
ઘરના બેડરૂમમાં ગાંજાનાં છોડ ઉગાડનારો પણ ઝડપાયો
ક્રિસમસ અને થર્ટીફર્સ્ટ નિમિત્તે ઠેર ઠેર યોજાતી પાર્ટીઓમાં અમુક ઠેકાણે ડ્રગ્સનો પણ ઉપયોગ થતો હોય છે, જેને લઈને મુંબઈમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવી માહિતીને આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ઈન્ટેલિજન્સ ભેગું કરવામાં આવ્યું હતું. તેમાં એવી વિશ્વસનીય માહિતી મળી હતી કે બેન્ગકોકથી મુંબઈમાં ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ આવી રહ્યું છે.
આને આધારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. 17 ડિસેમ્બરે થાઈ એરવેઝની ફ્લાઈટ ટીજી317માં બેન્ગકોકથી મુંબઈ ટ્રાન્ઝિટમાં શંકાસ્પદ બેગેજને કબજામાં લેવાયું હતું. બેગેજની તલાશી લેતાં તેમાંથી 13 કિલો હાઈબ્રિડ પ્રકારનો ગાંજા મળી આવ્યો હતો, જે ડ્રગ્સ ખાસ કરીને યુવાનો દ્વારા પાર્ટીઓમાં મોટે પાયે ઉપયોગ કરવામાં આવે છે.
આ બેગેજ કોલ્હાપુરના તસ્કરની હતી એવી જાણકારી મળતાં 19 ડિસેમ્બરે તસ્કરને પકડી પાડવામાં આવ્યો હતો. તેણે આ ડ્રગ્સ પોતાનું હોવાની કબૂલાત કરી હતી. આ જપ્ત જથ્થાનું મૂલ્ય આશરે રૂ. 20 લાખ થાય છે, એમ એનસીબીના મુંબઈના એડિશનલ ડાયરેક્ટર અમિત ઘાવટેએ જણાવ્યું હતું.

દરમિયાન મુંબઈમાં એક તસ્કરે ઘરના બેડરૂમમાં ગાંજાનાં છોડવાં વાવ્યાં હતાં એવું બહાર આવ્યું છે. આ અંગે ઘાવટેએ જણાવ્યું કે તસ્કરો દ્વારા ડાર્કવેબ થકી પણ ડ્રગ્સ મગાવવામાં આવે છે, જેથી તેની પર નજર રાખવામાં આવી હતી. આવું જ એક પાર્સલ મુંબઈની ટપાલ ઓફિસમાં આવ્યું હતું, જે વિશે માહિતીને આધારે તપાસ કરતાં પાર્સલમાંથી 1.23 ગ્રામ મેસ્કલાઈન નામે માદક પદાર્થ મળી આવ્યો હતો.
આ પછી પાર્સલ જેને નામે હતું તેની 9 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. આ તસ્કરના ઘરની તલાશી લેતાં 489 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ખાસ કરીને તસ્કરે ઘરના બેડરૂમમાં નિયંત્રણ વાતાવરણમાં ગાંજાના છોડવાં ઉગાડ્યાં હતાં એવું બહાર આવ્યું હતું. તેની ધરપકડ કરીને વધુ તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
કસ્ટમ્સે પણ 11.32 કરોડનું ડ્રગ્સ પકડ્યું
દરમિયાન મુંબઈ એરપોર્ટ પર વિશ્વસનીય માહિતીને આધારે કસ્ટમ્સ દ્વારા રૂ. 11.32 કરોડનું સોનું પકડી પાડવામાં આવ્યું છે. બેન્ગકોકથી મુંબઈ આવેલા પ્રવાસીની તલાશી લેતાં તેની પાસેથી મારિજુઆના (હાઈડ્રોપોનિક વીડ) નામે ડ્રગ્સનો 11.32 કિલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતું, જેનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય રૂ. 11.32 કરોડ થાય છે. તસ્કરે વેક્યુમ સીલ્ડ પ્લાસ્ટિક પાઉચમાં ડ્રગ્સ છુપાવ્યું હતું, જે ટ્રોલી બેગમા રાખ્યું હતું. તસ્કરની ધરપકડ કરીને તે ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો અને મુંબઈમાં કોને પહોંચાડવાનો હતો તેની તપાસ ચાલી રહી છે, એમ કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
