રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં ચાર મુમુક્ષુ આત્માઓ સંયમના માર્ગે પ્રયાણ કરશે
મુમુક્ષુ શ્રી જાનવી શાહ, શ્રી યશવી મહેતા, શ્રી તન્મયા રાજપૂત અને શ્રી અરુણાબેન હળવદિયા સંસારનો ત્યાગ કરી પ્રભુના પંથે ડગ માંડશે
સંસારની મોહમાયા, ભૌતિક સુખ-સગવડો અને દુનિયાદારીના બંધનોને હસતા મુખે છોડીને આત્માના કલ્યાણના માર્ગે ચાલવું એ સાચા વૈરાગ્ય, અડગ નિશ્ચય અને આંતરિક શક્તિની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. સંયમ, તપ, ત્યાગ અને સાધનાને જીવનનું મુખ્ય ધ્યેય બનાવી આત્માની શુદ્ધિ અને મુક્તિના પંથે આગળ વધવાનો આવો જ એક અનોખો અને અલૌકિક અવસર આગામી ૨૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મુંબઈના પ્રતિષ્ઠિત જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનારા ભવ્ય જૈન દીક્ષા મહોત્સવમાં સાકાર થવા જઈ રહ્યો છે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં રવિવારે સવારે ૮ વાગ્યે યોજાનારા આ મહોત્સવમાં ચાર ભાગ્યશાળી મુમુક્ષુ આત્માઓ મુમુક્ષુ શ્રી જાનવી શાહ, મુમુક્ષુ શ્રી યશવી મહેતા, મુમુક્ષુ શ્રી તન્મયા રાજપૂત અને મુમુક્ષુ શ્રી અરુણાબેન હળવદિયા સાંસારિક જીવનનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરીને સંયમમય જીવનની મંગલ શરૂઆત કરશે.

આ દીક્ષા મહોત્સવના અવસરે ‘વૈરાગ્ય કી મહાગાથા’ નામની એક અલૌકિક અને હૃદયસ્પર્શી નાટ્યપ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવશે. બે ભાઈઓની જીવનયાત્રા પર આધારિત આ પ્રસ્તુતિમાં વૈરાગ્ય, સંસાર પ્રત્યેનો મોહ, માતા-પિતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ અને આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાનો સંઘર્ષ જેવા સંવેદનશીલ પાસાંઓને સુંદર રીતે રજૂ કરવામાં આવશે. ‘તારા પુત્રો તારા નહીં રહે…!’ જેવા ભાવસભર વિચાર સાથે આ નાટ્યપ્રસ્તુતિ માતા-પિતાના સ્નેહ અને સંતાનોના આધ્યાત્મિક નિર્ણય વચ્ચેની લાગણીઓને સ્પર્શશે.
આધ્યાત્મિક સાધના સાથે માનવસેવા અને જીવદયાની ભાવનાને પણ આ મહોત્સવમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ‘નમ્ર સહાય’ યોજના અંતર્ગત મહારાષ્ટ્રનાં ૫૬ દુષ્કાળગ્રસ્ત ગામોમાં વિશેષ સેવાકાર્ય હાથ ધરવામાં આવશે. આ સેવાયજ્ઞમાં પીવાના પાણી માટે ટેન્કરની સેવા, જરૂરિયાતમંદોને વસ્ત્ર સહાય, દવાઓની વ્યવસ્થા, અન્ન કિટનું વિતરણ, ગૌમાતાઓ માટે ઘાસચારા તથા પશુ-પક્ષીઓ માટે પાણી અને ભોજનની વ્યવસ્થા જેવા વિવિધ સેવાકાર્યોનો સમાવેશ થાય છે. આધ્યાત્મિકતા સાથે સમાજસેવા, કરુણા અને જીવદયાને જોડવાનો આ પ્રયાસ મહોત્સવની વિશેષતા બની રહેશે.
આ મહોત્સવનો એક અન્ય મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગ જૈન ધર્મના જ્ઞાનભંડાર સમાન ૫૬ ગ્રંથોનું ભવ્ય લોકાર્પણ થશે. તેમાં ૩૨ આગમના ૩૫ ગ્રંથો, જૈન વિશ્વકોશના ૧૦ ગ્રંથો, જૈન ડિક્શનરીના ૮ ગ્રંથો અને ૩ જ્ઞાન ગ્રંથોનો સમાવેશ થાય છે. આ વિશાળ જ્ઞાનસંપદાનું લોકાર્પણ જૈન ધર્મના પ્રાચીન જ્ઞાન, દર્શન અને સાહિત્યને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ યોગદાન પૂરું પાડશે.
આ ભવ્ય જૈન દીક્ષા મહોત્સવમાં જાણીતા ભક્તિગાયિકા શ્રી મૈથિલી ઠાકુરની વિશેષ સંગીતમય પ્રસ્તુતિ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આ ભક્તિવંત ગાયિકાના સ્વરો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઊર્જાથી ગુંજી ઊઠશે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના દિવ્ય સાંનિધ્યમાં યોજાનારો આ સમગ્ર મહોત્સવ ચાર આત્માઓના સંયમજીવનના પ્રારંભની સાથે ધર્મ, જ્ઞાન, ભક્તિ, જીવદયા અને માનવસેવાનો અદ્વિતીય સંગમ બની રહેશે. ચારેય મુમુક્ષુઓના ત્યાગ, વૈરાગ્ય અને સંયમના સંકલ્પની ભાવપૂર્વક અનુમોદના કરવા સમગ્ર ધર્મપ્રેમી જનતાને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધ : દીક્ષા મહોત્સવમાં પ્રવેશ મેળવવા માટે પાસ અનિવાર્ય રહેશે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


