મુલુન્ડ (વેસ્ટ)માં રહેતા એક ૬૨ વર્ષીય નિવૃત્ત ગુજરાતી વરિષ્ઠ નાગરિક સાયબર અને નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યા છે. ગોવા ખાતે તાત્કાલિક નાણાં પહોંચાડવાના બહાને ઓળખીતા આંગડિયા અને તેના સાથીદારે મળીને વરિષ્ઠ નાગરિક સાથે રૂ. ૭.૮૦ લાખથી વધુની ઠગાઈ આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મુલુન્ડ (વેસ્ટ)ના એલ.બી.એસ. માર્ગ પર આવેલી આસ્થા હોસ્પિટલ નજીક રહેતા ૬૨ વર્ષીય રાજેશભાઈના જમાઈ ધીરજભાઈ બાંધકામ (કોન્ટ્રાક્શન)ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલમાં તેમનો એક પ્રોજેક્ટ ગોવા ખાતે ચાલી રહ્યો હોવાથી તેમને બિઝનેસના કામકાજ અર્થે તાત્કાલિક રૂ. ૮ લાખની જરૂરિયાત ઊભી થઈ હતી.
જમાઈની મુશ્કેલી જોઈને રાજેશભાઈએ તેમને આંગડિયા મારફતે સુરક્ષિત રીતે નાણાં ગોવા મોકલી આપવાનું સૂચન કર્યું હતું. આ માટે રાજેશભાઈએ પોતાના પૂર્વ ઓળખીતા આંગડિયા વિષ્ણુ પટેલનો સંપર્ક કર્યો હતો.

કમિશન નક્કી કરી નાણાં મેળવ્યા
વાતચીત દરમિયાન વિષ્ણુ પટેલે દર એક લાખ રૂપિયાના ટ્રાન્સફર પેટે રૂ. ૩૦૦ દલાલી (કમિશન) લેવાનું નક્કી કર્યું હતું. શરતો નક્કી થયા બાદ, ગત ૨૭ સપ્ટેમ્બરના રોજ વિષ્ણુ પટેલે નાણાં સ્વીકારવા માટે રાજેશભાઈના ઘરે પૂનમચંદ નામની વ્યક્તિને મોકલી હતી. રાજેશભાઈએ પૂનમચંદને રૂ. ૭.૮૦ લાખ રોકડા તેમજ દલાલીના રૂ. ૨,૪૦૦ મળીને કુલ રકમ સોંપી દીધી હતી.
બીજા દિવસે પોલ ખૂલી: બંને આરોપીઓ ફરાર
બીજા દિવસે જ્યારે રાજેશભાઈ અને તેમના જમાઈએ ગોવા ખાતે નાણાં પહોંચ્યા કે નહીં તેની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે ત્યાં કોઈ રકમ પહોંચી નહોતી. શંકા જતાં રાજેશભાઈએ તરત જ આંગડિયા વિષ્ણુ પટેલ અને નાણાં લઈજનાર પૂનમચંદનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના મોબાઈલ ફોન બંધ (સ્વિચ ઓફ) આવતા હતા.
પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં જ રાજેશભાઈએ વિલંબ કર્યા વગર મુલુન્ડ પોલીસ સ્ટેશન પહોંચી બંને આરોપીઓ વિરૂદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ શરૂ
મુલુન્ડ પોલીસે રાજેશભાઈની ફરિયાદના આધારે વિષ્ણુ પટેલ અને પૂનમચંદ વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હાલ આરોપીઓના મોબાઈલ નંબરના લોકેશન અને વિસ્તારના સીસીટીવી ફુટેજ હોંગોળીને બંને ઠગોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



