દાદરના શિવાજી પાર્કમાં પીએમ નરેન્દ્ર મોદીની સભામાં ખાનાખરાબી થશે એવી મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ખોટી માહિતી આપીને લોકોમાં ભય ઉભો કરનારા આરોપીની અંધેરીથી ધરપકડ કરાઈ હતી.

કોલ બાદ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ સિક્યુરિટી એજન્સી એલર્ટ બની ગઈ હતી. અંધેરીના રહેવાસી કન્નપ્પા એસ. સોમસુંદર રેડડી (ઉં.વ.૫૨)ને પકડીને પોલીસને વધુ તપાસ આદરી છે. આ મામલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

શિવાજી પાર્ક ખાતે શુક્રવારે મહાયુતિની સભા યોજાઈ હતી. આ સભામાં વડાપ્રધાન મોદી પણ હાજર હતા. આ સભા પહેલાં બપોરે લગભગ ૩ વાગ્યાની આસપાસ મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. કોલ કરનારે કહ્યું કે ‘શિવાજી પાર્ક ખાતેની સભામાં મોટા પ્રમાણમાં ખાના ખરાબી થશે. આથી સુરક્ષામાં વધારો કરો. ત્યારબાદ પોલીસ સતર્ક બની ગઈ હતી.

બીજી તરફ પોલીસે આરોપીના ફોન પર વારંવાર કોલ કર્યો હતો. પરંતુ તેણે જવાબ આપ્યો ન હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તમામ એજન્સીને ધમકીની જાણ કરી હતી.

ફોન કરનાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ મામલે કન્ટ્રોલ રૂમની એક મહિલા કોન્સ્ટેબલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આરોપી સામે કેસ દાખલ કર્યો હતો.

પોલીસને તપાસ કરતા અંધેરીથી આ કોલ કરાયો હોવાનું માલૂમ પડયું હતું. જેના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરી અંધેરીથી આરોપી રેડ્ડીને પકડવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે મોદીની સભામાં હજારો લોકોએ હાજરી આપી હતી. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us