- કંપનીના માલિક હિતેશ ભાનુશાલી બની સાયબર ગઠિયાએ રમી ચાલ
- બીજી વાર ₹૨૦ લાખ માંગતા શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો; મુલુન્ડ પોલીસમાં ફરિયાદ
સાયબર ઠગો હવે કંપનીના કર્મચારીઓને જાળમાં ફસાવવા માટે ‘CEO ફ્રોડ’ (માલિક કે અધિકારી હોવાનો ડોળ કરવો) જેવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. મુલુન્ડ (વેસ્ટ)ના એલબીએસ માર્ગ સ્થિત એવિયોર કોર્પોરેટ પાર્કમાં આવેલી ‘એમ્બેલીશ’ કંપનીના એકાઉન્ટન્ટ સાથે વોટ્સએપ પર ૧૦ લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ઓનરના ફોટાવાળા DPથી આવ્યો મેસેજ
ગત ૩૦ જુલાઈના રોજ કંપનીના એકાઉન્ટન્ટ સુમન રાવરાણેને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ નંબરના ડિસ્પ્લે પ્રોફાઈલ (DP) પર તેમની કંપનીના માલિક હિતેશ ભાનુશાલીનો ફોટો લગાવેલો હતો. સાયબર ગઠિયાએ માલિક તરીકે ઓળખ આપી પહેલાં કંપનીના બેંક એકાઉન્ટનું બેલેન્સ પૂછ્યું હતું અને ત્યારબાદ ‘ક્રિષ્ના ટ્રેડર્સ’ના નામે તાત્કાલિક ₹૧૦ લાખ ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો હતો.

શંકા છતાં RTGS કરી દીધા પૈસા
એકાઉન્ટન્ટે પૈસા મોકલવાનું કારણ પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સામેથી ગઠિયાએ ઉતાવળ બતાવીને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. કંપનીના માલિકનો જ આદેશ છે તેમ સમજીને એકાઉન્ટન્ટ સુમને આપેલા ખાતામાં RTGS દ્વારા ₹૧૦ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા.
₹૨૦ લાખની બીજી માંગણીથી ભાંડો ફૂટ્યો
૧૦ લાખ મળ્યા બાદ ગઠિયાની લાલચ વધી ગઈ હતી અને તેણે તુરંત જ બીજા ₹૨૦ લાખ ટ્રાન્સફર કરવા કહ્યું. એક પછી એક આટલી મોટી રકમ માંગવામાં આવતાં એકાઉન્ટન્ટને શંકા ગઈ હતી. તેમણે તરત જ હિતેશ ભાનુશાલીના બહેનનો સંપર્ક કર્યો અને તેમણે હિતેશ સાથે વાત કરી. હિતેશે સ્પષ્ટ કર્યું કે તેમણે આવો કોઈ મેસેજ કે પૈસા મોકલવાનો આદેશ આપ્યો જ નથી.

આ સાંભળતાં જ કંપનીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. માલિક હિતેશ ભાનુશાલીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. મુલુન્ડ પોલીસે અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
For more details… Contact 9322529232 / 9324483455
