મુલુન્ડ વિસ્તારમાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. નોકરી પૂરવા પાડી આપવાના બહાને અને પૈસાની લાલચ આપીને ૨૧ વર્ષીય યુવતી પાસે શારીરિક સંબંધો બાંધવાની માંગણી કરનારા એક વેપારી વિરુદ્ધ મુલુન્ડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેની અટકાયત કરી છે.
શું છે સમગ્ર મામલો?
મુલુન્ડ (વેસ્ટ) ના ડમ્પિંગ રોડ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય પીડિત યુવતીએ મુલુન્ડના ડો. આર.પી. રોડ પર ઓફિસ ધરાવતા ગુજરાતી વેપારી સામે ફરિયાદ નોંધાવી છે. યુવતી અગાઉ જવાહર ટોકિઝ પાસે આવેલી કંપનીમાં નોકરી કરતી હતી. જોકે, કામ ન હોવાનું બહાનું બતાવીને વેપારીએ એક મહિના અગાઉ તેને નોકરીમાંથી છૂટી કરી દીધી હતી. પરંતુ, તેણે યુવતીને આશ્વાસન આપ્યું હતું કે તે રવિવારના દિવસે તેને એકાઉન્ટ્સના કામ માટે ફરીથી બોલાવશે.

ઓફિસમાં બોલાવીને પૈસાની લાલચ આપી
આશ્વાસન મુજબ વેપારીએ યુવતીને ૧૩ સપ્ટેમ્બરના રોજ કામ માટે ઓફિસમાં બોલાવી હતી. યુવતી જ્યારે ઓફિસ પહોંચી અને કમ્પ્યુટર પર કામ કરવા બેઠી, ત્યારે ટેબલ પર ૫૦૦ રૂપિયાની ઘણી બધી નોટો પડેલી હતી. યુવતીએ જ્યારે આ અંગે પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે આ બધા પૈસા તેના માટે જ છે. ત્યારબાદ યુવતીએ જણાવ્યું કે તે અન્ય જગ્યાએ પણ ઈન્ટરવ્યુ આપી રહી છે.
અશ્લીલ માંગણી અને ધમકી
યુવતીના આક્ષેપ મુજબ, આ સાંભળીને વેપારી તેની નજીક આવ્યો હતો અને કહ્યું હતું કે, “મને એવી જ છોકરી જોઈએ છે જે ઓફિસના કામની સાથે સાથે મારું પર્સનલ ધ્યાન રાખે .” યુવતીએ જ્યારે આ વાતનો સખત વિરોધ કર્યો, ત્યારે વેપારીએ તેને પૈસાની લાલચ આપીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.
યુવતી તાત્કાલિક ઓફિસ છોડીને બહાર નીકળી ગઈ હતી. પરંતુ વેપારી તેની પાછળ આવ્યો હતો અને તેને તેના કામના ૫૦૦ રુપિયા આપવાની કોશિશ કરીને કહયું હતું કે, “તમે ગમે ત્યાં જશો તમારી સાથે આવું જ થશે, તમને ક્યાંય સારી નોકરી નહીં મળે.”

પોલીસે કરી અટકાયત
આ ઘટનાથી ગભરાયેલી યુવતીએ હિંમત દાખવીને સીધા મુલુન્ડ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને વેપારી સામે છેડતી અને સતામણીની ફરિયાદ નોંધાવી હતી. યુવતીના ગંભીર આરોપોના આધારે પોલીસે તાત્કાલિક પગલાં ભરીને વેપારીની અટકાયત કરી છે અને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

