ઘાટકોપરમાં બે વર્ષ પહેલાં મહાકાય હોર્ડિંગ તૂટી પડવાને કારણે 17 જણે જીવ ગુમાવ્યાની ઘટનાનો સંદર્ભ ટાંકીને શહેરમાં લાગેલાં બધાં હોર્ડિંગ્સનું સર્વેક્ષણ કરવાનો આદેશ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે સંબંધિત એજન્સીઓને આપ્યો હતો. હોર્ડિંગ્સ ઊભું કરવા બનાવવામાં આવેલા ઢાંચાની પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું.
ચોમાસા પૂર્વેની તૈયારીઓ સંબંધે ચર્ચા માટે મહાપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)ની બેઠક મંગળવારે મહાપાલિકા મુખ્યાલયમાં થઈ હતી. આ મીટિંગમાં પાલિકાના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે, મેટ્રો, વેધશાળા, નૌકાદળ, મ્હાડા, પીડબ્લ્યુડી અને એમએમઆરડીએ સહિતની મહત્ત્વની સરકારી એજન્સીઓના અધિકારીઓ ઉપસ્થિત હતા.
ચોમાસા દરમિયાન નિર્માણ થનારી વિવિધ સમસ્યાઓને નાથવા માટે યોગ્ય નિયોજન અને સમન્વય સાધીને બધી યંત્રણાઓેએ વધુ સક્ષમ રીતે સજ્જ રહેવું એવા નિર્દેશ કમિશનરે આપ્યા હતા.

ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીકના પેટ્રોલ પમ્પ પાસે 13 મે, 2024ની સાંજે મોટું હોર્ડિંગ તૂટી પડ્યું હતું. કમોસમી વરસાદ સાથે ફૂંકાયેલા સૂસવાટા મારતા પવનને કારણે તૂટી પડેલા આ હોર્ડિંગે 17 જણનો જીવ લીધો હતો, જ્યારે 80 ઘવાયા હતા. આ દુર્ઘટનાનો સંદર્ભ ટાંકીને પાલિકા કમિશનરે બધી એજન્સીઓને તેમની જગ્યામાં લગાવવામાં આવેલાં હોર્ડિંગ્સ બાબતે સર્વેક્ષણ કરવાના નિર્દેશ આપ્યા હતા.
ગગરાણીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ અનુસાર મુંબઈ મહાપાલિકાએ લાગુ કરેલા નિયમોને અનુસરીને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે કે નહીં તેની ખાતરી કરવી. એ સિવાય હોર્ડિંગ ઊભું કરવા તૈયાર કરાયેલા ઢાંચાની પણ તપાસ કરવાનું મધ્ય અને પશ્ર્ચિમ રેલવે સહિત બધી એજન્સીને કહેવામાં આવ્યું હતું.મહાપાલિકા વિસ્તારમાં આવેલી બધી જોખમી ઈમારતોનો સર્વે પણ ચોમાસા પહેલાં કરવો. જે જોખમી ઈમારતના રહેવાસીઓનું સ્થળાંતર જરૂરી હોય ત્યાં એસઓપી અનુસાર કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.
મેટ્રોએ યોગ્ય ક્ષમતાના પમ્પ બેસાડવા
ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા દર વર્ષે ઊભી થતી હોય છે. આવા પરિસરોમાંથી વરસાદી પાણીનો નિકાલ યુદ્ધના ધોરણે થાય તે માટે દરેક એજન્સીએ તાલમેલ જાળવવો જરૂરી હોવાનું પાલિકાના કમિશનરે કહ્યું હતું. મધ્ય અને પશ્ર્ચિમ રેલવેએ નિયમિત સમન્વય સાધી પ્રવાસીઓને કોઈ પ્રકારની અસુવિધા ન થાય તેની દરકાર રાખવી. એ સિવાય મેટ્રો પ્રશાસને યોગ્ય સંખ્યા અને ક્ષમતાના પમ્પનો ઉપયોગ કરવો. ગયા વર્ષે ચોમાસામાં મેટ્રોના વરલી સ્ટેશન સહિત અન્ય કેટલાંક ઠેકાણે પાણી ભરાયાની ફરિયાદો આવી હતી. એને ધ્યાનમાં રાખી આ વર્ષે ચોમાસામાં જરૂરી હોય એ દરેક ઠેકાણે પમ્પ બેસાડી પાણીના નિકાલની તૈયારી રાખવાની સૂચના આપવામાં આવી હતી.

વેધશાળાને વહેલી આગાહી કરવા તાકીદ
ભારતીય હવામાન ખાતા દ્વારા ચોમાસા દરમિયાન કરવામાં આવતી આગાહી બાબતે પણ મહત્ત્વની સૂચના પાલિકા કમિશનરે આપી હતી. કમિશનરે જણાવ્યું હતું કે વરસાદની આગાહી અને તેની લગતી માહિતી આપતી વખતે વેધશાળાએ સંબંધિત એજન્સીને પોતાના સ્તરે કાર્યવાહી કરવામાં પૂરતો સમય મળે એ બાબતનો ખાસ ખયાલ રાખવો જોઈએ. આગાહી વહેલી કરવામાં આવે તો જરૂરી પગલાં લઈ શકાય. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે છેલ્લી ઘડીએ આગાહી કરવામાં આવ્યાનું અનેક વાર જોવા મળ્યું હતું. અમુક દિવસે તો બેથી ત્રણ કલાક પહેલાં જ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
