મુલુન્ડ (વેસ્ટ)ના તાંબેનગર વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય ગુજરાતી વ્યાપારી મહેન્દ્ર શાહ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ ‘ઝેપ્ટો’ (Zepto) પરથી ડેટોલની બોટલનો ઓર્ડર કરવો તેમને ભારે પડ્યો છે. સાયબર ગઠિયાઓએ ડિલિવરી બોય હોવાનું નાટક કરીને APK ફાઈલ ડાઉનલોડ કરાવી અને તેમના બેંક ખાતામાંથી ₹૫૪,૦૦૦ ઉપાડી લીધા હતા. આ મામલે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ૧૧ ઓક્ટોબરના રોજ મહેન્દ્રભાઈના પત્નીએ જાણીતી ક્વિક-કોમર્સ એપ ‘ઝેપ્ટો’ પર ઘર વપરાશ માટે ડેટોલની બોટલનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડર કર્યા થોડા સમય બાદ તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો, જે ડિલિવરી બોયના નામે કરવામાં આવ્યો હતો. આ ફોન મહેન્દ્રભાઈએ ઉપાડ્યો હતો.

ફોન કરનાર ઠગે પૂછ્યું કે, “શું તમે ઓનલાઈન પાર્સલ ઓર્ડર કર્યું છે?” જેના જવાબમાં મહેન્દ્રભાઈએ હા પાડી હતી. આ વાતચીત દરમિયાન ઠગે વિશ્વાસમાં લઈને મહેન્દ્રભાઈના મોબાઈલ પર એક APK ફાઈલ મોકલી હતી અને તેમાં વિગતો ભરવા જણાવ્યું હતું. ભોળાભાવે મહેન્દ્રભાઈએ તે ફાઈલ ખોલીને તેમાં જરુરી માહિતી ભરીને પાછી મોકલી આપી હતી.
બેંક ખાતામાંથી રૂપિયા સફાચટ અને પોલીસ ફરિયાદ
આ ઘટના બાદ, ૧૭ ઓક્ટોબરના રોજ જ્યારે મહેન્દ્રભાઈએ પોતાનો મોબાઈલ અને બેંક સ્ટેટસ તપાસ્યું, ત્યારે તેમને મોટો આશ્ચર્યનો ઝટકો લાગ્યો હતો. તેમના બેંક ખાતામાંથી અજાણ્યા શખ્સો દ્વારા કુલ ₹૫૪,૦૦૦ની રકમ ગાયબ કરી દેવામાં આવી હતી.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ મહેન્દ્રભાઈએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આ સાયબર ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


