
હોળી નિમિત્તે થનારી ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થામાં અવરોધ પેદા કરનારા, અશ્લીલ ઈશારો કરનારો, અશ્લીલ ગીતો ગાનારા અને રંગથી ભરેલા ફુગ્ગાઓ ફેંકનારાની ખેર નહીં રહેશે. મુંબઈ પોલીસે પ્રતિબંધાત્મક આદેશ જારી કર્યો છે. અશ્લીલ ગીતો ગાનારા, અશ્લીલ શબ્દો ઉચ્ચારનારા વિરુદ્ધ પોલીસ કઠોર કાર્યવાહી કરશે.
આ આદેશ 18 માર્ચ સુધી લાગુ થશે. જાહેર સ્થળે અશ્લીલ ગીત ગાનારા, અશ્લીલ ઈશારા કરનારા અને રસ્તા પર ચાલતા લોકો પર રંગ ભરેલા ફુગ્ગા ફેંકનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ડીસીપી (અભિયાન) અકબર પઠાણ દ્વારા આ આદેશ જારી કર્યા છે. ઉપરાંત જાતીય તણાવ પેદા થાય, જાહેર શાંતિનો ભંગ થાય તેવી હરકતો કરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

વાંધાજનક ચિહનોનું પ્રદર્શન, પૂતળા બનાવવા, અન્ય અવમાન થાય તેવી તસવીરો, ફલક અથવા અન્ય વસ્તુઓનું જાહેર પ્રદર્શન કરવાની પણ બંધી ફરમાવવામાં આવી છે. ગુરુવારે રાત્રે સર્વત્ર હોળી પ્રગટાવવામાં આવશે. તે પૂર્વેથી પોલીસ દ્વારા સર્વત્ર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ પછી શુક્રવારે હોળીના દિવસે પણ અને ત્યાર પછી મંગળ વાર સુધી પ્રતિબંધાત્મક આદેશ લાગુ કરાયો છે.
ઠેર ઠેર પેટ્રોલિંગ અને ફિક્સ પોઈન્ટ બંદોબસ્ત
દરમિયાન ગુરુવાર અને શુક્રવારે સર્વ પોલીસોને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ દ્વારા ટ્રાફિક વિભાગ સહિત 7 એડિશનલ કમિશનર, 19 ડીસીપી, 51 એસીપી સાથે 1767 પોલીસ અધિકારી, 9145 પોલીસ અમલદારો બંદોબસ્તમાં રહેશે. ઉપરાંત મહત્ત્વના ઠેકાણે એસઆરપીએફ પ્લાટૂન, આરસીપી પ્લાટૂન, ક્યુઆરટી ટીમ, બીડીડીએસ ટીમ, હોમગાર્ડસ પણ બંદોબસ્તમાં રહેશે. ઠેકઠેકાણે નાકાબંધી, પેટ્રોલિંગ અને ફિક્સ પોઈન્ટ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ડ્રિંક એન્ડ ડ્રાઈવ ટાળવા પણ ઝુંબેશ
દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને શરાબ પીને વાહન ચલાવનારા વિરુદ્ધ પણ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. શરાબ પીને વાહન ચલાવનારા, જાહેર સ્થળે ધીંગામસ્તી કરનારા, મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરનારા, અનધિકૃત રીતે શરાબ વેચાણ કરનારા, ડ્રગ્સ વેચાણ અને સેવન કરનારા, ગેરકાયદેસર કૃત્ય કરનારા વિરુદ્ધ પણ કઠોર કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત રેકોર્ડ પરના ગુનેગારોની તપાસ કરવામાં આવશે. જો કોઈ આસ્થાપના નિયમભંગ કરે તો તેમની વિરુદ્ધ પણ કઠોર કાર્યવાહી કરવામાં આવશે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
