે. ટ્રેન શરૂ કરવા માટે બેલેસ્ટને મજબૂત કરવા ખડીનો ઉપયોગ કરવામાં આવે છે. બુલેટ ટ્રેન માટે ખડીના બદલે મજબૂત કોંક્રિટ પર પાટા બિછાવવામાં આવી રહ્યા છે. એમાં ચાર મહત્વના ઘટક આરસી બેડ, સિમેંટ, આસ્ફાલ્ટ મોર્ટાર અને પ્રી-કાસ્ટ સ્લેબનો સમાવેશ છે.એ સાથે જ પાટાના જોડાણ માટે રેલ ફાસ્ટનર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેથી ટ્રેનને ઝડપથી દોડવામાં મદદ થાય છે. એના માટે ઓછી દેખભાળની જરૂર હોવાથી કાર્યક્ષમતામાં વધારો થાય છે. અત્યાર સુધી 185 કિલોમીટર પર આરસી બેડ તૈયાર થયો છે અને 188 કિમી સુધી ટ્રેક સ્લેબની નિર્મિતી પૂરી થઈ છે. એમાં 70 કિમી પર સ્લેબ લગાડવાનું કામ પૂરું થયું છે.

પાટા બિછાવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણપણે યાંત્રિક પદ્ધતિથી કરવામાં આવે છે. ફ્લેશ બટ વેલ્ડિંગ મશીન દ્વારા 25 મીટરના પાટા જોડીને 200 મીટરની પેનલ તૈયાર કરવામાં આવે છે. પાટાની ક્ષમતા કલાકના 320 કિમીની સ્પીડ માટે જરૂરી તપાસ પછી જ નિશ્ચિત કરવામાં આવે છે. એ પછી પાટા બિછાવવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે.
સ્લેબ લગાડવા સ્લેબ લેઈંગ કાર, પાટા બિછાવવા રેલ ફીડર કાર અને ટ્રેકનું ચોક્કસ સ્તર જાળવવા સીએએમ ઈંજેક્શન કારનો ઉપયોગ થાય છે. બુલેટ ટ્રેન પ્રકલ્પમાં હવે પાટા બિછાવવાના કામને ઝડપ મળી હોવાથી દેશમાં હાઈસ્પીડ ટ્રેનની દિશામાં મહત્વનું પગલું ગણવામાં આવે છે એવો વિશ્વાસ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં સુરત અને આણંદ ખાતે બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે જરૂરી પાટાના સ્લેબ તૈયાર કરતા અત્યાધુનિક કારખાના ઊભા કરવામાં આવ્યા છે. આ સ્લેબ તૈયાર થયા પછી વિશેષ ટ્રેલરથી બાંધકામસ્થળે (બેઝ) પહોંચાડવામાં આવે છે. અત્યારે સુરત-બિલીમોરા-વાપી ખાતે ચાર અને વડોદરા-આણંદ-અમદાવાદ ખાતે છ એમ કુલ 10 બેઝ કાર્યરત છે.
બુલેટ ટ્રેન પ્રકલ્પની પ્રગતિ : મુંબઈમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં સ્લેબ કાસ્ટિંગનું કામ ચાલુ છે. રાજ્યમાં ત્રણ બુલેટ ટ્રેન સ્ટેશનના કામ ચાલી રહ્યા છે.
પાલઘર જિલ્લામાં પર્વતની અંદરના સાત બોગદામાંથી 2 બોગદાનું બ્રેકથ્રુ પૂરું થયું છે. બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સથી શિલફાટા દરમિયાન 21 કિમી બોગદામાંથી 5 કિમી એનએટીએમ પદ્ધતિથી બોગદાનું ખોદકામ પૂરું થયું છે. કુલ 508 કિમીમાંથી 347 વાયડક્ટ અને 439 કિમી પાયાભૂત (પિયર) કામ પૂરું થયું છે. 17 નદી પુલ, 5 પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ પુલ અને 13 સ્ટીલ પુલ પૂરા થયા છે. 286 કિમી માર્ગ પર 5.7 લાખથી વધારે નોઈઝ બેરિયસર્સ લગાડવામાં આવ્યા છે.
370 ટ્રેક કિમી (185 માર્ગ કિમી) આરસી ટ્રેક બેડનું બાંધકામ પૂરું થયું છે. સુરત અને અમદાવાદ ખાતે બુલેટ ટ્રેન ડેપોનું બાંધકામ ચાલુ છે. ગુજરાતના તમામ સ્ટેશન પર સુપર સ્ટ્રકચર કામ ઝડપથી ચાલી રહ્યા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
