મુંબઈના કાંદિવલી પૂર્વમાં આવેલી ઠાકુર વિલેજ સોસાયટીમાં એક અત્યંત દુઃખદ અને આંચકાજનક બનાવ સામે આવ્યો છે. સમતાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ‘અલ્પિન ટાવર’ના 28મા માળે રહેતી 15 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. 1 નવેમ્બરની વહેલી સવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તાર અને પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
1 નવેમ્બરની મોડી રાત્રે બની ઘટના
પોલીસ કંટ્રોલ રૂમ અને ઓપરેટર પાસેથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, 1 નવેમ્બરના રોજ મોડી રાત્રે આશરે 1:53 વાગ્યે અલ્પિન ટાવરમાં સગીરાએ આત્મહત્યા કરી હોવાની જાણ સમતાનગર પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે 15 વર્ષીય કિશોરી ગળે ફાંસો લગાવેલી ગંભીર હાલતમાં મળી આવી હતી. પરિવારજનો અને સંબંધીઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને તાત્કાલિક સારવાર અર્થે કાંદિવલી પશ્ચિમમાં આવેલી શતાબ્દિ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા જ રાત્રે 2:22 વાગ્યે ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી.
પોલીસે એડીઆર (ADR) નોંધી તપાસ હાથ ધરી
આ દુઃખદ ઘટના બાદ પોલીસે સ્થળ પર પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. સમતાનગર પોલીસે આ મામલે પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુ (ADR – Accidental Death Report) નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
તપાસના ભાગરૂપે પોલીસે મૃતક કિશોરીના પિતા સહિત અન્ય પરિવારજનોના નિવેદનો નોંધ્યા હતા. પિતાએ પોતાના સરકારી નિવેદનમાં કોઈ પણ વ્યક્તિ સામે કે અન્ય કોઈ બાબતે શંકા વ્યક્ત કરી નથી.
પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા હતી હતાશ
મૃત્યુના ચોક્કસ કારણ અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક દીકરી ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં તેને અપેક્ષા મુજબ સારા માર્ક્સ આવ્યા ન હોવાથી તે છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે ખુબ જ હતાશ (ડિપ્રેશનમાં) રહેતી હતી.

પોલીસની પ્રાથમિક શંકા મુજબ પરીક્ષાના પરિણામ અને ભણતરના તણાવના કારણે જ તેણે આ અતિશય અવિચારી પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


