મુલુંડના નિવૃત્ત શિક્ષિકા કૌમુદી લાલજી ચિનાઈનું નિવાસસ્થાને અવસાન થતાં તેમની ૧૫ વર્ષ જૂની દેહદાનની અંતિમ ઇચ્છા પૂરી કરવામાં આવી છે. તેમની સગી બહેનથી પણ વિશેષ ગણાતા ભૂતપૂર્વ નગરસેવિકા પ્રભાબેન પોપટે તેમના પાર્થિવ દેહનું તબીબી અને શૈક્ષણિક હેતુ માટે પરેલની KEM હૉસ્પિટલમાં દાન કર્યું હતું. દેહદાન અગાઉ કૌમુદીબહેનનાં ચક્ષુ અને ત્વચા (સ્કિન)નું પણ દાન કરવામાં આવ્યું.
શિક્ષણ અને સમાજસેવાને સમર્પિત જીવન
મૂળ ગુજરાતના માંગરોળના વતની કૌમુદીબહેને લગ્ન કર્યા નહોતા અને પોતાનું સમગ્ર જીવન શિક્ષણ તથા સમાજસેવામાં સમર્પિત કર્યું હતું. તેમણે દાદરના શિશુવિહાર શિક્ષણ કેન્દ્રમાં ૪૦ વર્ષ સુધી શિક્ષિકા તરીકે સેવા આપી હતી અને ૨૦૦૩માં પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયાં હતાં. તેમને બેસ્ટ શિક્ષિકા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ૧૯૮૪થી પ્રભાબેન પોપટ સાથે રહેતાં હતાં અને તેમનાં સામાજિક કાર્યોમાં સતત સહયોગ આપતાં હતાં.

૨૦૧૧માં વ્યકત કરી હતી અંતિમ ઇચ્છા
૨૦૧૧માં બીમારીની સારવાર દરમિયાન કૌમુદીબેને પ્રભાબેન સમક્ષ દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને મૃત્યુ પછી કોઈ પ્રાર્થનાસભા ન રાખવાની વિનંતી કરી હતી. ૧૫ વર્ષ બાદ પ્રભાબેને આ વચન નિભાવીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. આ સમગ્ર પ્રક્રિયામાં સુમતિ ગ્રુપના વિનોદ હરિયાએ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડયો હતો.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



