બોમ્બે હાઈકોર્ટે ઘાટકોપર હિટ-એન્ડ-રન કેસના મુખ્ય આરોપીના જામીન રદ્દ કરવાના સેશન્સ કોર્ટના નિર્ણયને બહાલ રાખ્યો છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સખત ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, આરોપી તેના વાલીઓના નિયંત્રણમાં નહોતો પરંતુ “બિગડેલા અને ધનિક” છોકરાઓની સંગતમાં રહીને વાહનો પર ખતરનાક સ્ટંટ કરીને તેના વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હતો. સમાજમાં આવી પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે આરોપીને સુધારગૃહ (Reformative Home) માં રાખવો જરૂરી છે.
જસ્ટિસ શિવકુમાર ડીગેની સિંગલ બેંચે નોંધ્યું કે આ ઘટના ચાલુ વર્ષે 5 ફેબ્રુઆરીના રોજ બની હતી, ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર (CCL) ઉત્તમ ભૂષણ ઉર્ફે ઉત્તમ પટેલની ઉંમર 17 વર્ષ અને 8 મહિના હતી, જે લગભગ 18 વર્ષ જેટલી જ ગણાય.

અકસ્માતમાં એકનું મોત, મહિલા સંપૂર્ણ પેરાલાઈઝડ આરોપી લાયસન્સ વગર બેદરકારીપૂર્વક SUV કાર ચલાવી રહ્યો હતો અને તેણે ધ્રુમિલ પ્રેમજી પટેલની સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી. સારવાર દરમિયાન ધ્રુમિલનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની મીનલ પટેલ સંપૂર્ણપણે પેરાલાઈઝડ થઈ ગઈ હતી. ઘટના બાદ આરોપીના પરિવારે પીડિત પરિવારને પૈસા આપીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.
માતા-પિતાનું કોઈ નિયંત્રણ નહોતું કોર્ટે અવલોકન કર્યું કે આરોપીને સગીર વયે કાર અને બાઇક પર ખતરનાક સ્ટંટ કરવાની અને તેની બડાઈ હાંકવાની ટેવ હતી. તેના માતા-પિતા આ વાત જાણતા હોવા છતાં તેમણે તેને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો.
ઇન્સ્ટાગ્રામ પેજ અને સ્ટંટના વિડિયો હાઈકોર્ટે નોંધ્યું કે આરોપી “ryankelafdebaaz” નામના સાર્વજનિક ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાના સ્ટંટના વિડિયો શેર કરતો હતો.

- ખતરનાક સ્ટંટ: એક વિડિયોમાં આરોપી કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેનો મિત્ર બોનેટ પર સૂતો હતો અને અન્ય મિત્રો સીટબેલ્ટ વગર કારની બહાર લટકી રહ્યા હતા.
- હેલ્મેટ વગર ટ્રિપલ સવારી: અન્ય એક વિડિયોમાં તે હેલ્મેટ વગર સ્કૂટર પર બે મિત્રોને પાછળ બેસાડીને ‘વ્હીલી’ (Wheelie) કરતો જોવા મળ્યો હતો.
- પુરાવાનો નાશ: જામીન મળ્યા બાદ આ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી વિડિયો ડિલીટ કરી દેવાયા હતા, જે પુરાવાનો નાશ કરવા સમાન છે. આ અંગે તેના મિત્ર સામે પણ ગુનો નોંધાયો છે.
જામીન રદ્દ કરવાનું મુખ્ય કારણ જામીન મળ્યા બાદ આરોપી અને તેનો પરિવાર કોર્ટ અને પ્રાસિક્યુશનને આપે સરનામે (કોપરખૈરણે, નવી મુંબઈ) રહેતા નહોતા, જે દર્શાવે છે કે તેમને કાયદા પ્રત્યે કોઈ આદર નથી.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે વાલીઓના નિયંત્રણના અભાવે આરોપી ફરીથી આવી પ્રવૃત્તિઓ કરી શકે છે, જેનાથી સમાજ અને સામાન્ય જનતાના જીવને મોટો ખતરો ઊભો થઈ શકે છે. તેથી, તેને સુધારગૃહમાં મોકલવાનો સેશન્સ કોર્ટનો નિર્ણય યોગ્ય છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

