નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ કમિશન (NCDRC) એ એક મહત્વપૂર્ણ ચુકાદામાં લોઅર પરેલ સ્થિત પ્રોજેક્ટમાં ફ્લેટનું એલોટમેન્ટ રદ કરવાના અને 10 ટકા ડિપોઝિટ રકમ જપ્ત કરવાના બિલ્ડરના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ગ્રાહકે સમયસર હપ્તાની ચુકવણી ન કરી હોવાથી બિલ્ડર ‘જ્વાલા રિયલ એસ્ટેટ’ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કમિશને કરારની શરતો મુજબ યોગ્ય ગણાવી છે.
1. શું છે સમગ્ર વિવાદ?
નાગપુરના રહીવાસી પ્રતાપ પ્રેમચંદ અગ્રવાલે વર્ષ 2018માં NCDRC સમક્ષ બિલ્ડર સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે લોઅર પરેલ ખાતે આવેલા જ્વાલા રિયલ એસ્ટેટના હાઈ-રાઈઝ પ્રોજેક્ટ ‘માર્ક્વિસ’ (Marquise) ના વિંગ 3 માં ફ્લેટ બુક કરાવ્યો હતો.
- ગ્રાહકનો દાવો: 19 જૂન 2015ના રોજ બિલ્ડરે રૂા. 41.62 લાખની માંગણી કરી હતી. અગ્રવાલનો આરોપ હતો કે જે તબક્કાનું બાંધકામ બતાવીને પૈસા માંગવામાં આવ્યા હતા તે બાંધકામ પૂરું થયું નહતું. આથી તેમણે જપ્ત કરાયેલી રકમ, વ્યાજ અને અન્ય ચાર્જીસ પાછા મેળવવા કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
- બિલ્ડરનો પક્ષ: બિલ્ડરે સેવાઓમાં ખામી કે અયોગ્ય વેપાર નીતિના આરોપોને ફગાવી દીધા હતા.

2. બિલ્ડરે રજૂ કર્યા બાંધકામના સત્તાવાર પુરાવા
સુનાવણી દરમિયાન ડેવલપરે આર્કિટેક્ટનું સર્ટિફિકેટ, સાઇટના ફોટોગ્રાફ્સ અને મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના બિલ્ડિંગ સુપરવાઈઝર લલિત મિશ્રાની પહુંચ રજૂ કરી હતી.
- BMC સુપરવાઈઝરે 18 જૂન 2015ના રોજ આપેલા સર્ટિફિકેટમાં સ્પષ્ટ થયું હતું કે વિંગ 3 ના લેવલ 9 નું આરસીસી (RCC) કામ શરૂ થઈ ચૂક્યું હતું.
- બિલ્ડરે દાવો કર્યો હતો કે ફરિયાદી અગ્રવાલે આ મહત્વપૂર્ણ પુરાવા છુપાવ્યા હતા.
3. NCDRCનો આખરી નિર્ણય
નેશનલ કમિશને નોંધ્યું કે બીએમસીના સર્ટિફિકેટ અને રજૂ કરાયેલા રેકોર્ડ્સ પરથી સાબિત થાય છે કે બાંધકામ પ્લાન મુજબ આગળ વધી રહ્યું હતું અને બિલ્ડરની પેમેન્ટ માંગણી કરાર મુજબ યોગ્ય હતી.
કમિશને અવલોકન કર્યું કે, “ફરિયાદી પોતે જ સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળ રહ્યા હતા (ડિફોલ્ટ થયા હતા).” આથી કરારની શરતો અનુસાર 10% રકમ જપ્ત કરીને એલોટમેન્ટ રદ કરવાનો બિલ્ડરનો નિર્ણય સંપૂર્ણપણે કાયદેસર છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


