
વાશી બ્રિજ તરીકે વધુ જાણીતો મુંબઈની દિશા તરફનો થાણાનો ખાડી પુલના હિસ્સાનું બાંધકામ પૂર્ણતાના આરે છે અને આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં ખુલ્લો મુકાય તેવી શક્યતા હોવાના અહેવાલો મળ્યા છે.
64,000થી વાહનની અવરજવર
આ પ્રોજેક્ટનો નવી મુંબઈ જતો હિસ્સો 13 ઓક્ટોબરે વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો એના બે જ મહિના પછી આ જાણકારી મળી છે. આને પગલે વાશી બ્રિજ પર ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. અહીં દરરોજ આશરે 64,300 વાહન અવરજવર કરે છે.
ખાડી વિસ્તારનો છે ચોથો પુલ
હાલમાં આ પટ્ટામાં બે પુલ પર વાહનોની અવરજવર થાય છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)એ નવા પુલનું નિર્માણ કર્યું હતું. ખાડી વિસ્તારનો આ ચોથો બ્રિજ છે. આ બ્રિજને કારણે ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

પહેલો પુલ 1973માં બાંધ્યો હતો
બે લેન ધરાવતો પ્રથમ પુલ 1973માં બાંધવામાં આવ્યો હતો, પણ લગભગ બે દાયકાથી એ નિયમિત ટ્રાફિક માટે બંધ છે. છ લેન ધરાવતો બીજો બ્રિજ 1997થી કાર્યરત છે. જોકે, બૃહદ મુંબઈ અને નવી મુંબઈમાં વસ્તીની ઝડપી વૃદ્ધિ અને વાહનોની ગીચતાએ તેની ક્ષમતાને ઘટાડી દીધી છે અને ટ્રાફિકની મોટી અડચણો ઊભી થઈ છે.
આ સમસ્યાઓને પહોંચી વળવા 2020માં એમએસઆરડીસીએ ટ્વીન ક્રીક પુલનું બાંધકામ શરૂ કર્યું હતું. નવા ખૂલેલા નવી મુંબઈ તરફના પુલને કારણે ટ્રાફિકની સમસ્યા ઘટી છે અને મુંબઈ તરફ જતો પુલ કનેક્ટિવિટીમાં વધુ વધારો કરશે તેવી અપેક્ષા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
