મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ગણપતિ વિસર્જન સરઘસ દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. રાત્રે 10 વાગ્યા પછી પણ મોટેથી વાગતા ઢોલ-તાશા અને ડીજેના અવાજ સામે વિરોધ નોંધાવનાર એક સ્થાનિક રહીશ પર ટોળાએ હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ હુમલામાં યુવકનું નાક ફેક્ચર થઈ ગયું છે અને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી છે.
શું છે સમગ્ર ઘટના? પીડિત અદ્વૈત મડકઈકરે જણાવ્યા અનુસાર, આ ઘટના બે દિવસ પહેલા બની હતી. રાત્રે 10 વાગ્યાનો સમય વિતી ગયો હોવા છતાં વિસર્જન સરઘસમાં જોરશોરથી ઢોલ-તાશા વાગી રહ્યા હતા. નિયમભંગ થતો જોઈને મડકઈકરે સૌપ્રથમ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પરિસ્થિતિ જોવા માટે તેઓ ઘરની બહાર આવ્યા હતા.

ફોટો પાડવા બાબતે થયો વિવાદ અદ્વૈતે સરઘસનો પીછો કર્યો અને પોતાના ફોનમાંથી પરિસ્થિતિના કેટલાક ફોટોગ્રાફ્સ લીધા હતા, જેમાં સરઘસમાં સામેલ એક કાર અને તેના ડ્રાઈવરનો ફોટો પણ આવી ગયો હતો. આ જોઈને કારમાં બેઠેલી વ્યક્તિ ગુસ્સે થઈ ગઈ હતી અને અદ્વૈત પાસે આવીને તુરંત ફોટો ડિલીટ કરવાની માંગણી કરી હતી.
4 થી 5 લોકોના ટોળાએ કર્યો હુમલો અદ્વૈતે સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોઈ અયોગ્ય કે વાંધાજનક ફોટો લીધો નથી. છતાં પણ તે વ્યક્તિ પોતાની કારમાંથી બહાર આવી હતી અને તેની સાથેના અન્ય 4 થી 5 લોકોએ અદ્વૈતને ઘેરી લીધો હતો. જોતજોતામાં આ લોકોએ અદ્વૈત પર હુમલો કરી દીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો.
પોલીસ ફરિયાદ અને અપીલ આ હુમલામાં અદ્વૈતને નાકના ભાગે ફેક્ચર થયું છે તથા ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે. ઘટના બાદ તેમણે પોલીસ સ્ટેશન પહોંચીને આરોપીઓ સામે એફઆઈઆર (FIR) નોંધાવી છે. અદ્વૈતે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, “તહેવારો અને ઉત્સવની આડમાં લોકો પર દાદાગીરી કરવી કે અન્ય લોકોને ડરાવવા-ધમકાવવા યોગ્ય નથી.” પોલીસ હાલ આ મામલે આગળની કાનૂની તપાસ ચલાવી રહી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

