ચેમ્બુરમાં સ્કૂલ બસ પર વૃક્ષ પડતાં એક માસૂમ વિદ્યાર્થીના મોતની ઘટનાને લઈને મુંબઈ મહાપાલિકાની (બીએમસી) બે સભ્યોની તપાસ સમિતિએ અહેવાલ સોંપ્યો છે. અહેવાલ જાહેર થતાં જ ભારે વિવાદ સર્જાયો છે. અહેવાલમાં કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ સામે કાર્યવાહી સૂચવવામાં આવી છે, પરંતુ પાર્ક વિભાગ અને સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં ન આવતાં મુંબઈ મહાનગરનાં મેયર રિતુ તાવડે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા સંદીપ દેશપાંડેએ વાંધો ઉઠાવ્યો છે.
તાવડેએ જણાવ્યું કે, તેઓ આ અહેવાલ સાથે બિલકુલ સહમત નથી. ચોમાસા પહેલાં સ્થળની મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓને ચેતવણી આપી હતી કે સિમેન્ટના કારણે ઝાડના મૂળ નબળા પડી શકે છે અને ભવિષ્યમાં જોખમ સર્જાઈ શકે છે. તેમ છતાં અધિકારીઓએ કોઈ પગલાં લીધાં નહીં.

પ્રથમ જ ભારે વરસાદમાં વૃક્ષ બસ પર પડતાં એક નિર્દોષ બાળકનો જીવ ગયો. મેયરે પ્રશ્ન ઉઠાવ્યો કે શું માત્ર કોન્ટ્રાક્ટર પર દંડ ફટકારીને જવાબદારી પૂરી થઈ જાય? એક માસૂમ બાળકે માત્ર 7 લાખ રૂપિયાની કિંમતમાં જીવ ગુમાવ્યો? અને તેથી વધુ એક માતા તરીકે, હું આ અહેવાલને સંપૂર્ણપણે સમજું છું, હું આ અહેવાલ સાથે બિલકુલ સહમત નથી. તેમણે આ મામલે ગૃહના નેતાઓ સાથે બેઠક કરીને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.બીજી તરફ મનસે નેતા સંદીપ દેશપાંડેએ અહેવાલને વરિષ્ઠ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ ગણાવ્યો.
તેમણે આરોપ મૂક્યો કે, વર્ષ 2024માં જ ટ્રી રિસ્ક એસેસમેન્ટ માટેની આધુનિક ટેક્નોલોજી ઉપલબ્ધ હોવા છતાં 2022થી 2024 દરમિયાન વૃક્ષોની જોખમ આકારણી કરવામાં આવી નહોતી. તેમણે પાર્ક સુપરિન્ટેન્ડેન્ટ સહિત જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.દેશપાંડેએ તપાસ સમિતિની રચના પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું કે વૃક્ષોની સલામતી જેવા વિષયમાં નિષ્ણાતોની જગ્યાએ એન્જિનિયરિંગ પૃષ્ઠભૂમિના સભ્યોનો સમાવેશ કરાયો હતો, જે યોગ્ય નથી.
તેમણે ચેતવણી આપી કે જો અધિકારીઓને ક્લીનચીટ આપવામાં આવશે તો મનસે ઉગ્ર આંદોલન કરશે.ઉલ્લેખનીય છે કે ચેમ્બુરમાં એક શાળાના બસ પર વુક્ષ પડવાની દુર્ઘટનામાં એક વિદ્યાર્થીના મોત મામલામાં બીએમસીના અધિકારી માલવાડેની આગેવાની હેઠળની બે સભ્યોની સમિતિના અહેવાલમાં માર્ગ વિભાગ અથવા પાર્ક વિભાગ (બગીચા વિભાગ) પર કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.

માત્ર કોન્ટ્રાક્ટરને રૂ. 5 લાખ અને કન્સલ્ટન્ટને રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને જવાબદાર અધિકારીઓને બચાવવામાં આવ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455

