મંત્રોચ્ચાર જ્યારે હૃદયના ઉત્કૃષ્ટ અહોભાવ અને નાભિના નાદથી પ્રગટે ત્યારે મંત્ર સિદ્ધિ અપાવી શકે છે. – નમ્રમુનિ
મુંબઈ, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના દિવ્ય સાંનિધ્યમાં રવિવારે ઘાટકોપર ખાતે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર જપ સાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગુરુદેવે ભગવાન પાર્શ્વનાથની સ્તુતિરૂપ ‘શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર’ના રહસ્યોને તેમની આગવી રસાળ શૈલીમાં સમજાવ્યા હતા.
પરમ ગુરુદેવે આચાર્ય ભદ્રબાહુ સ્વામી દ્વારા ‘મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર’ની રચના થઈ હોવાની કથા કહી હતી. તે સાથે જ, સમ્યક મંત્રોચ્ચારની વિધિ સમજાવતા ગુરુદેવે *હંસ ગતિ, સિંહનાદ, હસ્તી ગતિ અને સર્પ ગતિ* દ્વારા લયબદ્ધ તથા આરોહ-અવરોહ સાથે મંત્રોચ્ચાર કરવાની પદ્ધતિ સમજાવી હતી.

આ અવસરે જીવન ઉપયોગી અનેક સુંદર સૂત્રો આપતાં ગુરુદેવે જણાવ્યું હતું કે, “સફળતાનો યશ પ્રભુ અને ગુરુને અર્પણ કરવો જોઈએ. કારણ કે જે યશને અર્પણ કરે છે તેને ક્યારેય અપયશ મળતો નથી.” ગુરુ-શિષ્ય સંબંધની મહત્તા સમજાવતા ગુરુદેવે કહ્યું કે, “વ્યક્તિનો વિનય તેને સર્વ ક્ષેત્રે સફળતા અપાવે છે. જ્યારે શિષ્ય ગુરુની આજ્ઞાનો વાહક બની જાય છે ત્યારે ગુરુ પણ તેના ચાહક બની જાય છે.” કોઈપણ શબ્દોનો માત્ર અર્થ નહીં, પરંતુ તેનો ગૂઢાર્થ અને રહસ્ય સમજવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે, “કિનારે ફક્ત છીપલા કે કોડી મળે છે, જ્યારે સાગરના ઊંડાણમાં રત્નો મળે છે.”
આ અવસરે મહાસતીજીઓ દ્વારા પાડોશી સાથેના સૌજન્યનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. જ્યારે ગુરુદેવે પાડોશી સાથે સદ્ભાવના અને માનવતાભર્યો વ્યવહાર જાળવવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન પરમ ગુરુદેવના 56th જન્મોત્સવ અંતર્ગત 26th – 27th સપ્ટેમ્બરના યોજાનારા ‘માનવતા મહોત્સવ’ની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી. જેમાં 20થી 26 સપ્ટેમ્બર સુધીમાં ભાવિકો 56 કલાકની મૌન સાધના અર્પણ કરશે તે ઉપરાંત રિક્ષાચાલકો, શાકભાજી વેચનારાઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા ઘરમાં સેવા આપતા ગૃહસેવકોના સન્માન જેવા માનવતાભર્યા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. સાથે 29th નવેમ્બર,2026ના યોજાનારા દીક્ષા મહોત્સવની પણ માહિતી આપવામાં આવી હતી.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

