મુંબઈના મુલુન્ડ (વેસ્ટ) વિસ્તારમાંથી મોબાઈલ ટાવરના મોંઘાદાટ સાધનોની ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો છે. અમરનગર દરગાહ રોડ પર આવેલા એક મકાન પર લગાવવામાં આવેલા એરટેલ કંપનીના નેટવર્ક ટાવરમાંથી અજાણ્યા ચોરે આશરે રૂ. ૬૦ હજારની કિંમતનો સામાન ચોરી લીધો હતો. આ અંગે રમેશ ઝાએ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી છે.
સર્વર બંધ થતાં ચોરીનો પર્દાફાશ થયો
મળતી માહિતી મુજબ, ૧૪ ઓક્ટોબરના રોજ એરટેલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટીમ કોર્ડિનેટર રમેશ ઝાને જાણ કરવામાં આવી હતી કે અમરનગર દરગાહ રોડ પર આવેલા ટાવરનું સર્વર મધ્યરાત્રિએ ૧૨ વાગ્યાથી અચાનક બંધ થઈ ગયું છે. નેટવર્ક ખોરવાઈ જતાં રમેશ ઝાએ તાત્કાલિક એક ટેક્નિશિયનને સ્થળ પર તપાસ માટે મોકલ્યો હતો. ટેક્નિશિયને ત્યાં જઈને ચકાસણી કરતાં ટાવરની અંદરથી મહત્વના અને કિંમતી સાધનો ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.

મનપાની ડિમોલિશન કામગીરી બાદ ઘર ખાલી હતું
વધુ તપાસમાં સામે આવ્યું છે કે, મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા ૮ ઓક્ટોબરથી વિસ્તારમાં અનધિકૃત ઝૂંપડપટ્ટીઓ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના કારણે જે મકાન (‘ઝા હાઉસ’) પર ટાવર ઊભો કરવામાં આવ્યો હતો તેના માલિક પોતાનો સામાન લઈને અન્ય જગ્યાએ રહેવા શિફ્ટ થઈ ગયા હતા.
મકાન ખાલી હોવાથી અને ટાવરની દેખરેખ રાખવા માટે કોઈ હાજર ન હોવાનો ગેરલાભ અજાણ્યા ચોરોએ ઉઠાવ્યો હતો. ચોરે તક જોઈને ટાવરમાંથી આશરે ૬૦ હજાર રૂપિયાની કિંમતની સામગ્રી પર હાથસાફ કરી દીધો હતો.
પોલીસે ગુનો નોંધી ચોરની શોધખોળ હાથ ધરી
આ ઘટના અંગે રમેશ ઝાની અર્જીના આધારે મુલુન્ડ પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચકાસી રહી છે અને અજાણ્યા ચોર સરનામા સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



