
પાંચ જિગરબાજોમાં ઘાટકોપરના 64 વર્ષીય મંગલ ભાનુશાલી, અંધેરીના દવાના વેપારી જિતન્દ્ર જૈન, દાદરના 57 વર્ષીય મનોજ ચૌગુલે, લોઅર પરેલના 67 વર્ષીય સતીશ જાધવ અને સિક્કાનગરના 55 વર્ષીય જયંતી ગાલાનો સમાવેશ
મુંબઈના કચ્છી, ગુજરાતી પાંચ વયસ્કોએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી 40 દિવસમાં અત્યંત પડકારજનક 4048 કિમી સાઈકલયાત્રા કરીને દાખલો બેસાડ્યો છે. દેખીતી રીતે જ વિવિધ રાજ્યમાંથી આ યાત્રા પસાર થઈ હોવાથી જ્યાં ત્યાં પડકારજનક સ્થિતિઓ સામે હતી. છતાં ડગમગ્યા વિના આ પાંચ સાહસિકોએ તેમની સાઈકલયાત્રા પૂરી કરવામાં સફળતા મેળવી છે. આ પાંચ જિગરબાજોમાં ઘાટકોપરના 64 વર્ષીય મંગલ ભાનુશાલી, અંધેરીના દવાના વેપારી જિતન્દ્ર જૈન, દાદરના 57 વર્ષીય મનોજ ચૌગુલે, લોઅર પરેલના 67 વર્ષીય સતીશ જાધવ અને સિક્કાનગરના 55 વર્ષીય જયંતી ગાલાનો સમાવેશ થાય છે.આ રોમાંચક અને દિલધડક સાઈકલ યાત્રા વિશે સમાજસેવી અને સાઈકલિસ્ટ મંગલ ભાનુશાલી કહે છે, ‘‘મેં અને જયંતી ગાલાએ કાશ્મીરથી કન્યાકુમારી સ્કૂટર ઉપર આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ તઈને 15 દિવસની યાત્રા કરી હતી. તે સમયે સાઈકલ યાત્રાનો વિચાર આવ્યો હતો. અમે તેની પર વધુ અભ્યાસ કરતાં ધ્યાનમાં આવ્યું કે કાશ્મીરથી કન્યાકુમારી વાયા ગોવા એટલે કે કોસ્ટલ રોડથી અત્યાર સુધી સાઈકલયાત્રા થઈ નથી અને તેમાંય સિનિયર સિટીઝનોએ તો કરી જ નથી. આથી અમે નક્કી કર્યું કે આ જ ચેલેન્જ સ્વીકારીશું અને ગણતરી ચાલુ કરી.’’

‘‘અમે આખો રૂટ તૈયાર કર્યો તો ધ્યાનમાં આવ્યું કે 40થી 42 દિવસમાં રોજના 100 થી 150 કિલોમીટર સાઈકલ ચલાવવામાં આવે તો કાશ્મીર જમ્મુથી પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક કરીને કન્યાકુમારી પહોંચી શકાય. સાઈકલ ઉપર યાત્રા કરવામાં સૌથી મોટો પડકાર એ હોય છે કે તમે નિર્ધારિત કરેલા સ્થળ ઉપર સાંજે પહોંચી શકો કે નહીં, હાઈવે ઉપરનો ટ્રાફિક કેવો હશે, 40 ફૂટનાં મોટાં મોટાં વાહનો ચાલતા હોય તેનાથી કાર હચમચી જતી હોય તો સાઈકલની તો શું વિસાત?’’ એમ ભાનુસાલી કહે છે.
જોડે 12-15 કિલો સામાન લીધો હતો : ‘‘આથી અડસટ્ટે જગ્યાઓ નક્કી કરીને આખો પ્રોગ્રામ તૈયાર કર્યો. આ માટે સાઈકલ ઉપર 12 થી 15 કિલો જેટલો સામાન લેવાનો હતો, કારણ કે કોઈ સપોર્ટ નહોતો. ઉપરાંત સાઈકલના પાર્ટસ, જેમ કે, ચેનલો, લોક, એક્સ્ટ્રા ટ્યુબ, એના સળિયા, એના માટે ખોલવા માટેના ટૂલ, આ બધું પૂર્વતૈયારીમાં કર્યું. આ પછી મુંબઈથી 150 કિલોમીટરની ટ્રાયલ લીધી અને સામાન્ય રીતે પ્રવાસ દરમિયાન પડનારી તકલીફોનું અંદાજ મેળવી લીધો.’’
બરફવર્ષા વચ્ચે 40 કિમી સફર : ‘‘અમે શ્રીનગરથી માઈનસ ચાર ડિગ્રીમાં લાલ ચોકથી સાઈકલ યાત્રા શરૂ કરી અને 30-35 કિમી સફર પૂરી કરી ત્યાં બરફવર્ષા શરૂ થઈ. આવા સંજોગોમાં પણ લગભગ 40 કિલોમીટર જેટલી સફર કરીને બરફવર્ષાનો આનંદ લીધો. આટલું જ નહીં, વાતાવરણ એટલું આહલાદક હતું કે અમારી અંદરનું બાળપણ જાગૃત થયું અને અમે એકબીજા પર બરફ ઉડાડ્યો અને મન મૂકીને નાચગાન કર્યું.’’

બધા જ 100 ટકા વેજિટેરિયન : ‘‘અમે બધા જ 100 ટકા વેજિટેરિયન હતા, એટલે 100 ટકા વેજિટેરિયન રેસ્ટોરાં કેરળમાં શોધવાનું અમારા માટે પડકારજનક હતું. વળી, ત્રણ ઠેકાણે સાઈકલ પંક્ચર થઈ. અમારા એક મિત્રનું રાજસ્થાનમાં હબનું બેરિંગ ગયું. સાઈકલ વિદેશની હોવાથી ત્યાં આ પાર્ટ મળે નહીં એટલે મેં ગાંધીનગરમાં મારા મિત્રને ત્યાં ફોન કરીને મુંબઈથી કુરિયરમાં પાર્ટ મગાવ્યો. ગાંધીનગરના આઈએએસ સુનિલ કુમારે હબ ચેન્જ કરવાનું અનેરૂ કાર્ય કર્યું.’’
40 ડિ.સે. ગરમી પડી ત્યારે: ‘‘કન્યાકુમારીથી 600 કિલોમીટર આગળ ૪૦ ડિ.સે.ની ગરમી શરૂ થઈ ગઈ હતી અને અમારે દિવસમાં સાઈકલ ચલાવી પડે તેમ હતું. ડિહાઇડ્રેશન એ સાઇકલિંગ દરમિયાન મોટો ડર હોય છે પણ એની તકેદારી લેકાં લિક્વિડ ખૂબ પીને 240 કિમી દૂર હતા ત્યારે નક્કી કર્યું કે ગરમીમાં ચલાવવા કરતાં અહીં રાત્રે ટ્રાફિક હળવો હોય છે, ટ્રકોની અવરજવર નથી હોતી, એટલે 24 કલાક સાઈકલ ચલાવી અને અમે બીજા દિવસે સવારના 4:30 વાગ્યે કન્યાકુમારી પહોંચી ગયા. અમારી આ યાત્રા વિશ્વવિક્રમી રહી હતી. આથી તેમાં નોંધ લેવાય તે માટે અરજી પણ કરી છે,’’ એમ ભાનુશાલી જણાવે છે.’’ જે તે રાજ્યમાં મુશ્કેલીઓ આવી ત્યારે સ્થાનિક પોલીસ અધિકારી અથવા લશ્કરી જવાનો મદદે આવ્યા હતા. અમુક સ્થળે અમારું જંગી સ્વાગત પણ થયું હતું, એમ તેઓ અંતમાં જણાવે છે.

40 દિવસની કાશ્મીરથી કન્યાકુમારી બરફ, પડકારજનક રસ્તાઓ વચ્ચે રોમાચંક યાત્રા, સ્થાનિક પોલીસ અધિકારી મદદે આવ્યા હતા
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
