મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં શનિવારે બપોરે એક મોટી હોનારત ટળી હતી. દાદરથી બદલાપુર જઈ રહેલી એર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનના મહિલા કોચમાં મુસાફરની બેગમાં રાખેલી પાવર બેંકમાં અચાનક વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટના ઘાટકોપર સ્ટેશન નજીક બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ મુસાફરને ઈજા થઈ નથી, પરંતુ આગના કારણે મહિલાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
પાવર બેંક ફાટતા ધુમાડાના ગોટા ઉડ્યા, મહિલાઓમાં દહેશત
મળતી માહિતી મુજબ, આ ઘટના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ–કલ્યાણ રૂટ પર દોડતી DBL-2 AC લોકલ ટ્રેનમાં બની હતી. એક મહિલા મુસાફરની નાયલોન કે કેનવાસની બેગમાં રાખેલી પાવર બેંકમાં ટેકનિકલ ખામીના કારણે બ્લાસ્ટ થયો હતો, જેને પગલે બેગમાં તુરંત જ આગ પકડી લીધી હતી. જોતજોતામાં બંધ AC કોચમાં ઘાટો ધુમાડો ફેલાઈ જતાં સવાર મહિલા મુસાફરોમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો.

મહિલા મુસાફરોની સૂઝબૂઝથી મોટો અકસ્માત ટળ્યો
આગ લાગતાં જ ડબ્બામાં હાજર મહિલાઓએ સમયસૂચકતા દાખવી હતી. તેમણે તાત્કાલિક એલાર્મ ચેઈન (ચેઈન પુલિંગ) ખેંચીને ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો અને બળતી બેગને સમયસર કોચમાંથી બહાર ફેંકી દીધી હતી. મુસાફરોની આ ત્વરિત કાર્યવાહીના કારણે આગ ટ્રેનના અન્ય ભાગોમાં ફેલાતા અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
રેલવે સ્ટાફે સ્થિતિ સંભાળી, સેવાઓ પૂર્વવત
ઘાટકોપર સ્ટેશન પાસે ટ્રેન રોકાયા બાદ રેલવે સુપરવાઈઝર, ટેકનિકલ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે અસરગ્રસ્ત કોચની યોગ્ય તપાસ કરી ખાતરી કર્યા બાદ જ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. રેલવે પ્રશાસને નાગરિકોને મુસાફરી દરમિયાન ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને પાવર બેંકનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવા અપીલ કરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



