મુંબઈમાં ઓક્યુપેન્સી સર્ટિફિકેટ એટલે કે ઓસી વિનાની હજારો ઈમારતોમાં રહેતા લાખો રહેવાસીઓ માટે અત્યંત રાહતદાયક સમાચાર છે. મુંબઈ મહાપાલિકાની સ્થાયી સમિતીની બેઠકમાં આવી ઈમારતો માટે લાવવામાં આવેલી અભય યોજનાના પ્રસ્તાવને એકમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ મહત્વના નિર્ણયના લીધે મુંબઈમાં અનેક વર્ષોથી વિલંબિત ઓસીની સમસ્યાથી નાગરિકોનો છૂટકારો થશે. આ નવા પ્રસ્તાવ અનુસાર 17 નવેમ્બર 2016ના પહેલાંના ધોરણમાં સુધારો કરીને આ યોજના હવે વધુ વ્યાપક અને લોકાભિમુખ કરવામાં આવશે.
આ બેઠકમાં નિવાસી ઈમારતો માટે પહેલાંની 80 સ્કવેર મીટરની શરત અથવા મર્યાદા પૂર્ણપણે હટાવવામાં આવી છે. એના બદલે હવે મહાપાલિકાના મંજૂર થયેલા નકશાવાળી તમામ નિવાસી ઈમારતોને ઓસી આપવા બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. જરૂરી બંધારણીય ના હરકત પ્રમાણપત્ર રજૂ કર્યા પછી તમામ પ્રકારની વ્યવસાયિક ઈમારતોને પણ આ અભય યોજનાનો મોટો લાભ આપવામાં આવશે.

આ બેઠક દરમિયાન સભાગૃહ નેતા ગણેશ ખણકરે ડેવલપરોની ટીકા કરી હતી. કેટલાક બિલ્ડર અને આર્કિટેક્ટની બેદરકારીથી અથવા ભૂલની સજા નિર્દોષ નાગરિકોએ ભોગવવી પડે છે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
તેમ જ આવા જવાબદાર બિલ્ડર અને આર્કિટેક્ટના નામ જાહેર કરીને તેમને તરત બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ભવિષ્યમાં તેમના કોઈ પણ બાંધકામ પ્રસ્તાવને પરવાનગી આપવામાં ન આવે એવી આક્રમક ભૂમિકા રજૂ કરી હતી.
સામાન્ય નાગરિકોને ફાયદો: આ નવી અભય યોજનાના લીધે મુંબઈગરાને અનેક મોટા ફાયદા મળશે. અનેક વર્ષથી રખડી પડેલી ઈમારતોને ઓસી મળવાનો માર્ગ હવે ખુલ્યો છે. તેમ જ મુંબઈની રખડી પડેલી અથવા રખડી પડવાની શક્યતાવાળા પુનર્વિકાસ પ્રકલ્પને એના લીધે ઝડપ મળશે.
ઓસી ન હોવાથી રહેવાસીઓ પર હંમેશાં મહાપાલિકાની કાર્યવાહીની લટકતી તલવાર હોય છે. એ ડર હવે કાયમ માટે દૂર થશે. સૌથી મહત્વની વાત એટલે ઈમારતને ઓસી મળવાથી ફ્લેટ અથવા માલમતાની ખરીદી-વેચાણ અને ટ્રાન્સફર કરવું કાયદાકીય રીતે વધુ સહેલુ થશે.

બેંક પાસેથી હોમલોન અથવા બીજા આર્થિક વ્યવહાર મેળવવામાં આવતી અડચણ દૂર થતા આ વ્યવહાર સુલભ થવામાં મદદ થશે. જરૂરી પરવાનગીઓ પૂરી કરવાથી એની સીધી રાહત વ્યવસાયિક ઈમારતોને પણ મળવાની હોવાથી વેપારી વર્ગમાં ખુશીની લહેર છે.
ઓસી એટલે ઈમારતના બાંધકામ મંજૂર નકશા અનુસાર પૂરું થયું છે અને ઈમારત રહેવા માટે અથવા વપરાશ માટે પૂર્ણપણે સુરક્ષિત હોવાનું મહાપાલિકા તરફથી આપવામાં આવતું પ્રમાણપત્ર છે. અનેક હાઉસિંગ સોસાયટીઓમાં બિલ્ડરે ઓસી લીધું ન હોવાથી નાગરિકો હેરાન થાય છે. એના પર ઉપાય તરીકે ઓસી અભય યોજના લાવવામાં આવી છે. એના દ્વારા અનેક વર્ષોથી ઓસી વિનાની પાત્ર ઈમારતોને ચોક્કસ શરતો અને ધોરણ પર ઓસી મેળવવાની એક વિશેષ અને સોનેરી તક મહાપાલિકા આપે છે. બિલ્ડર અથવા આર્કિટેક્ટની ભૂલોના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા નાગરિકોને એના લીધે રાહત મળશે. જો કે આ યોજના તમામ ઈમારતોને લાગુ નહીં થાય. સંબંધિત ઈમારતે અથવા સોસાયટીએ મહાપાલિકાએ નક્કી કરેલા ધોરણ અને જરૂરી બંધારણીય પરવાનગીઓ મેળવવી ફરજિયાત રહેશે.


Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455

