તહેવારોના દિવસોમાં પરિવાર સાથે મળીને આનંદથી ભોજન માણવાનો ઉત્સાહ ક્યારેક ગંભીર બેદરકારીને કારણે ભય અને આઘાતમાં ફેરવાઈ જતો હોય છે, જેનો કડવો અનુભવ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહેતા એક પરિવારને થયો છે. ભાઈબીજના પવિત્ર તહેવાર પર સ્વિગી (Swiggy) મારફતે મગાવવામાં આવેલા ભોજનની ગ્રેવીમાંથી મરેલો ઉંદર મળી આવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર મામલે પંતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) સમક્ષ પણ કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
આ સંદર્ભે પરાગ આશરે ગુર્જરભૂમિ ન્યુઝ પેપર સાથે વાત કરતા જણાવ્યું હતું કે બુધવાર, ૧૧ નવેમ્બરના રોજ ભાઈબીજ નિમિત્તે ઘાટકોપર (પૂર્વ) ખાતે રહેતા જિગર પડછેના ઘરે પરિવારના તમામ સભ્યો એકત્રિત થયા હતા. સાંજે આશરે ૬:૩૦ થી ૬:૪૦ વાગ્યાની વચ્ચે પરિવાર દ્વારા ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ‘સ્વિગી’ની મદદથી ચાર અલગ-અલગ રેસ્ટોરાંમાંથી ભોજનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
આ ઓર્ડરમાં ઘાટકોપર (પૂર્વ) સ્થિત પ્રખ્યાત ‘બિગ ફેટ મંક’ રેસ્ટોરાંમાંથી ત્રણ ગ્રીન થાઈ કરી રાઈસ, બે ઓરિયેન્ટલ પૉટ રાઈસ અને એક સૂપ મગાવવામાં આવ્યા હતા. આ તમામ પાર્સલ સાંજે ૭:૩૦ થી ૮:૧૫ વાગ્યાની વચ્ચે ઘરે પહોંચ્યા હતા.

ગ્રેવીમાંથી ઉંદર નીકળતા મચી અફરાતફરી
પરિવારના તમામ સભ્યો રાત્રે અંદાજે ૮:૪૫ વાગ્યે સાથે બેસીને જમવા બેઠા હતા. પ્રથમ પોર્શનનું ભોજન પૂરું થયા બાદ, જ્યારે બીજા પોર્શન માટે ગ્રેવી અને શાકભાજી પીરસવામાં આવી રહી હતી, ત્યારે ફૂડ બૉક્સમાંથી એક શંકાસ્પદ વસ્તુ બહાર આવી. શરૂઆતમાં પરિવારે તેને મોટું મરચું કે અન્ય કોઈ મસાલો સમજીને નજરઅંદાજ કરી દીધી હતી. પરંતુ, જ્યારે તેને નજીકથી જોવામાં આવ્યું ત્યારે હોશ ઉડી ગયા — તે બીજું કોઈ નહીં, પણ એક મરેલો ઉંદર હતો!
આ ભયાનક દૃશ્ય જોઈને પરિવારમાં હડકંપ મચી ગયો હતો. ઘરમાં નાના બાળકો પણ હાજર હોવાથી સૌકોઈ ડાઈિંગ ટેબલ પરથી ઊભા થઈ ગયા હતા. દૂષિત ખોરાક અજાણતા ખવાઈ ગયો હોવાની આશંકાથી કેટલાક સભ્યોને ઉલ્ટીઓ પણ થવા લાગી હતી. પરિવારે તાત્કાલિક સંબંધિત રેસ્ટોરાંનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રેસ્ટોરાં તરફથી કોઈ જ સંતોષકારક કે જવાબદાર પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો.
તહેવારની ઉજવણી છોડીને રાત્રે પોલીસ સ્ટેશન દોડવું પડ્યું
તહેવારનો આનંદ પળભરમાં ચિંતામાં બદલાઈ જતાં જિગર પડછે અને તેમનો પરિવાર તાત્કાલિક ઘાટકોપરના પંતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
શરૂઆતમાં પોલીસે આ મામલો ફૂડ સેફ્ટી (FDA)ના ક્ષેત્રમાં આવતો હોવાનું જણાવીને બીજા દિવસે બાંદ્રા સ્થિત ઓફિસે ફરિયાદ કરવાની સલાહ આપી હતી. જોકે, પરિવારની ગંભીર સ્થિતિ અને રજૂઆતને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને મોડેથી રાત્રે પોલીસ ફરિયાદ નોંધી હતી. આ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં પરિવારને રાતના અંદાજે ૨:૩૦ વાગી ગયા હતા.
FDAમાં લેખિત ફરિયાદ અને પોલીસ કાર્યવાહી
આ ઘટના અંગે પંતનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર લતા સુતારે માહિતી આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી જિગર પડછેની ફરિયાદના આધારે પોલીસે સંબંધિત ‘બિગ ફેટ મંક’ રેસ્ટોરાં અને ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.

બીજી બાજુ, જિગર પડછે દ્વારા ૧૧ નવેમ્બરની રાત્રે ૧૧:૫૪ વાગ્યે જ મહારાષ્ટ્ર FDAના અધિકૃત અધિકારીને ઈ-મેઇલ મોકલીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ સાથે FDAના ઓનલાઈન પોર્ટલ પર પણ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં રેસ્ટોરાં દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ તાત્કાલિક ધોરણે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાની સઘન તપાસ કરી કડક દંડાત્મક પગલાં લેવાની જોરદાર માંગ કરવામાં આવી છે. મુંબઈની આ ઘટનાએ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા લાખો નાગરિકોમાં હાઈજેનિક ફૂડ અને રેસ્ટોરાંની સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


