તાજેતરમાં રવિવારના રોજ થાણેના જાણીતા રાહેજા ગાર્ડન કૉમ્પ્લેક્સમાં સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટનાએ થાણે મહાનગરપાલિકાની આપત્તિ વ્યવસ્થાપનની પોલ ખોલી નાખી છે. કાર્લાઇલ બિલ્ડિંગમાં ફાટી નીકળેલી આ આગ પર કાબૂ મેળવવા માટે થાણે ફાયરબ્રિગેડ અસમર્થ સાબિત થઈ હતી અને અંતે મુંબઈ ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. આ ઘટના પાછળ જવાનોની કોઈ કચાશ કે બેદરકારી નહીં, પરંતુ થાણે ફાયરબ્રિગેડમાં પ્રવર્તતી સ્ટાફની વિકરાળ અછત મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
જરૂરિયાત સામે ૭૯ ટકા જગ્યાઓ ખાલી!
સામસામે આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, થાણે ફાયરબ્રિગેડમાં હાલ જરૂરિયાત કરતાં આશ્ચર્યજનક રીતે ૭૯ ટકા સ્ટાફ ઓછો છે. ફાયર વિભાગમાં કુલ ૬૬૧ જેટલી મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી પડી છે, જેને કારણે કોઈપણ મોટી કટોકટી કે ઇમર્જન્સી પરિસ્થિતિમાં થાણે ફાયરબ્રિગેડની સજ્જતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આગ લાગવી, બિલ્ડિંગ ધરાશાયી થવી કે અન્ય કોઈ માનવસર્જિત કે કુદરતી આફતોમાં જ્યારે નાગરિકોના જીવ જોખમમાં હોય, ત્યારે આટલી ઓછી ટીમ સાથે કેવી રીતે પહોંચી વળાશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.

૨૫ લાખની વસ્તી સામે માત્ર ૧૭૪ જવાનો કાર્યરત
મળતી માહિતી મુજબ, હાલ થાણે શહેરની કુલ લોકસંખ્યા અંદાજે ૨૫ લાખ જેટલી છે. આ વિશાળ વસ્તી અને સતત વિકસતા શહેરીકરણની સામે થાણે ફાયરબ્રિગેડમાં માત્ર ૧૭૪ અધિકારીઓ અને જવાનો જ ફરજ બજાવી રહ્યા છે. થાણે શહેરમાં કુલ ૧૪ ફાયર-સ્ટેશન (અગ્નિશામક કેન્દ્રો) આવેલા છે, પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે દરેક સ્ટેશન પર ગણતરીના જ કર્મચારીઓ હાજર રહે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટાફની આ અત્યંત ન્યૂનસંખ્યા સીધી જ બચાવ અને રાહત કાર્ય (Rescue Operations) ની ગુણવત્તા અને ઝડપ પર અસર કરે છે. રાહેજા ગાર્ડનની ઘટનાએ તંત્રને જગાડી દીધું છે કે જો વહેલી તકે ફાયર વિભાગમાં ખાલી પડેલી સેંકડો જગ્યાઓ પર ભરતી કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સમયે ભારે માનવુસહાર સર્જાઈ શકે છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


