ભિવંડીના રાજીવ ગાંધી ફ્લાયઓવર પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ઓલા કેબ આરસીસી (RCC) કોંક્રિટ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. સામેથી આવતા વાહનોની તીવ્ર હેડલાઈટના અંજવારાને કારણે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને ટાયર ફાટી ગયું હતું. જોકે, સદનસીબે ડ્રાઈવર અને પેસેન્જર બંનેનો આબાદ બચાવ થયો છે.
સામસામે આવતા વાહનોના લાઈટના અજવાળા બન્યા અકસ્માતનું કારણ
મળતી માહિતી મુજબ, ઓલા કેબ વણજારપટ્ટી નાકાથી રાજીવ ગાંધી ફ્લાયઓવર થઈને કલ્યાણ તરફ જઈ રહી હતી. તે જ સમયે સામેથી આવતા વાહનોની ભારે હેડલાઈટના લીધે ડ્રાઈવરની આંખો અંજાઈ ગઈ હતી, જેના કારણે રસ્તા વચ્ચે મૂકેલું કોંક્રિટ ડિવાઈડર તેને સમયસર દેખાયું નહોતું. પરિણામે, પુરપાટ ઝડપે જતી કાર સીધી આરસીસી ડિવાઈડર સાથે અથડાઈ હતી.

કારને ભારે નુકસાન, મુસાફરોનો આબાદ બચાવ
ધડાકાભેર થયેલી અથડામણના કારણે કેબનું એક ટાયર ફાટી ગયું હતું અને આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની ગંભીરતાને જોતાં મોટી જાનહાની થઈ શકતી હતી, પરંતુ સદભાગ્યે કારમાં સવાર ડ્રાઈવર અને મુસાફર બંને સુરક્ષિત બહાર આવ્યા હતા. આ ઘટનાને કારણે ફ્લાયઓવર પર થોડા સમય માટે ટ્રાફિક ખોરવાયો હતો.
ફ્લાયઓવર પર સુરક્ષાને લઈને સ્થાનિકોમાં રોષ
આ અકસ્માતે ફ્લાયઓવર પર મૂકવામાં આવેલા કોંક્રિટ બારિયર્સ (ડિવાઈડર્સ)ની વિઝિબિલિટી અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. રાત્રિના સમયે આ ડિવાઈડર્સ સ્પષ્ટ દેખાતા ન હોવાથી અકસ્માતનો ખતરો સતત રહે છે. સ્થાનિકો અને વાહનચાલકોએ આ કોંક્રિટ બારિયર્સ પર તાત્કાલિક અસરથી રેડિયમ રિફ્લેક્ટર્સ (Reflectors) લગાવવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



