મુલુંડ (વેસ્ટ) વિસ્તારમાં ક્લિનિક ધરાવતાં અને મૂળ કચ્છના બિદડા ગામના વતની કવિઓ સમાજના ડો. સરલા પરેશ વોરાએ છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન સમાજના એક અત્યંત વંચિત વર્ગ એવા તૃતીયપંથીઓ (ટ્રાન્સજેન્ડર સમુદાય) માટે તબીબી સેવા ક્ષેત્રે પ્રેરણાદાયી કામગીરી કરી છે. તેમણે આ બે દાયકામાં દેશભરમાંથી આવેલા આશરે ૨૫,૦૦૦ જેટલા તૃતીયપંથીઓની સફળ સારવાર કરી અનોખી નિઃસ્વાર્થ સેવા આપી છે. તેમની આ સરાહનીય કામગીરીની નોંધ લઈને તાજેતરમાં મુંબઈની જાણીતી ‘કિન્નર માં ટ્રસ્ટ’ સંસ્થા દ્વારા એક વિશેષ કાર્યક્રમમાં તેમને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રદ્ધા અને વિશ્વાસ – સારવારનો પહેલો તબક્કો
બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સીસ (BNYS), કોસ્મેટોલોજી તેમજ ત્વચા, વાળ અને માથાની ત્વચા (સ્કેલ્પ) સંબંધિત રોગોના નિષ્ણાત ડો. સરલા વોરાએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે, “તૃતીયપંથી સમુદાયના લોકોની સારવાર માટે સૌથી મહત્વનું પગલું તેમનો વિશ્વાસ જીતવાનું હોય છે. સામાજિક સંકોચ અને ભેદભાવના ડરથી આ સમુદાયના લોકો પોતાની શારીરિક કે ત્વચા સંબંધિત તકલીફો અંગે સામાન્ય ક્લિનિક કે હોસ્પિટલમાં જઈને સારવાર કરાવવામાં ભારે અચકાટ અને સંકોચ અનુભવે છે.”

ડો. સરલાએ આ સમુદાયના લોકોને એક સુરક્ષિત, સન્માનજનક અને આપાપણાથી ભરેલું વાતાવરણ પૂરું પાડ્યું, જેના કારણે દેશના ખૂણે-ખૂણેથી તૃતીયપંથીઓ તેમની પાસે નિઃસંકોચ સારવાર અર્થે આવતા થયા છે.
કોરોના મહામારીમાં પણ અવિરત સેવા
જ્યારે સમગ્ર દેશ કોરોના મહામારી અને લોકડાઉનની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પણ ડો. સરલા વોરાએ પોતાની તબીબી ફરજ ચાલુ રાખી હતી. તેમણે લોકડાઉન અને મહામારીના ભયજનક સમયમાં પણ તૃતીયપંથી સમાજના લોકોની આરોગ્યવિષયક કાળજી લેવામાં કોઈ કસર છોડી નહોતી.
સન્માન અને આદર
સમાજના મુખ્ય પ્રવાહથી દૂર રહેતા તૃતીયપંથીઓ તરફ ડો. સરલા વોરાએ દર્શાવેલી સંવેદનશીલતા અને નિષ્ઠાને બિરદાવવા માટે મુંબઈના ‘કિન્નર માં ટ્રસ્ટ’ દ્વારા તેમનું ભાવભીનું બહુમાન કરવામાં આવ્યું હતું. ડો. સરલાની આ સેવાકીય યાત્રા સમાજ માટે માનવતા અને સમાનતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

