મુંબઈના નાગરિકોની સમસ્યા ઉકેલવા અને સ્થાનિક નાગરી કામ ઝડપી કરવા મુંબઈ મહાપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે.
મુંબઈના નગરસેવકોને મળતા વાર્ષિક ભંડોળમાં 12 વર્ષ પછી વધારો કરવામાં આવ્યો છે. હવે મુંબઈના નગરસેવકોને 60 લાખ રૂપિયાના બદલે વાર્ષિક એક કરોડ રૂપિયાનું સ્વેચ્છા ભંડોળ મળશે. મહાપાલિકા સભાગૃહે આ સંદર્ભના પ્રસ્તાવને અધિકૃત મંજૂરી આપી છે. મુંબઈના નગરસેવકોના ભંડોળમાં વધારો કરવા સંદર્ભે ઠરાવની સૂચના નગરસેવિકા અશ્વિની મતેએ મહાપાલિકા સભાગૃહમાં રજૂ કરી હતી.
આ સૂચના પર વિગતવાર ચર્ચા થયા પછી મહાપાલિકા સભાગૃહે એક કરોડ રૂપિયાનું ભંડોળ આપવા એકમુખે મંજૂરી આપી હતી. હવે આ ઠરાવ પર અંતિમ નિર્ણય માટે મહાપાલિકા કમિશનરના અભિપ્રાયની પ્રતિક્ષા છે. જો તેમના તરફથી અભિપ્રાય આપવો શક્ય ન હોય તો આગળ રાજ્ય સરકારના નગરવિકાસ ખાતા પાસે ઠરાવ રજૂ કરવામાં આવશે.

નગરસેવકોને પોતાના પ્રભાગમાં વિવિધ પ્રકારના વિકાસકામ કરવા સ્વેચ્છા ભંડોળ આપવામાં આવે છે. આ વિકાસકામોમાં મુખ્યત્વે પ્રભાગના રસ્તા અને રિપેરીંગ, સ્વચ્છતા અને સાર્વજનિક પ્રસાધનગૃહના બાંધકામ, ઉદ્યાનોનું સુશોભીકરણ અને દેખભાળ અને બીજા જરૂરી નાગરી કામનો સમાવેશ છે. જો કે છેલ્લા 12 વર્ષમાં મોંઘવારીમાં થયેલો મોટો વધારો, બાંધકામ સામગ્રીની કિંમતમાં થયેલો વધારો અને મજૂરીના ખર્ચમાં થયેલા વધારાના કારણે અત્યારે મળતું 60 લાખ રૂપિયાનું ભંડોળ ઓછું પડતું હતું. તેથી પ્રભાગના કામ પર અસર થતી હોવાથી હવે આ ભંડોળ એક કરોડ રૂપિયા કરવાની આગ્રહી માગણી નગરસેવિકાએ કરી હતી.
મહાપાલિકા સભાગૃહે એક કરોડ રૂપિયાના ભંડોળના ઠરાવને મંજૂરી આપ્યા પછી બોલ હવે મહાપાલિકા કમિશનરની કોર્ટમાં છે. કમિશનર અશ્વિની ભીડે એના પર હકારાત્મક સહી કરશે તો મુંબઈના તમામ નગરસેવકોને એક કરોડ રૂપિયાનું ભંડોળ મળવાનો માર્ગ ખુલશે. જો પ્રશાસકીય સ્તરે કેટલીક અડચણ હશે તો રાજ્ય સરકારનું નગરવિકાસ ખાતુ એના પર અંતિમ મંજૂરીનો સિક્કો મારશે. આ નિર્ણયના લીધે મુંબઈના વિવિધ પ્રભાગના વિકાસકામોને ઘણી ઝડપ મળે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

