September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

કોરોના મહામારી દરમિયાન મોદી સરકારે બનાવેલી આર્થિક ટાસ્ક ફોર્સ હવે ક્યાં છે?

કોરોનો મહામારી દરમિયાન મોટાપાયે પ્રવાસી મજૂરોએ પલાયન કર્યું.

“કોવિડ સંકટ એટમ બૉમ્બના વિનાશ જેવું જ હતું. જાપાનના હિરોશીમા અને નાગાસાકીમાં લોકોને તેમાંથી બહાર નીકળવામાં કેટલાં બધાં વર્ષો લાગ્યાં હતાં? એવી જ રીતે કોવિડ સંકટ સમાપ્ત થયા પછી પણ મારા જેવા વેપારી હજુ પણ તેનાથી છુટકારો મેળવવામાં પ્રયત્નશીલ છે.”

આ વાક્યો 63 વર્ષના મોહન સુરેશના છે.

તેઓ ફેડરેશન ઑફ ઇન્ડિયન માઇક્રો ઍન્ડ સ્મૉલ ઍન્ડ મીડિયમ ઍન્ટરપ્રાઇઝિસ (એફઆઈએસએમઈ)ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ ફેડરેશનમાં 700 કરતાં વધારે એસોસિએશન જોડાયેલાં છે. સુરેશ મૅન્યુફેક્ચરિંગ ફર્મ ટેકનોસ્પાર્ક ચલાવે છે, જેનું મુખ્ય મથક બેંગલુરુમાં છે.

તેમની કંપનીના બ્રોશરના પ્રથમ પાના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એ તસવીર છે જેમાં તેઓ લંડનમાં 12મી સદીના સમાજસુધારક બસવેશ્વરની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે. આ પ્રતિમા તેમની કંપનીએ બનાવી હતી અને તેમનો દાવો છે કે તેઓ ભારતની નંબર વન ઇન્ડસ્ટ્રિયલ ગ્રેનાઇટ સિસ્ટમ મેન્યુફેક્ચરર છે.

પરંતુ આજે તેમની કંપનીના બૅન્ક ખાતામાં લેવડ-દેવડ કરવા પર પ્રતિબંધ છે. સુરેશ અનુસાર, બૅન્કે તેમના ખાતાને નૉન-પરફૉર્મિંગ અસેટ જાહેર કરી દીધું છે.

જ્યારે અમે તેમને તેમની ફેકટરીમાં મળ્યા ત્યારે તેમણે કહ્યું, “અમારી મુશ્કેલીઓ પર કોઈનું ધ્યાન નથી. લઘુ અને મધ્યમ કુટીર ઉદ્યોગધંધામાં લગભગ 30 ટકા એકમોની હાલત ખરાબ છે. ઘણા બંધ થઈ ગયા છે. હું વડા પ્રધાન અને નાણામંત્રીને વિનંતી કરું છું કે અમારા પર ધ્યાન આપવામાં આવે.” મોહન સુરેશની ફેકટરીની તસ્વીર

મુંબઈમાં અમે જ્યારે ઉદિતકુમાર (નામ બદલ્યું છે)ને મળ્યા ત્યારે રાત્રિના આઠ વાગી ગયા હતા. તઓ પોતાના કામથી ઘરે પાછા ફરી રહ્યા હતા. કોવિડ સંકટ પહેલાં ઉદિતકુમાર એક બાર અને રેસ્ટોરાંના માલિક હતા પણ હવે તેમની પાસે ફૂટપાથ પર નાનકડી જગ્યા છે, જ્યાં તેઓ ઑમલેટ વેચે છે. તેમણે જણાવ્યું, “મારી આ સ્થિતિ એટલા માટે છે કેમ કે, કોવિડ સંકટ દરમિયાન સામાન્ય લોકો અને વેપારીઓની મદદ માટે જે નીતિઓ બનાવવામાં આવી હતી તેને હકીકત સાથે કશી લેવાદેવા નહોતી. મારે ત્યાં 12 જણા કામ કરતા હતા. પરંતુ કોઈ બૅન્કે મને મદદ ન કરી. કેમ? મને કહેવામાં આવ્યું કે ભાડાની જગ્યામાં કામ કરું છું તેથી હું કોઈ પણ પ્રકારની મદદને પાત્ર નથી. મારે ઘણા મોઘા દરની લોન લેવી પડી પણ કોવિડ સંકટની બીજી લહેર પછી હું તેને પણ ચાલુ ન રાખી શક્યો.”

ફૅડરેશન ઑફ કર્ણાટક ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (કેએફસીસીઆઇ)ના અધ્યક્ષ રમેશચંદ્ર લોહાટી જણાવે છે કે કોવિડ સંકટ સમયે સરકારે સાથ આપ્યો પરંતુ “2022 પછી એવા પ્રયત્નો લગભગ બંધ થઈ ગયા, જોકે, હજુ પણ એકચતુર્થાંશ ફર્મ સંકટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે.”

સુરેશ, ઉદિત અને અન્યોની સ્થિતિ શી છે? ઉદિતકુમાર (નામ બદલ્યું છે)ની આમલેટની દુકાન

આખા દેશમાં લૉકડાઉનની જાહેરાત પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણામંત્રીના નેતૃત્વમાં કોવિડ-19 ઇકોનૉમિક રિસ્પૉન્સ ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાત 19 માર્ચ 2020એ કરવામાં આવી હતી.

તેમણે ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરતાં કહેલું, “આગામી દિવસોમાં આ ટાસ્ક ફોર્સ બધા ભાગીદારો સાથે નિયમિત વાતચીત અને ફીડબેકના આધારે બધી પરિસ્થિતિઓનું આકલન કરતાં રહીને નિર્ણયો લેશે, જેથી આર્થિક મુશ્કેલીઓ ઘટાડવાનાં બધાં પગલાં સફળતાપૂર્વક ભરી શકાય.”

ન્યૂઝ એજન્સીની પડતાલમાં એવા કોઈ પુરાવા હાથ નથી લાગ્યા જેમાં એવું સાબિત થાય કે આ ટાસ્ક ફોર્સે કશાં પગલાં ભર્યાં હોય, કે સરકારને સલાહ આપી હોય, કે કોઈ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો હોય. આ ટાસ્ક ફોર્સની રચના શા માટે કરવામાં આવી હતી તે વડા પ્રધાનના નિવેદનથી સ્પષ્ટ છે. આ ટાસ્ક ફોર્સની ગેરહાજરીમાં કોવિડ સંકટ સામે ભારતના પ્રયાસો અને તેના અત્યાર સુધી દેખાતા પ્રભાવો બાબતે નિષ્ણાતામાં મતમતાંતર જાવા મળે છે.

માહિતી અધિકાર, 2005 હેઠળ વડા પ્રધાન કાર્યાલય પાસેથી 2020થી લઈને 2023 સુધીની નિમ્ન લિખિત માહિતી માંગી :

  • ટાસ્ક ફોર્સની બેઠકોનું વિવરણ, આ બેઠકોની તારીખ અને તેમાં હાજર રહેલા લોકોનાં નામ
  • ટાસ્ક ફોર્સના સંદર્ભમાંની શરતો
  • ટાસ્ક ફોર્સ દ્વારા રજૂ કરાયેલો અંતિમ રિપોર્ટ
  • શું ટાસ્ક ફોર્સે સરકારને દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરવાની સલાહ આપી હતી?
  • લૉકડાઉન પહેલાં અને પછી, સરકારની નીતિઓ બાબતમાં ટાસ્ક ફોર્સની કઈ કઈ ભલામણો હતી?

આ પ્રશ્નો સાથેની અરજીઓને વડા પ્રધાન કાર્યાલયના નાણા મંત્રાલયને મોકલવામાં આવી હતી.

માહિતી અધિકાર સાથે સંકળાયેલા આંકડા દ્વારા જાણવા મળે છે કે આ અરજી નાણા સચિવ અને ખર્ચ સચિવ (ઍક્સ્પેન્ડિચર સેક્રેટરી) ડૉ. ટીવી સોમનાથન અને અન્ય મંત્રાલયોને મોકલવામાં આવી.

ત્યાર બાદ નાણા મંત્રાલય તરફથી અમને જવાબ મળ્યો કે તેમને ટાસ્ક ફોર્સ વિશે કશી માહિતી નથી.

ત્યાર બાદ અમે ફરીથી અરજીઓ કરી. એક અપીલના જવાબમાં નાણા મંત્રાલયે ફરીથી કહ્યું કે તમે જે માહિતી માગો છો તેના જવાબમાં અમારી પાસે કશી માહિતી નથી.

બીબીસીને ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત બાદ તેની સાથે સંબંધિત કેટલાક સંદર્ભોની માહિતી મળી છે. 24 માર્ચે નાણા મંત્રીએ કહ્યું, “ટાસ્ક ફોર્સ ઘણા સ્તરોએ પહેલાંથી જ કામ કરી રહ્યું છે. નાના નાના સમૂહોમાંથી અમને તેના ઇનપુટ્સ મળી રહ્યા છે. સંબંધિત વિભાગ સાથે દરેક ઇનપુટની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી રહી છે અને આર્થિક પૅકેજ પર કામ કરવામાં આવી રહ્યું છે.”

2021માં બીબીસીની એક પડતાલમાં અમે જોયેલું કે મહત્ત્વના ભાગીદારો એટલે કે, ભારતીય રિઝર્વ બૅન્ક, નાણામંત્રાલય, લઘુ અને મધ્યમ કુટીર ઉદ્યોગ વિભાગ, શ્રમ અને રોજગાર મંત્રાલય, અને નીતિ આયોગ સાથે કશાં સલાહ-સૂચન વગર આખા દેશમાં લૉકડાઉન લાગુ કરી દેવાયું હતું.

કોવિડ સંકટ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા નિર્ણયો કઈ રીતે લેવાતા હતા?

પ્રોફેસર આશિમા ગોયલ, 2020માં, વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદનાં સભ્ય હતાં. તેઓ જણાવે થે, “હું ટાસ્ક ફોર્સમાં નહોતી. તેથી હું તેના પર મારી પ્રતિક્રિયા ન આપી શકું. પરંતુ આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તરીકે અમે લોકોએ ઇ-મેલ અને સામસામી બેઠકોમાં પોતાના ઇનપુટ આપ્યા છે. નિયમિત ધોરણે અમારી બેઠકો થતી હતી. મારું માનવું છે કે શરૂઆતની પ્રતિક્રિયા બાદ સરકારને જ્યારે લાગ્યું કે કોવિડ સંકટ લાંબું ચાલશે ત્યારે સરકારે જુદા જુદા ઉદ્યોગસાહસિકો અને નિષ્ણાત સમૂહો સાથે વાતચીત શરૂ કરી દીધી અને તેમના વિચાર જાણવાનું શરૂ કર્યું. મને લાગે છે કે અમે લોકોએ જે નીતિઓ અપનાવી તે સંપૂર્ણપણે કારગર રહી.”

ભારતના પૂર્વ નાણામંત્રી અને કૉંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ત્યારે વડા પ્રધાન મોદીને અપીલ કરી હતી કે તેઓ પોતાના આર્થિક સલાહકારોને બરતરફ કરીને નવી ટીમ બનાવે.

તેમણે મને કહ્યું, “મને ખબર નથી કે જાહેરાત બાદ ટાસ્ક ફોર્સનું શું થયું. પરંતુ હું જોઈ શકું છે કે સરકાર આર્થિક મોરચે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેના ઉપાય કશા કામના નહોતા. સરકાર સંપૂર્ણ તૈયાર નહોતી.”

તેમણે દાવો કર્યો, “કોવિડ બાદ લઘુ અને મધ્યમ કુટીર ઉદ્યોગમાં હજારો ફર્મ બંધ થઈ ગઈ. તેનું સૌથી મોટું કારણ એ રહ્યું કે સરકાર તેમને પૈસા ન આપી શકી અને તેના લીધે મોટી સંખ્યામાં નોકરીઓ ગઈ.”

સરકારે માર્ચ 2022માં આ સેક્ટર સાથે સંકળાયેલી યોજનાઓની જાહેરાત કરતાં સ્વીકાર્યું હતું કે લઘુ અને મધ્યમ કુટીર ઉદ્યોગ ક્ષેત્રની નોકરીઓ જવા સંબંધિત આંકડા ઉપલબ્ધ નથી.

‘શું અમે આત્મહત્યા કરી લઈએ’ સુરેખા ખાન

બૅંગ્લુરુમાં સુરેખા મોહન પોતાના પતિ સાથે ટેક્‌નો સ્પાર્કમાં કામ કરે છે. જે બૅન્કમાંથી તેમણે લોન લીધી છે, તેની સાથેની તાજેતરની વાતચીતને યાદ કરતાં સુરેખા કહે છે, “અમને ગર્વ છે કે લૉકડાઉનમાં પણ અમે અમારા કર્મચારીઓના પગાર અટકાવ્યા નહોતા. આજે બૅન્કોને કોવિડ સંકટ વિશે ખબર છે, ત્યાર બાદ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થઈ ગયું, જેનાથી અમારા બિઝનેસ પર અસર થઈ છે. પરંતુ બૅન્ક પોતાની લોન માટે ચિંતિત છે. અમે અમારા બિઝનેસમાં નાણાં રોકવાને બદલે વ્યાજ ચૂકવીએ છીએ. કામ ચાલુ રાખવા માટે પ્રાઇવેટ ફંડ (ખાનગી ભંડોળ)નો ઉપયોગ કરવો પડે છે. પરંતુ આ બધું ક્યાં સુધી ચાલશે? મેં બૅન્કને પૂછ્યું કે શું તે ઇચ્છે છે કે અમે લોકો આત્મહત્યા કરી લઈએ?”

તેમનો આ સવાલ એક ખતરનાક ટ્રેન્ડ તરફ ઇશારો કરે છે-આંકડા પણ તેની પુષ્ટિ કરે છે. ભારતમાં કોવિડ સંકટ દરમિયાન આત્મહત્યાનો દર ઝડપભેર વધ્યો છે. સરકારી આંકડાના વિશ્લેષણથી બીબીસીને જાણવા મળ્યું છે કે બેરોજગારી, ગરીબી, અને કરિયર સંબંધી આર્થિક સમસ્યાઓના લીધે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે.

સરકારની કશી તૈયારી નહોતી – આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન

ટાસ્ક ફોર્સના કામકાજથી કોવિડ સંકટમાંથી બહાર નીકળવામાં શો ફરક પડ્યો, એવા સવાલના જવાબમાં ભારતીય રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. રઘુરામ રાજન કહે છે, “મને લાગે છે કે તેનાથી જુદાં જુદાં કાર્યોના ખર્ચ અને લાભ વિશે વ્યાપક દૃષ્ટિકોણ મળે છે.”

“સરકાર વ્યાપક સમજના આધારે નિર્ણય કરી શકતી હતી. ભૂતકાળની એ બાબતોને જોતાં ખબર પડે છે કે, હકીકત એ હતી કે એવાં ઘણાં ક્ષેત્ર હતાં જેના અંગે સરકારે સંપૂર્ણ વિચાર નહોતો કર્યો.”

“ઉદાહરણ તરીકે, પ્રવાસી મજૂરો પર પડનારી અસર. ખૂબ જ ટૂંકા સમયની સૂચના દ્વારા લાગુ કરાયેલું લૉકડાઉન અને તેને ચાલુ રાખવાની નીતિએ પણ આર્થિક પ્રવૃત્તિઓને ખૂબ અવરોધી. આ પ્રકારના નિર્ણયનાં શાં પરિણામ આવશે, તે માટેની કશી તૈયારી નહોતી કરવામાં આવી.”

“તેથી, એ સમજવું મુશ્કેલ છે કે આ નિર્ણય કરતાં પહેલાં શું વિચારવામાં આવ્યું, કેવો વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.”

રઘુરામ રાજન અનુસાર, એક તપાસ દ્વારા જાણવા મળી શકશે કે શું અસરકારક રહ્યું અને શું નહીં. સરકારના પોતાના આંકડામાંથી જાણવા મળે છે કે જીડીપી દરને કેટલું નુકસાન થયું હતું. 2020-21ની પ્રથમ ત્રિમાસિક દરમિયાન લગભગ 23.9 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે આખા વર્ષ દરમિયાન 6.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

કોવિડ સંકટના લીધે અર્થવ્યવસ્થા પર પડનારી અસરનો સામનો કરવા માટે સરકારે કહ્યું કે તે વિના વિલંબ ‘દરેક ક્ષેત્ર અને દરેક વ્યક્તિ સુધી પહોંચી’. રઘુરામ રાજન

સરકારે જે પગલાં ભર્યાં તેમાંનાં કેટલાંક નીચે જણાવ્યા પ્રમાણે છે :

મોદી સરકારે નબળા વર્ગોને ટૂંકા ગાળાની સમયમર્યાદા માટે રોકડ અને મફત અનાજની સાથોસાથ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા આપી. તેના ઉપરાંત, લોન ગૅરન્ટીની સાથોસાથ ઉદ્યોગપતિઓ માટે લોન માટેની સરળ વ્યવસ્થા સહિત ઘણી સુવિધાઓ આપવામાં આવી.

સરકારે જે જાહેરાતો કરી હતી તેમાં ઇએમઆઈના હપતામાં છૂટની સાથોસાથ ટૅક્સમાં રાહત પણ આપવામાં આવી હતી. આ દરમિયાન રાજ્ય સરકારોની ઉધાર સીમા વધારી દેવામાં આવી હતી.

2021માં વાર્ષિક બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ કહ્યું કે સરકારનું રાહત પૅકેજ ‘પાંચ મિની બજેટ’ જેટલું છે.

મોદી સરકારનો આર્થિક સંદેશ હવે 2024 અને 2029નાં પાંચ વર્ષને લક્ષિત કરે છે. તાજેતરમાં જ, વડા પ્રધાન મોદીએ તેને રેખાંકિત કર્યો, “આગામી પાંચ વર્ષ દરમિયાન ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા રૂપે ઊભરશે.”

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) અનુસાર, ભારતની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 2020થી 9.7 ટકા સુધી વધી ગઈ અને પછી 7.8 ટકાએ આવી ગઈ.

વર્તમાન સમયે તે 6.8 ટકા આંકવામાં આવી છે. વિશ્વ બૅન્કે એક ચેતવણી સાથે ભારતના વિકાસદરની સરાહના કરી છે. તેમાં કહેવાયું છે, “દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતમાં સૌથી ઝડપી વિકાસદર રહેવાનું અનુમાન છે, પરંતુ, કોવિડ સંકટ બાદ તેના પાછા ફરવાના દરની ઝડપ ધીમી રહેવાની શક્યતા છે.”

પ્રભાવ સ્થાયી રહેશે મોહન સુરેશ

મોહન ટેક્‌નોસ્પાર્કના મોહન સુરેશના જણાવ્યા અનુસાર, સરકારે કોવિડ સંકટ દરમિયાન જે કર્યું તેનાથી સ્પષ્ટ થાય છે કે તેને જમીનીસ્તરે સાથે યોગ્ય ફીડબૅક નહોતો મળ્યો.

મુંબઈના સ્ટ્રીટ ફૂડ વિક્રેતા ઉદિતકુમાર પણ આની સાથે સહમત છે. તેઓ કહે છે, “એક સારી રીતે કામ કરનારી ટાસ્ક ફોર્સે સરકારને યોગ્ય ઇનપુટ આપ્યા હોત તો સંભવ છે કે મારી પાસે આજે પણ મારું બાર અને રેસ્ટોરાં હોત. હું એક એવી વ્યક્તિ છું જે માત્ર વિમાનપ્રવાસ કરતો હતો. આજે, હું ફક્ત ટ્રેનનો ખર્ચ ઉઠાવી શકું છું, અને તે પણ જ્યારે હું સમય કાઢી શકું ત્યારે. તેનાથી તમને ખબર પડશે કે મારા જીવનમાં શો ફેરાફાર થઈ ગયો છે.

જેણે ભાગીદારોના ઇનપુટ સાથે કામ કરવાનું હતું તે ટાસ્ક ફોર્સ ન હોય તેવી સ્થિતિમાં, અત્યાર સુધી અર્થવ્યવસ્થામાં પાછા ફરવાનો દર શો રહ્યો?

વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના પૂર્વ સભ્ય પ્રોફેસર ગોયલે યાદ કરતાં કહ્યું કે, “એ સમયે, આપણે નીતિનિર્માતાઓ અને નીતિ ઘડનારી સંસ્થા તરીકે ખૂબ દબાણનો સામનો કરવો પડ્યો કે ભારતે એ જ કરવું જોઈએ જે અમેરિકા કરી રહ્યું હતું, એટલે કે, દરેકને બૅન્કના માધ્યમથી ફંડ આપવું. નાના ઉદ્યોગોને ફંડ આપવું. પરંતુ તમે જાણતા હતા કે તેનાથી મોટું નુકસાન થશે. અને તે જ થયું-આપણું નુકસાન વધી ગયું.”

તેમણે કહ્યું કે, “આખી દુનિયામાં એવું માનવામાં આવે છે કે ભારતીય મેક્રો નીતિએ આ સમયે સારું પ્રદર્શન કર્યું છે, અને અર્થતંત્રને મોટો વિકાસ દર મેળવવામાં મદદ કરી છે, અને મોંઘવારી દરને અંકુશમાં રાખ્યા. તેથી મને લાગે છે કે નીતિઓનું મૂલ્યાંકન કરવા માટે સૌથી બુદ્ધિશાળી રીત પરિણામો જોવા તે રહે. જો પરિણામ સારાં છે તો એનો અર્થ એ કે અમુક ઇનપુટ ચોક્કસ મળ્યા હશે.”

જોકે, ડૉ. રઘુરામ રાજનનો મત જુદો છે.

તેઓ કહે છે, “જો આપણે છ ટકા (2016થી)ના વિકાસદરને જાળવી રાખ્યો હોત, તો આપણે જે વિકાસ કર્યો હોત અને આજે જે વિકાસ થયો છે, બંને વચ્ચે ઘણો તફાવત છે. તફાવત ફક્ત વિકાસ બાબતમાં જ નથી, આ ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટના સ્તર બાબતમાં પણ છે.”

“આપણે કેટલી ઓછી ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટનું ઉત્પાદન કરીએ છીએ. કેમ કે, આપણી અર્થવ્યવસ્થા સતત નથી વધતી. સાથે જ, શું અત્યારનો વિકાસદર તેની ચુકવણી કરવા માટે પર્યાપ્ત છે, જે આપણે ગુમાવ્યું છે? ના. શું આ આપણને એક સમૃદ્ધ દેશ બનાવવા માટે પર્યાપ્ત છે? આ દરે તો આપણને ઘણો સમય લાગશે.”

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ)એ પોતાના તાજા રિપોર્ટમાં જણાવ્યું કે, ‘ભારતમાં રોજગારની સ્થિતિ ખરાબ છે.’

લાંબા સમયનાં વલણો પર ટિપ્પણી કરતાં તેમાં કહેવાયું છે કે, “2000-19 દરમિયાન, ઓછી ઉત્પાદકતાવાળા ખેતી ક્ષેત્રમાંથી અપેક્ષાકૃત ઉચ્ચ ઉત્પાદકતાવાળાં બિનખેતીક્ષેત્રો તરફ રોજગારની તકોમાં ફેરફાર થયો હતો. જોકે તે પછીથી ધીમો પડી ગયો અને ફરી 2019 અને 2022 વચ્ચે સ્થિતિ સંપૂર્ણપણે પલટાઈ ગઈ. તેનું કારણ બીજા કામધંધા નહીં મળવા, એવું માની શકાય. આ કોવિડ સંકટ પછી આર્થિક મંદીના લીધે પણ થયું છે. તે માટે લોકો ખેતી ક્ષેત્રમાં કામ શોધવા મજબૂર થયા.”

યુવાઓમાં બેરોજગારીના દરના પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “શિક્ષણના સ્તરમાં વૃદ્ધિ થઈ છે. હવે સ્નાતકની ડિગ્રી અથવા તેથી વધારે ડિગ્રીવાળા પુરુષ વધારે બેરોજગાર છે અને પુરુષોની તુલનાએ મહિલાઓમાં વધુ બેરોજગારી છે.”

મેં સુરેખાને પૂછ્યું કે, તમે વડા પ્રધાન કે નાણામંત્રીને શું કહેવા માંગશો?

તેમણે કહ્યું,”અમે અમારું દેવું ચૂકવવાથી મોં નથી ફેરવતા. અમને જીવતા રહેવા દો. જો અમે વિકાસ કરીશું ત્યારે જ અર્થવ્યવસ્થા અને દેશનો વિકાસ થશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us