તહેવારોના માહોલ વચ્ચે મુંબઈના ઘાટકોપર પૂર્વ વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. માત્ર “સામે કેમ જોયું?” જેવી સામાન્ય અને નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં સ્થાનિક ગણેશોત્સવ મંડળના ૩૫ વર્ષીય પ્રમુખની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. પંત નગર પોલીસે આ સનસનાટીભર્યા મર્ડર કેસમાં મુખ્ય આરોપી સહિત કુલ સાત લોકોની ધરપકડ કરી છે.
મૃતક ‘સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબ’ના પ્રમુખ હતા
મૃતકની ઓળખ રાજેશ રાજેન્દ્રન દેવેન્દર (ઉંમર ૩૫ વર્ષ) તરીકે થઈ છે, જેઓ એક પ્રાઈવેટ લેબોરેટરીમાં કામ કરતા હતા અને ઘાટકોપર પૂર્વના કામરાજ નગર સ્થિત ‘સેવન સ્ટાર સ્પોર્ટ્સ ક્લબ ગણપતિ મંડળ’ના પ્રમુખ તરીકે સેવા આપતા હતા.
ઝઘડો છોડાવવા જતાં જીવ ગુમાવ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ૧૮ સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે ૯:૩૦ વાગ્યે મંડળના સ્થળ બહાર બની હતી. મુખ્ય આરોપી રૌનક બાલૂ સોનાવણે મંડળના ૧૮ વર્ષીય સ્વયંસેવક વિનય શર્મા પાસે ગયો હતો અને “તું મારી સામે ઘૂરીને કેમ જુએ છે?” તેમ કહીને તેની સાથે ઝઘડો કરી થપ્પડ મારી દીધી હતી.

મંડળના પ્રમુખ રાજેશ દેવેન્દરે વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો અને રૌનકને પૂછ્યું કે તે સ્વયંસેવક સાથે કેમ મારપીટ કરી રહ્યો છે. આ સાંભળીને ઉશ્કેરાયેલા રૌનકે તેના અન્ય છ મિત્રો (આકાશ સોનાવણે, અશ્વિન ઉનાવણે, શ્રેયસ શુક્લા, બબલૂ, અને સ્ટીફન સેગલ નાડાર ઉર્ફે અન્ના) ને બોલાવી ગેરકાયદે મંડળી બનાવી હતી અને રાજેશ પર હુમલો કરી દીધો હતો. રૌનકે રાજેશના છાતીના ડાબા ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દીધો હતો.
આ દરમિયાન રાજેશને બચાવવા વચ્ચે પડેલા આનંદ તિવારી નામના પ્રત્યક્ષદર્શી યુવકની કમરમાં પણ આરોપીઓએ છરી મારી દીધી હતી, જેથી તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પોલીસ કાર્યવાહી અને એફઆઈઆર
સ્થાનિક મંડળના કાર્યકરો બંને ઘાયલોને તાત્કાલિક નજીકની રાજાવાડી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડાક્ટરોએ રાજેશ દેવેન્દરને મૃત જાહેર કર્યા હતા. ઘાયલ આનંદ તિવારીની હાલ સારવાર ચાલી રહી છે.
મૃતકની ભાભી દીપ્તિ રાજુ પિલ્લાઈ (૩૫) ની ફરિયાદના આધારે પંત નગર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧) (હત્યા) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે મુખ્ય આરોપી રૌનક સોનાવણે સહિત તમામ ૭ આરોપીઓની ધરપકડ કરી કસ્ટડીમાં લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

